Gujarat News/ નવા 41 પ્રમુખની યાદી તૈયાર : ગમે તે ઘડીએ ભાજપ શહેર-જિલ્લા પ્રમુખોના નામ જાહેર થાય તેવી શક્યતા

રાજકોટના એક કાર્યકરે વોર્ડ પ્રમુખ બનવા માટે પોતાનો દાવો રજૂ કરતી વખતે ખોટું પ્રમાણપત્ર રજૂ કર્યું હતું

Top Stories Gujarat

Gujarat news : તાજેતરમાં જ ગુજરાત ભાજપ સંગઠન પર્વની પ્રક્રિયા કરવામાં આવી છે. વોર્ડ પ્રમુખો જાહેર થયા બાદ હવે શહેર અને જિલ્લા પ્રમુખોનાં નામો જાહેર કરવામાં આવશે. રાજકીય વર્તુળોમાંથી જાણવા મળ્યા મુજબ, ગુજરાત ભાજપના જિલ્લા-શહેર પ્રમુખની યાદી તૈયાર થઈ ગઈ છે તેમજ હાલ ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતમાં જ છે. તેઓ 16 જાન્યુઆરીની સાંજે દિલ્હી જવા રવાના થવાના હોવાથી એ પહેલાં જ યાદી જાહેર થવાની શક્યતા છે.

રાજકીય વર્તુળોમાંથી જાણવા મળ્યા મુજબ, હાલ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પાસે યાદી આવી ગઈ છે, જેથી હવે ગમે તે ઘડીએ જિલ્લા પ્રમુખો અને શહેર પ્રમુખોનાં નામ જાહેર થઈ જશે. શહેર અને જિલ્લાના પ્રમુખ બનવા દાવેદારોનો રાફડો ફાટ્યો હતો. 33 જિલ્લા પ્રમુખ અને આઠ શહેર પ્રમુખ મળી 41 જગ્યા માટે ત્રણસો ગણાથી વધુ એટલે કે 1300 આગેવાનોએ દાવેદારી નોંધાવી હતી.બૂથ અને મંડળ સ્તરની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે શહેર અને જિલ્લા પ્રમુખોની વરણી પર સૌકોઈની નજર છે. શહેર-જિલ્લા પ્રમુખ બનવા માટે દાવેદારોનો રાફડો ફાટ્યો હોવાથી પાર્ટી માટે પસંદગી થોડી મુશ્કેલ બની છે. ત્યારે અનેક જિલ્લાઓમાં દાવેદારો સિવાય કોઈ અન્યની પેરાશૂટ એન્ટ્રી થવાની પણ શક્યતા છે.

રાજ્યમાં આવનારા મહિનાઓમાં 72 પાલિકા, 92 તાલુકા પંચાયત, જૂનાગઢ મહાનગરપાલિકા અને ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી યોજવાની છે, સાથે જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અગાઉ પક્ષમાં વકરેલા જૂથવાદને લઈ હાઇકમાન્ડ પણ એલર્ટ થઈ ગયું છે.ગુજરાતમાં બૂથ અને મંડળ સ્તરની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે. હવે શહેર અને જિલ્લાના સંગઠનના માળખાની રચના થવાની છે. પ્રમુખપદની ચૂંટણી માટે 4 જાન્યુઆરીએ જ ભાજપે મોકલેલા નિરીક્ષકોની ઉપસ્થિતિમાં અલગ અલગ જિલ્લામાં દાવેદારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યાં હતાં. આ પ્રક્રિયાને 8 દિવસનો સમય વીતી ચૂક્યો છે. આગામી બે-ત્રણ દિવસમાં જ જિલ્લા અને શહેરના પ્રમુખોનાં નામની જાહેરાત પણ કરી દેવામાં આવે એવી પૂરી શક્યતા સેવાઈ રહી છે.

ગુજરાતમાં ભાજપના કાર્યકર્તાઓમાં શહેર જિલ્લાના સંગઠનમાં કોને સ્થાન મળે છે એની સાથે સાથે પ્રદેશ માળખામાં પણ કોને સ્થાન મળે છે એ નામને લઈ રાહ જોવામાં આવી છે. જોકે પ્રદેશ માળખાની રચના શહેર અને જિલ્લામાં મોટા ભાગના પ્રમુખોની વરણી થયા બાદ જ થશે, એટલે કે શહેર-જિલ્લાના પ્રમુખોની જાહેરાત જેટલી મોડી થશે એટલું જ મોડું પ્રદેશ માળખાની જાહેરાતમાં થઈ શકે છે.
વડોદરા શહેર ભાજપમાં છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલી યાદવાસ્થળી 4 જાન્યુઆરી, 2024ના રોજ સેન્સપ્રક્રિયામાં પણ જોવા મળી હતી. આ સેન્સપ્રક્રિયા દરમિયાન વડોદરા શહેર ભાજપના ઉપપ્રમુખ અને પૂર્વ કોર્પોરેટર વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપો થતાં કાર્યાલય પર સોપો પડી ગયો હતો. પૂર્વ કોર્પોરેટર ગોપી તલાટીએ મહિલાઓનું અપમાન થાય એવું નિવેદન કર્યાનો સુનિતા શુક્લાએ આક્ષેપ કર્યો હતો. જ્યારે પૂર્વ કોર્પોરેટરે ગોપી તલાટીએ બચાવમાં કહ્યું હતું કે મારી દાવેદારીને નબળી પાડવા માટે ખોટા આક્ષેપો કરાઈ રહ્યા છે.

