ગુજરાતમાં શસ્ત્રોના વેપલામાં નવા કૌભાંડનો પર્દાફાશ થયો છે. ગુજરાતમાં શસ્ત્રો નહીં પણ તેના લાઇસન્સને લઈને નવી જ મોડસ ઓપરેન્ડી બહાર આવી છે. ગુજરાતમાં શસ્ત્રનું લાઇસન્સ મેળવવું અઘરું હોવાથી હવે આ પ્રકારનું લાઇસન્સ નાગાલેન્ડથી મેળવવામાં આવે છે. આ માટે આખી ટોળકી સક્રિય છે. ગુજરાત એટીએસે આ ટોળકીને પકડી પાડીને શસ્ત્રોના લાઇસન્સના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.
ગુજરાતમાં હથિયારના શોખીનો માટે આ ગેંગ શસ્ત્રોના લાઇસન્સ પૂરા પાડવાનું કામ કરતી હતી. ગુજરાત એટીએસે કુલ 16 આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી 15 શસ્ત્રો લગભગ 500થી પણ વધારે કારતૂસ કબ્જે કર્યા છે. આ પકડાયેલા આરોપીઓ પણ શસ્ત્રોના શોખીન છે અને તેમણે લાખ-લાખ રૂપિયાની કિંમત ચૂકવીને શસ્ત્રોના બોગસ લાઇસન્સ મેળવ્યા હતા.

આમ ગુજરાતમાં શસ્ત્રોનું બોગસ લાઇસન્સ કૌભાંડ મોટાપાયા પર ચાલી રહ્યુ છે. ગુજરાત એટીએસનું કહેવું છે કે તાજેતરમાં શસ્ત્રોનો જે વ્યાપ વધ્યો છે તે જોતાં લાગી રહ્યુ હતું કે આવું કોઈ તરકટ હોય તો જ લોકો આ પ્રકારે લાઇસન્સ મેળવે. આ 16 આરોપીઓની આકરી પૂછપરછમાં રહસ્યોદઘાટન થયું હતું કે તેઓએ આ શસ્ત્રો અને તેના લાઇસન્સ ગાઉ પકડાયેલા સાત આરોપીઓ પાસેથી જ મેળવ્યા હતા. તેમણે આ સંદર્ભમાં હરિયાણાના બે જણા સૌકત અલી અને આસિફ નામના બે શખ્સોનું નામ લીધું હતું. તેઓ નાગાલેન્ડ અને મણિપુરમાંથી આ પ્રકારના લાઇસન્સ તૈયાર કરાવી આપતા હતા.
ગુજરાત એટીએસના એસપી એસએલ ચૌધરીએ આ મામલા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે પકડાયેલા આરોપીઓની અને આ કૌભાંડની સવિસ્તર વિગતો આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આ કેસના તાણાવાણા બીજા મોટા માથા સુધી ખૂલ્યા છે. કહેવાય છે કે આ તો ફક્ત પાશેરામાં પહેલી પૂણી છે. આ કેસમાં રાજ્યના કેટલાય બિલ્ડરો અને રાજકારણીઓએ પણ નાગાલેન્ડ રૂટે બોગસ લાઇસન્સ મેળવ્યું છે, પરંતુ તેઓની હજી તપાસ જારી છે.

શસ્ત્રોના બોગસ લાઇસન્સ કેસની ગંભીરતા જોતાં ગુજરાત એટીએસ, સુરત ક્રાઇમ બ્રાન્ચ, સુરેન્દ્રનગર એસઓજી સહિત અનેક તપાસ એજન્સીઓ હાલમાં તપાસ કરી રહી છે. આ કેસમાં હાલમાં એક ધારાસભ્યના પુત્રનું નામ પણ બહાર આવ્યું છે. તેના પિતા વગદાર રાજકારણી છે. આ સિવાય કેટલાક બિલ્ડરોના અને ઉદ્યોગપતિઓના તથા તેઓના સંતાનોએ પણ આ રીતે બોગસ લાઇસન્સ મેળવ્યા હોવાનું કહેવામાં આવે છે. આ પ્રકારના લાઇસન્સ પણ કંઈ એમને એમ મળતા નથી, લાખથી લઈને દસ લાખ રૂપિયા સુધીની રકમ ચૂકવવામાં આવે ત્યારે આ પ્રકારનું લાઇસન્સ મળે છે. તેથી સ્વાભાવિક રીતે સામાન્ય માનવીની તો આ પ્રકારનું લાઇસન્સ મેળવવાની હિંમત જ ન થાય.
આ કૌભાંડમાં ગુજરાત એટીએસ અત્યાર સુધી 23 જણની ધરપકડ કરી ચૂક્યું છે. હવે વગદાર નેતાઓ, તેમના પુત્રો, બિલ્ડરો, ઉદ્યોગપતિઓ સુધી રેલો પહોંચ્યો છે ત્યારે આ તપાસની ગતિ ધીમી પડી છે. આવા જ એક કિસ્સામાં પોલીસે વગદારના પુત્રને નાગાલેન્ડથી જારી કરવામાં આવેલા ઓલ ઇન્ડિયા આર્મ્સ લાઇસન્સનું સ્થાનિક સ્તરે રજિસ્ટ્રેશન કર્યુ તેમા નોંધણી હાથથી કરી હતી. સામાન્ય રીતે આ પ્રકારની નોંધણી તો ટાઇપ કે એન્ટ્રી કરીને કરાતી હોય છે. હાથથી કરવામાં આવતી હોતી નથી.

