Bharuch News: ભરૂચમાં બુટલેગર અને પોલીસ વચ્ચેની સાઠગાંઠની પોલ ખુલી. શહેરના પોલીસકર્મીઓ બુટલેગર પાસેથી હપ્તો ઉઘરાવતા હોવાના 35 વીડિયો દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વાયરલ કર્યા છે. ધારાસભ્ય ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો છે કે રાજ્યમાં દારૂનો વેપલો વધ્યો છે તેનું કારણ બુટલેગર અને પોલીસ વચ્ચેની સાઠગાંઠ છે. વધુમાં ધારાસભ્ય એ પણ આક્ષેપ કર્યો કે દારૂનો હપ્તો ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત ભાજપના કમલમ સુધી પંહોચતો હશે અને એટલે જ વિદેશી હોય કે દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થાય છે.
ધારાસભ્ય ચૈતર વસાવા આપ પાર્ટીના નેતા છે. ચૈતર વસાવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી તેમાં લખ્યું કે તેમને કેટલાક યુવાનો તરફથી ફરિયાદ મળી હતી કે શહેરમાં જાહેરમાં ખરાબ ક્વોલિટીના વિદેશી દારૂનું અને દેશી દારુનું વેચાણ થઈ રહ્યું છે. આ ઉપરાંત આપ નેતાને કેટલાક વીડિયો મળ્યા હતા જેમાં ચોંકાવનારી વાત સામે આવી હતી. વીડિયો ફૂટેજ પરથી ઘટસ્ફોટ થયો કે બુટલેગરના ત્યાંથી એલસીબી, એસઓજી અને બી ડિવિઝનના પોલીસકર્મીઓ હપ્તા લઈ રહ્યા છે.
વધુમાં આપ નેતાએ શહેરમાં ખુલ્લેઆમ વેચાતા દારૂને લઈને ચેતવણી આપી કે આગામી 7 દિવસની અદર આ મામલે પગલા લેવામાં નહી આવે અને દારૂના ઠેકાઓ બંધ નહી થાય તો તેઓ રસ્તા પર ઉતરશે. આ કારસ્તાનમાં સંડોવાયેલા પોલીકર્મી સામે કડક કાર્યવાહી કરવામાં આવે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના આક્ષેપને ગંભીરતાથી લઈને એસપી મયુર ચાવડાએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. સાથે એમ પણ કહ્યું કે આ મામલામાં જેની પણ સંડોવણી હશે તેની સામે ખાતાકીય અને કાયદાકીય પગલા લેવાશે.
આ પણ વાંચો: જામનગરની જીજી હોસ્પિટલના લાંચકાંડમાં સંડોવાયેલ પટાવાળો પકડાયો
આ પણ વાંચો: સોમનાથમાં વનવિભાગને મળી સફળતા, દિપડો આખરે પાંજરે પૂરાયો
