રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ પૂર્વ સીએમ અશોક ગેહલોતના ત્રણ વર્ષ જૂના નિર્ણયને પલટાવ્યો છે. રાજ્યમાં ગુનાખોરી રોકવા માટે સીએમ ભજનલાલ શર્માએ મહત્વનું પગલું ભર્યું છે. મુખ્યમંત્રીએ ગુરુવારે રાજ્યમાં ગુનાઓની તપાસ કરવા માટે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) ને સામાન્ય સંમતિ આપી હતી. મતલબ કે હવે સીબીઆઈને રાજસ્થાનમાં કોઈપણ કેસની તપાસ માટે રાજ્ય સરકારની પરવાનગી લેવાની જરૂર રહેશે નહીં.
અશોક ગેહલોત સરકારે વર્ષ 2020માં સામાન્ય સંમતિ પાછી ખેંચી લીધી હતી. દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 1946ની જોગવાઈઓ હેઠળ, સીબીઆઈને કોઈપણ રાજ્યમાં તપાસ કરવા માટે રાજ્ય સરકારની સંમતિ જરૂરી છે. સીએમ ભજનલાલ શર્માની મંજુરી બાદ સીબીઆઈ હવે રાજ્ય સરકારની પૂર્વ પરવાનગી વગર કોઈપણ કિસ્સામાં ત્વરિત કાર્યવાહી કરી શકશે. જો કે રાજ્યના ગૃહ વિભાગે હજુ સુધી આ અંગે સત્તાવાર આદેશ જારી કર્યો નથી. 2020 માં, અશોક ગેહલોતની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકારે રાજ્યમાં કેસોની તપાસ માટે સીબીઆઈને આપવામાં આવેલી સામાન્ય સંમતિ પાછી ખેંચી લીધી હતી. આ નિર્ણય બાદ સીબીઆઈએ કોઈપણ કેસની તપાસ કરતા પહેલા રાજ્ય સરકારની સ્પષ્ટ પરવાનગી લેવી પડી હતી.
આ નિર્ણય હવે સીએમ ભજનલાલે પલટી નાખ્યો છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ જંગી જીત મેળવી હતી. ભગવા પાર્ટીએ ભજનલાલ શર્માને રાજ્યના સીએમ બનાવ્યા. સીએમ બનતાની સાથે જ શર્માએ કહ્યું હતું કે તેમની સરકાર રાજ્યમાં ગુના અને ભ્રષ્ટાચાર સામે કડક પગલાં લેશે.