આ પ્રકારે હાથથી થયેલી એન્ટ્રી રેકર્ડ પર પણ ચઢી ગઈ છે. આવું કરનારા એકાદ હોય તો ઠીક પણ આવું કરનારા ઘણા બધા છે અને આ બધા પાછા જાણીતા નામો હોવાથી પોલીસનો હાથ તેમના કાંઠલા સુધી પહોંચતો નથી. આ લોકોએ પોલીસ સમક્ષ ટેકન ઓવર એપ્લિકેશન આપીને તેમના નાગાલેન્ડના લાઇસન્સને હવે ગુજરાતમાં પણ માન્ય બનાવી દીધા છે. આશ્ચર્યની વાત તો એ છે કે નાગાલેન્ડના લાઇસન્સવાળી અરજીમાં સ્થાનિક સરનામું બતાવાયું હોવા છતાં તેને સ્વીકારી લેવામાં આવ્યું છે. આ બતાવે છે કે ગુજરાતમાં શસ્ત્રોના લાઇસન્સનો વ્યાપ કેટલો છે. આ બધા અંગે સ્થાનિક પોલીસે નાગાલેન્ડ પાસેથી એનઓસી મેળવી લઈને જ સંતોષ માન્યો છે.
બોગસ લાઇસન્સ પ્રકરણનો છેડો મોટા માથાઓ સુધી પહોંચવા લાગતા હવે તેમાં રીતસરનું ભીનું સંકેલવાની કવાયત શરૂ થઈ ગઈ હોવાનું મનાય છે. આગામી દિવસોમાં આખા પ્રકરણનો વીંટો વાળી દેવામાં આવે તો પણ આશ્ચર્ય ન થવું જોઈએ. આ કેસમાં બહુ-બહુ તો અત્યાર સુધીમાં 108 આરોપીઓમાંથી 23 પકડાયા છે અને બીજા આરોપીઓ પકડાય ત્યાં સુધીની જ કાર્યવાહી થશે. સ્વાભાવિક છે કે વગદાર લોકો સામે પડવાનું જોખમ પોલીસ પણ શું કામ ઉઠાવે.
પોલીસ ટૂંકમાં હવે આ કેસમાં બોગસ લાઇસન્સ મેળવનારા મોટા માથાઓને કદાચ અનલિસ્ટેડ લિસ્ટમાં લે, પણ સત્તાવાર રીતે તેમા કશું ન કરે તેવી સંભાવના છે. ફક્ત આ પ્રકારે લાઇસન્સ અપાવનારાઓ પર જ કાર્યવાહી કરવામાં આવશે. તેની સાથે પોલીસ તપાસની દિશા પણ હવે આ પ્રકારને બોગસ લાઇસન્સ અપાવનારી ગેંગને પકડવાની રહેશે, બોગસ લાઇસન્સ કોણે મેળવ્યું અને કેવી રીતે મેળવ્યું તે પોલીસે કદાચ શોધી તો કાઢ્યું હશે, પરંતુ કાર્યવાહી થાય તેવી સંભાવના ઘણી ઓછી છે.
આ પણ વાંચો:વિદેશમાં વસતા ગુજરાતીઓની હિંસા એક વરવી હકીકત
આ પણ વાંચો: ટ્રાફિકે બગાડ્યો 108નો રિસ્પોન્સ ટાઇમ
આ પણ વાંચો: મોરબીમાં ભ્રષ્ટાચારીઓ જ ‘ભવનાથ’ !
