માસુમોના મોતના સમાચારો આજકાલ મોટાભાગના અખબારોની હેડલાઈન્સ બનેલા છે. રાજસ્થાનમાં કોટામાં એક મહિનામાં ૧૦૦ થી વધુ બાળકોના મોત નીપજ્યાં હતા. ત્યારે આ હોબાળો શમ્યો નથી ત્યાં ગુજરાતમાં પણ અમદાવાદ અને રાજકોટ સિવિલમાં ૨૧૯થી વધુ બાળકોના મોતનો મુદ્દો સંવેદનશીલ બન્યો છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, આ મામલાને ક્યાંક મેડીકલ સર્વિસ સાથે તો ક્યાંક કુપોષણ સાથે જોડવામાં આવી રહ્યો છે. અને વાતમાં દમ પણ છે.

આ અંગે પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા અને નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ન્યુટ્રીશનના એક રીપોર્ટ અનુસાર, વર્ષ ૨૦૧૭-૧૮ માં દેશમાં ઓછા જન્મેલા બાળકોની ટકાવારી ૨૧.૪ હતી. ઉપરાંત એનીમિયાથી પીડિત અને ઓછું વજન ધરાવતા બાળકોના જન્મની ટકાવારી પણ વધી છે.
વધુમાં વર્ષ ૧૯૯૦ માં કુપોષણથી થતા મૃત્યુની ટકાવારી ૭૦.૪ % હતી. જે ૨૦૧૭-૧૮ માં પણ ૬૮.૨ % જ છે. મતલબ કે આટ આટલા પ્રયાસ છતાં સ્થિતિમાં ખાસ કોઈ સુધાર નથી. અને તેવામાં ચોમેરથી થતી ટીકાઓ અને વિશ્લેષણ બાદ સરકાર આ મામલે કોઈ સીરીઅસ પગલા લેવા ધારે છે. પરંતુ અહી લોકોએ તે પણ ધ્યાનમાં લેવું રહ્યું કે, અહી દોષ ફક્ત સરકારી નીતિઓનો જ નથી. હા આયોજનનો જરૂર છે. પરંતુ બદલાયેલ જીવનશૈલી પણ તેના માટે ખાસ્સી જવાબદાર છે. લોકો કે જેમાં સંપન્ન લોકો પણ આવી ગયા કે જેઓ આજના સમયમાં પોષણને ધ્યાનમાં લેવાને બદલે ચટકાને ધ્યાન માં લે છે .
![]()
આજે મોટાભાગના લોકો જેમાં મધ્યમવર્ગ પણ આવી ગયો કે જેઓ અનેકવિધ વાનગીઓ આરોગે છે. દેશ-વિદેશની જાત-જાત ની વાનગીઓની મહેફિલ દિવસના ગમે તે સમયે ચાલુ હોય છે. પીત્ઝા આરોગવાનો કોઈ સમય ફિક્સ નથી. સ્વીગી, ઝોમેટો કે ડોમિનોઝ ના ડીલીવરી બોય મોબાઇલ મચેડતા જ ગણતરીની મીનીટોમાં હાજર હોય છે. કહેવાનો આશય છે કે, લિમીટેડ મેન્યુ હવે અનલિમીટેડ બન્યું છે. પરંતુ તેમછતાં સમાજનો મધ્યમવર્ગ અને ગરીબ વર્ગ મોટાપાયે અનેકવિધ બીમારીઓ અને કુપોષણથી પીડાય છે.