સુરત જિલ્લાના વિવાદ અંગે વાત કરીએ તો કુલ 17 ઉમેદવારે પ્રમુખપદ માટે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું ત્યારે પ્રમુખપદ માટે હાથ ધરવામાં આવેલી પ્રક્રિયા સામે ભાજપના જ આગેવાને નારાજગી વ્યક્ત કરી હતી. સુરત જિલ્લા ભાજપના SC મોરચાના પ્રમુખ રાજેશ કટારિયાએ પણ સુરત જિલ્લા ભાજપ પ્રમુખપદ માટે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું, પરંતુ તેમનું ઉમેદવારી ફોર્મ કારણ વગર જ રદ કરી દેવામાં આવ્યું હોવાનું જણાવી રોષ વ્યક્ત કર્યો હતો.

વોર્ડ અને તાલુકા પ્રમુખો બનવા સમયે પણ ઉંમર ઘટાડવાના કિસ્સાઓ સામે આવ્યા હતા. વોર્ડ અને તાલુકાના પ્રમુખો બનાવવા માટે 40થી વધુ વયના કાર્યકરોની પસંદગી ન કરવી એવો નિર્ણય લેવાયો હતો, જેથી કેટલાક ‘હોશિયાર’ ભાજપ નેતાઓએ આ માપદંડમાં ગોઠવાઈ જવા નકલી જન્મ પ્રમાણપત્રો તૈયાર કરાવી દીધાં. 40થી વધુ વયના જ વોર્ડ અધ્યક્ષ બની શકે એ માટે રાજકોટ અને અમદાવાદના ભાજપ નેતાએ પણ નકલી જન્મ પ્રમાણપત્ર રજૂ કરી ઉંમર ઓછી કરી દીધી હતી.ઉંમર ઘટાડવાની ચાલાકી વાપરી પોતાના સંપર્કો સંબંધિત પાલિકા કે પંચાયતના પદાધિકારી સાથે હોવાથી તેમની સાથે મિલીભગત કરી પોતે 40થી ઓછી વયના હોય એવા સર્ટિફિકેટ ઇસ્યુ કરાવી દીધા, જોકે ભાજપના જ તેમના હરીફોએ આવા કાર્યકરોના તેમના શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અને આધારકાર્ડ જેવા દસ્તાવેજો બહાર પાડી દીધા અને પોલ ખોલી હતી.

રાજકોટના એક કાર્યકરે વોર્ડ પ્રમુખ બનવા માટે પોતાનો દાવો રજૂ કરતી વખતે ખોટું પ્રમાણપત્ર રજૂ કર્યું હતું. ત્યાર બાદ અમદાવાદમાં પણ નવા નિયુક્ત કરાયેલા વોર્ડ પ્રમુખનું નકલી પ્રમાણપત્ર હોવાનું બહાર આવ્યું હતું.અમદાવાદ ભાજપનાં સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, અમદાવાદમાં શહેર ભાજપપ્રમુખ તરીકે દાવેદારીમાં સૌથી વધુ ચર્ચા પ્રદેશ યુવા મોરચાના પૂર્વ યુવા પ્રમુખ અને પ્રદેશના સહપ્રવક્તા ડો. ઋત્વિજ પટેલનું નામ ચાલી રહ્યું છે. ગાંધીનગર લોકસભામાં ઘાટલોડિયા વોર્ડમાંથી આવતા ઋત્વિજ પટેલની યુવા કાર્યકર્તાઓમાં અને સંગઠનમાં સારી પકડ છે. યુવા મોરચાના પ્રમુખ તરીકે તેમની સારી કામગીરી હોવાના પગલે તેમને પ્રમુખપદ આપવામાં આવી શકે છે. સરસપુર રખિયાલ વોર્ડના કોર્પોરેટર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસક પક્ષના નેતા રહી ચૂકેલા ભાસ્કર ભટ્ટ પણ શહેર પ્રમુખની દાવેદારીમાં આગળ છે. સંગઠનમાં કામગીરી કરી હોવાના કારણે તેઓ પણ દાવેદાર છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન અને થલતેજ વોર્ડના કોર્પોરેટર હિતેશ બારોટે પણ પ્રમુખપદ માટે પોતાની દાવેદારી નોંધાવી હતી.

