@મહેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ – અરવલ્લી
એક તરફ વિશ્વભરમાં કોરોના કાળ ચાલી રહ્યો છે તેવામાં લોકો જીવન બચાવવા માટે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. તેવા કપરા સમયમાં અરવલ્લી જિલ્લાનાં ધનસુરા તાલુકાનાં ખીલોડિયા ગામે હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં પત્નીનાં ચરિત્ર પર વહેમ રાખી પતિ એ જ ધારીયાનાં ઘા મારી મહિલાને ગંભીર રીતે ઘાયલ કરતા મહિલાને સારવાર માટે અમદાવાદ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ સમગ્ર ઘટનાની જાણ ધનસુરા પોલીસને કરવામાં આવતા ધનસુરા પોલીસે હત્યારા પતિ વિરુદ્ધ હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથધરી હતી.

માતાની હત્યા બાદ પિતા જેલમાં ધકેલાયો ચાર બાળકો બન્યા નોંધારા
ખીલોડિયા ગામે બનેલી હત્યાની ઘટના બાદ ધનસુરા પોલીસે આરોપી પતિને ઝડપી પાડી જેલનાં હવાલે કર્યો છે. પરંતુ ચાર બાળકો હવે નોંધારા બન્યા છે. એક તરફ કોરોના કાળમાં લોકો એકબીજાની નજીક જતા ગભરાઈ રહ્યા છે, તેવા કપરા સંજોગોમાં ચાર બાળકોએ માતા ગુમાવ્યા બાદ પિતા જેલમાં જતા ચારેય બાળકો નોંધારા બન્યા છે. નાના બાળકોનાં ભવિષ્ય સામે સવાલો ઉભા થયા છે.ચારમાંથી એક સંતાન દિવ્યાંગ હોવાનું પણ સામે આવ્યું છે.

ચિંતન ચેરીટેબલ ટ્રસ્ટનાં સહયોગથી બાળકોનો ઉછેર કરવા શિકા ગામનાં યુવકોએ કરી પહેલ
નોંધારા બનેલા ચારેય બાળકોનું ભવિષ્ય ન જોખમાય અને બાળકોનો એક સાથે ઉછેર થાય તે માટે શિકા ગામનાં પ્રજાપતિ સમાજનાં યુવાનોએ શિકા ખાતે ચાલતા ચિંતન ચેરીટેબલ ટ્રસ્ટનાં સહયોગથી બાળકોનો યોગ્ય રીતે ઉછેર થાય તે માટે પહેલ કરવામાં આવી છે.