આ અંગે સંયુક્ત રાષ્ટ્રની તાઝા રીપોર્ટ મુજબ, ભારત માં ૧૯.૫ કરોડ લોકો કુપોષણથી પીડાય છે. દુનિયાના અન્ય કુપોષિત દેશોનો આ અંગેનો અનુપાત ૨૫ % જેટલો છે. જયારે કે , ભારતમાં દર ૧૦ માંથી ૪ બાળકો કુપોષિત છે. અને વળી અહી વિચારવા જેવી બાબત તે છે કે, આ સ્થિતિ તેવા દેશમાં પ્રવર્તી રહી છે કે જે, ખાધ્યન્ન ઉત્પાદન મામલે આત્મનિર્ભર છે. તેમજ તે સિવાય અન્ય કેટલાય જરૂરી અનાજ , દાળો કે કઠોળની આયાત પણ કરે છે. અને આજે સ્થિતિ તે છે કે, દુનિયા ના કેટલાય દેશો પોતાનો દેશનો ભૂખમરો મીટાવવા ભારત પાસેથી જ અનાજ ખરીદે છે.
ત્યારે બહુ સાફ વાત છે કે, ભારતના ગરીબો જે ભૂખમરો કે કુપોષણ નો શિકાર બને છે તે ખાદ્યાન્નની કમીને કારણે નહિ બલકે પ્રશાસન ના કુપ્રબંધન કે ભ્રષ્ટાચાર ને કારણે બને છે. પરંતુ આ બાબત ઉપર ધ્યાન આપવાને બદલે કે આ અંગે કોઈ પગલા ભરવાને બદલે હાલમાં જ ભારતના નીતિ આયોગે ગરીબ અને કુપોષિત લોકો અંગે એક પ્રસ્તાવ ભારત સરકારને આપ્યો છે. આ પ્રસ્તાવ મુજબ , ભુખમરો અને કુપોષણ ઘટાડવા માટે જન વિતરણ કેન્દ્રો દ્વારા માંસથી બનેલ ઉત્પાદનોનું વિતરણ કરવામાં આવે. જેનાથી લોકોને વધુ પ્રોટીનયુક્ત ભોજન મળે.
લો , વિચારો જે વસ્તુ પ્રાપ્ત છે તેનું આયોજન કરવાને બદલે નવા ગતકડા લાવવામાં આવી રહ્યા છે. પરંતુ કોઈને ખ્યાલ નથી આવતો કે, ભાઈ કુપ્રબંધાનની જે બદી છે તેને એક નિશ્ચિત આયોજનનું સ્વરૂપ આપવામાં આવે.
અને આ પ્રસ્તાવ અગર કેન્દ્રીય મંત્રીમંડળ સ્વીકારી લે છે તો, પીડીએસ દ્વારા ચીકન, મટન, માછલી અને ઈંડા જેવી ચીજો સસ્તા દરે ઉપલબ્ધ કરાવવામાં આવશો. લો કર લો બાત, અહી જ્યાં બારેમાસ પાકતું અને બારેમાસ કોઠારોમાં સાચવી શકાતું અનાજ નથી સંભાળી શકાતું. અને લાખો ટન અનાજ જાળવણી કે ગોદામોને અભાવે સડી જાય છે ત્યાં હવે આ લોકોને કલાકોમાં બગડી જાય તેવી ચીજો વિતરણ પ્રણાલીમાં સામેલ કરવી છે. છે ને ઉપહાસને લાયક પ્રસ્તાવ કે જે ભારતીય વિતરણ વ્યવસ્થા માટે કોઈ રીતે પણ યોગ્ય નથી.
વધુમાં જયારે આ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે ત્યારે નોધવું રહ્યું કે, જયારે પણ અનાજ બચાવવા આ પ્રકારે માંસાહાર વધારવા ભલામણ કરવામાં આવે છે ત્યારે કેટલીક જમીની હકીકતોને ભૂલી જવામાં આવે છે. જેમાં પ્રથમ તો, ૧૦૦ કેલોરી બરાબર માંસ તૈયાર કરવા માટે ૭૦૦ કેલોરી જેટલું અનાજ ખર્ચ કરવું પડે છે. જે પ્રકારે મરઘી કે બકરીના પાલન પોષણ માટે જેટલું અનાજ ખર્ચ થાય છે તેટલું જ અનાજ અગર સીધા અનાજ તરીકે વાપરવામાં આવે તો તે વધુ લોકોની ભૂખ મટાડી શકે છે.

જો કે, આ મામલે આપણી આસપાસની સ્થિતિ તેવી વિપરીત છે કે, આજે દુનિયા માં ૨૦૦ કરોડ લોકો ફાસ્ટ ફૂડ જેવી ચીજો ખાઈ ખાઈ ને કે જીવન શૈલીના કારણે ઓબેસિટીનો શિકાર બની ચુક્યા છે. તો બીજી તરફ ૮૨ કરોડ થી પણ વધુ લોકો ભોજન વિના ટળવળે છે. આ અસમાનતા એ સમાજને અસંતુલિત કરી દીધી છે.
તેમજ આ અંગે ઈટ સ્ટોકહોમ ફૂડ ફોરમ દ્વારા ભારત સહીત ૧૬ દેશોના ૩૭ નિષ્ણાતો એ એક શોધ રીપોર્ટ રજુ કર્યો છે . જે અનુસાર ખાન-પાન માં રેડ મીટ ના વધુ પડતા ઉપયોગના કારણે ભૂમિની પ્રકૃતિ બદલાઈ રહી છે. જૈવ વિવિધતા ખતરામાં છે અને પાણી નું ઘોર સંકટ પેદા થઇ શકે છે. પર્યાવરણ ને નુકસાન પહોચાડતી ૨૫ % જેટલી ગેસ પણ આના દ્વારા જ પેદા થાય છે. ત્યારે આ સ્થિતિને પારખ્યા બાદ જર્મનીના પર્યાવરણવિદ જોહન રોક્સ્ત્રોમ દાવો કરી રહ્યા છે કે, દુનિયાને બચવવા મોંસ ઉદ્યોગને ખતમ કરવાણી પહેલ કરવી પડશે.

તેવામાં પરમ્પરાગત ભારતીય ભોજન જ આજ નહિ તો કાલે દુનિયાને બતાવી શકશે કે ધરતીને નુકસાન પહોચાડ્યા વગર આપણે કેવી રીતે પોષ્ટિક ભોજન પ્રાપ્ત કરી શકીએ છીએ. વળી આ સાથે તે પણ નોધવું રહ્યું કે જે લોકો પશ્ચિમી શૈલીનું અનુકરણ કરીને આડેધડ ખાદ્ય વાનગીઓ આરોગે છે, તેઓ જાણી લે કે પશ્ચિમી દેશના લોકો આપણી પરમ્પરા નું જીવન દર્શન કરીને શાકાહાર અપનાવવાની સલાહ આપી રહ્યા છે.
રીના બ્રહ્મભટ્ટ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