 રાજકોટ શહેર ભાજપ-પ્રમુખ માટે દાવેદારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યાં હતાં, જેમાં વર્તમાન પ્રમુખ મુકેશ દોશી ઉપરાંત મહામંત્રી અને પૂર્વ ડેપ્યુટી મેયર અશ્વિન મોલિયા, પૂર્વ મેયર ડો. જૈમન ઉપાધ્યાય, પૂર્વ મેયર બીનાબેન આચાર્ય, પૂર્વ મેયર રક્ષાબેન બોળિયા, પૂર્વ મેયર ડો.પ્રદીપ ડવ, જે. ડી. ડાંગર, નીતિન ભૂત, કશ્યપ શુકલ, શિક્ષણક્ષેત્ર સાથે જોડાયેલા શૈલેષભાઇ જાની, દેવાંગ માંકડ, દિવ્યરાજસિંહ જાડેજા, ધર્મેન્દ્ર મીરાણી, દિનેશ કારિયા, પરેશ ઠાકર, મનીષ રાડિયા, સરદારધામના ઉપપ્રમુખ જેન્તી સરધારા સહિત કુલ 30 જેટલા દાવેદારોએ ફોર્મ ભર્યાં હતાં.

વડોદરા શહેર ભાજપ-અધ્યક્ષ માટે મુખ્ય દાવેદાર તરીકે વર્તમાન શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહ, પૂર્વ મેયર અને પૂર્વ મહામંત્રી સુનીલ સોલંકી, જિગર ઈનામદાર, કૃણાલ પટેલ સહિત પૂર્વ મેયર જિગીષા શેઠ સહિત 44 લોકોએ દાવેદારી નોંધાવી હતી. ત્યારે આ તમામ ચહેરાઓમાંથી કોઈને પ્રમુખ બનાવવામાં આવે છે કે પછી અન્ય કોઈ ચહેરાને પ્રદેશમાંથી પસંદગી કરવામાં આવે છે એ આવનારો સમય જ બતાવશે, જોકે જૂથવાદે સૌકોઈનું ધ્યાન ખેંચ્યું હતું.જ્યારે સુરત શહેર ભાજપ માટે દાવેદારી નોંધાવનારા ઉમેદવારોમાં ચોર્યાસી વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ઝંખના પટેલ, પરેશ પટેલ, વિનોદ ગજેરા, મદન સિંહ અટોદરિયા, પૂર્વ મેયર જગદીશ પટેલ, લલિત વેકરિયા, અજય ચોકસી, અશોક ગોહિલ, પૂર્વ શહેર ભાજપ-પ્રમુખ નીતિન ભજિયાંવાલા, આર.કે. લાઠિયા, અરવિંદ ગોયાણી, નીરવ શાહ, અનિલ ગોપલાણી, સમીર બોધરા, મનસુખ સેંજલિયા અને દિનેશ જોધાણી સહિત હસમુખ પટેલ દ્વારા પણ ફોર્મ ભરાયાં હતાં. આ સિવાય ડ્રેનેજ કમિટી ચેરમેન કેયૂર ચપટવાલા, બાબુ જીરાવાલાએ પણ પોતાની દાવેદારી નોંધાવી હતી.

ભાજપ દ્વારા લોકશાહી પદ્ધતિથી સંગઠનની ચૂંટણી માટે દાવેદારોનાં ફોર્મ ભરવાની પ્રક્રિયા કરવામાં આવી હતી. વડોદરાના ક્લસ્ટર પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જે-તે સમયે કહ્યું હતું કે પાર્ટી, સંકલન સમિતિ અને પાર્લમેન્ટરી બોર્ડને સંપૂર્ણ અધિકાર છે કે દાવેદાર સિવાયનું નામ પણ આવી શકે છે, એટલે કે શહેર-જિલ્લામાં જે વરણી થવાની છે એમાં કેટલાકની પેરાશૂટ એન્ટ્રી પણ થઈ શકે છે.ભાજપ દ્વારા ગુજરાતને અડીને આવેલા સંઘપ્રદેશ દમણ અને દાદરા અને નગર-હવેલીના પ્રમુખોની જાહેરાત કરી દેવાઈ છે. દમણ ભાજપના પ્રમુખ તરીકે ભરત પટેલ અને દાદરા અને નગર-હવેલીના પ્રમુખ તરીકે શાંતુભાઈ પૂજારીની વરણી કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં i-Hub, અમદાવાદ ખાતે સ્ટાર્ટઅપ ક્ષેત્રે મહિલા ઇનોવેટર્સના યોગદાનની ઉજવણી

આ પણ વાંચો:DPIIT એ બજેટ પહેલા સ્ટાર્ટઅપ કંપનીઓ પર એન્જલ ટેક્સ દૂર કરવા ભલામણ કરી, જાણો Angel Tax વિશે

આ પણ વાંચો:ગુજરાતમાં સ્ટાર્ટઅપ્સની સંખ્યા પાંચ જ વર્ષમાં ત્રણ હજારને વટાવી ગઈ