ગોંડલ/ ગોંડલ મકાન વિહોણા લોકોને પ્લોટ અપાવવા 43 દિ”થી આગેવાન દ્વારા ચાલતા આંદોલનનો સુખદ અંત આવ્યો

પ્રાંત અધિકારી દ્વારા ઉપવાસ આંદોલન કરતાં આગેવાનને પારણા કરાવવામાં આવ્યા

Gujarat

ગોંડલ શહેર વિસ્તારના સર્વે નંબર 393 પૈકીના પ્લોટ ધારકો જેમની સંખ્યા 1746 તે મકાન વિહોણા હોય આ ગંભીર પ્રશ્ન મુદ્દે ભીખુશા ફકીર દ્વારા એકતા ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ છેલ્લા 43 દિવસથી મામલતદાર કચેરી પાસે ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યું હોય પરંતુ તંત્રના પેટનું પાણી હલતું ન હોય શહેર તાલુકા કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન આપી આંદોલનને સમર્થન કરાયા બાદ પ્રાંત અધિકારી દ્વારા હકારાત્મક વલણ દાખવી પ્રતીક ઉપવાસ આંદોલન કરતા ભીખુ સ્થાને પારણા કરાવવામાં આવતા આંદોલનનો સુખદ અંત આવ્યો હતો.

પ્રાંત અધિકારી રાજેશકુમાર આલ દ્વારા પ્રતીક ઉપવાસ કરી રહેલા ભીખુશા સરવદી ને પારણાં કરવાની સાથે પત્ર આપવામાં આવ્યો હતો જેમાં જણાવાયું હતું કે ઉપરોકત વિષયે ગોંડલ (શહેર) પાસે સવાલવાળી જગ્યા બાબતે પુર્તતા માંગવામાં આવેલ હતી. જે અન્વયે તેઓ દ્વારા પત્રથી અંશતઃ રીતે પુર્તતા થઈ આવેલ છે. જેમાં તેઓ ધ્વારા જણાવવામાં આવેલ વિગતે સવાલવાળી જગ્યામાં કુલ-૧૭૪૬ આસામીઓને આસામી દિ–૨૫ ચો.મી.ના પ્લોટની ફાળવણી કરવામાં આવેલ હતી અને જે તે સમયે સનંદો પણ આપવામાં આવેલ હતી પરંતુ હાલ માત્ર ૩૩૨ આસામીઓની સનંદની નકલો મળેલ છે જે તેમણે સંદર્ભ–૨ તળેના પત્ર સાથે અત્રે રજુ કરેલ છે તેમજ કુલ-૧૭૪૬ આસામીઓ પૈકી માત્ર ૧૨૦ આસામીઓના નામ / સરનામાની વિગત સંદર્ભ-૨ ના પત્રથી અત્રે રજુ થયેલ છે. કચેરીએ રજુ થયેલ સનદો અને સરનામાની વિગતે આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવશે ,

દરેક આસામીઓને યોગ્ય કાર્યવાહી થયા બાદ પ્લોટ ફાળવવા અંગેની નિમયોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેથી પ્રતિક ઉપવાશ સત્વરે સમેટી લઈ વાદગ્રસ્ત જમીનના કુલ–૧૭૪૬ આસામીઓ પૈકી બાકી રહેતા આસામીઓની સનંદો તથા તેમના હાલ રહેઠાણના પાકા સરનામાની વિગતો અધતન રીતે મળી રહે તે માટે તંત્રને સહકાર આપશો અને બાકી રહેતા આસામીઓની સનદ અને તેમના હાલના પાકા સરનામા રજુ થયે તેમને પણ નિયમોનુસાર પ્લોટ ફાળવણી અંગેની નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું કહ્યું હતું.

આ તકેશહેર કોંગ્રેસ પ્રમુખ આશિષભાઈ કુંજડિયા , વિક્રમસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા ( પ્રતિનિધિ, ધ્રુપદબા જાડેજા, પૂર્વ જિલ્લા પંચાયત વિપક્ષ નેતા) , યતીશ ભાઈ દેસાઈ, દિનેશભાઈ પાતર અને રૂષભભાઈ પરમાર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.