વિદ્યાર્થી નેતા અને કાર્યકર શેહલા રાશિદના પિતા અબ્દુલ રશીદ શોરાએ સોમવારે તેમની પુત્રી પર ગંભીર આક્ષેપો કર્યા હતા. શોરાએ બેટીની એનજીઓ વિરુદ્ધ તપાસ શરૂ કરવાની માંગ કરી હતી અને એવો આક્ષેપ કર્યો હતો કે શેહલાએ કાશ્મીર ખીણમાં રાજકારણમાં જોડાવા માટે ભંડોળ લીધેલ છે. જોકે, શેહલાએ તેના પિતા દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોને નકારી દીધા છે. શેહલાએ તેના પિતાનાં નિવેદનને ‘પાયાવિહોણા અને બકવાસ’ ગણાવ્યા હતા. શેહલાએ કહ્યું કે, 17 નવેમ્બરનાં રોજ, ઘરેલું હિંસાનાં કેસમાં પરિવારે ફરિયાદ નોંધાવ્યા બાદ અદાલતે તેના પિતાનાં શ્રીનગર નિવાસમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો.
પત્રકાર પરિષદમાં પોલીસ મહાનિર્દેશકને સંબોધિત ત્રણ પાનાનો પત્ર આપતા શોરાએ દાવો કર્યો હતો કે તેની પુત્રી શેહલા, તેના સુરક્ષા ગાર્ડ, બહેન અને તેની માતાથી તેને જીવનું જોખમ છે. શોરાએ દાવો કર્યો હતો, “કાશ્મીરનાં રાજકારણમાં જોડાવા માટે તેણે (શેહલા) પૂર્વ ધારાસભ્ય ઇજનેર રાશિદ અને ઉદ્યોગપતિ ઝહુર વાતાલી પાસેથી ત્રણ કરોડ રૂપિયા લીધા હતા.” રાશિદ અને વાતાલી પર આતંકવાદને પોષણ આપવાની કથિત સંડોવણી માટે રાષ્ટ્રીય તપાસ થઇ રહી હતી. એજન્સી (એનઆઈએ) ગયા વર્ષે તેની ધરપકડ કરી હતી. જેએનયુનાં પૂર્વ વિદ્યાર્થી શેહલા રાજકારણમાં જોડાઇ હતી અને આઈએએસ ટોપર શાહ ફૈસલે શરૂ કરેલી જે રાજકીય ચળવળનાં તે સ્થાપક સભ્ય હતા.
શોરાએ શેહલા દ્વારા સંચાલિત બિન-સરકારી સંસ્થાઓ (એનજીઓ) અને તેના પુત્રીઓ અને તેની માતાનાં બેંક ખાતાઓની પણ તપાસની માંગ કરી હતી. જો કે, તેના જવાબમાં શેહલાએ એક ટ્વીટ કરીને કહ્યું કે, “મારા પિતા દ્વારા મારા પર, મારી માતા અને બહેન પર લાગેલા આક્ષેપોનો વીડિયો તમે ઘણા લોકોએ જોયો હશે. ટૂંક શબ્દોમાં અને સ્પષ્ટ શબ્દોમાં, તે એક માણસ છે જેણે તેની પત્નીને માર માર્યો, અને તેનો દુરૂપયોગ કર્યો. અમે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવાનું નક્કી કર્યું અને જવાબમાં તેણે આ યુક્તિ અપનાવી.” શેહલાએ આ આરોપોને “પાયાવિહોણા અને વાહિયાત” ગણાવ્યા હતા. તેણે કહ્યું, “મારી માતાએ આજીવન હિંસા, ત્રાસનો સામનો કરવો પડ્યો.” તે પરિવારનાં કારણે મૌન રહી. હવે જ્યારે અમે તેઓના આ કૃત્યની વિરુદ્ધ બોલવાનું શરૂ કર્યું, ત્યારે તેમણે પણ અમને બદનામ કરવાનું શરૂ કર્યું.” શેહલાએ કહ્યું કે, તેના પિતા દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને કોઈએ ગંભીરતાથી ન લેવા જોઈએ.
