રેશમાના રણકાર બાદ હવે પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા પણ હાર્દિક અને પાટીદાર યુવાનના સમર્થનમાં એક થવા માટે આગાઝ આપ્યો છે. પાટીદારોના અનામત આંદોલન સમયે સૌથી વધુ ચર્ચામાં રહેલી પાટીદાર અનામત આંદોલન સમિતિએ ફરી એકવાર કમર કસી છે. આંદોલનના એક પછી એક દોરનો સામનો કરી રહેલી રાજ્ય સરકાર માટે હરકતમાં આવેલી પાસ ફરી એકવાર ચિંતા વધારી શકે છે. આ બેઠકમાં પાસ અગ્રણીના સરકાર પર આકરા પ્રહાર સાથે 2022 પહેલાં લડતની બ્લૂ પ્રિન્ટની ચર્ચા પણ કરી હોવાનો અને આગામી ચૂંટણી પહેલાં મોરચો માંડવાનો વ્યૂહ ઘડાયો હોવાની ચર્ચા છે.
પાટીદારોને પણ અનામતનો લાભ મળે તે માટે શરૂ થયેલી પાટીદાર અનામત આંદોલન સમિતિની લડાઈ હજુપણ ચાલુ છે. આ વખતે હાર્દિક પટેલના સમર્થનમાં પાસના કન્વીનરોએ મોરચો માંડવાના સંકેત આપ્યાં છે. આ માટે યોજાયેલી બેઠકમાં અનામત આંદોલન સમયે પાસના વધુ એક ચહેરા ગણાતાં અલ્પેશ કથીરિયા ઉપરાંત હાર્દિક પટેલના પત્ની કિંજલ પટેલ પણ જોડાયા હતાં.
આ બેઠકમાં પાસના અન્ય કન્વીનર મનોજ પનારા, નિખિલ સવાણી, જયેશ પટેલ, ગીતા પટેલ, ધાર્મિક માલવિયા સહિતના યુવા આંદોલનકર્તા પણ જોડાયા હતાં. આ બેઠકમાં હાર્દિક પટેલ મુદ્દે પણ ચર્ચા થઈ જો કે સૌથી મુખ્ય મુદ્દો હતો પાટીદાર યુવાનો પર કરાયેલાં ખોટા કેસ પરત ખેંચવાનો હતો. પાસના લડાયક નેતા અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે અમારી મૂવમેન્ટમાં મંદી આવી એટલે સરકાર તેજીમાં આવી છે.
ખાસ તો લાંબા સમયથી જેલમાં રહેલાં અલ્પેશ કથીરિયા બહાર આવતાં જ તેમણે ફરી એકવાર તેમના લડાયક મિજાજમાં જ લડી લેવાની વાત કરી હતી. બેઠકના અંતે તમામ કન્વીનરનો એક જ સૂર જોવા મળ્યો હતો કે જો પાટીદાર યુવાનો પર કરાયેલા ખોટા કેસ પરત નહીં ખેંચાય તો રાજ્યભરમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ તરફ પાસનો મુખ્ય ચહેરો ગણાતાં હાર્દિક પટેલની ઉપરાછાપરી એક પછી એક કેસમાં ધરપકડ કરવામાં આવી રહી છે. ત્યારે હાર્દિકના પત્ની કિંજલે જણાવ્યું હતું કે બધાએ એક થવાની જરૂર છે. તેમણે સરકાર પર આકરો વાર કરતાં ચેતવણી આપી હતી કે અમારો સમય આવશે તો અમે સરકારમાં બેઠેલાઓના સરનામા પણ બદલી નાખીશું.
આ તરફ આ બેઠકમાં હાજર રહેલાં મોટાભાગના કન્વીનર લડાયક સૂરમાં જ દેખાયાં હતાં. જાણે કે આંદોલનના એક પછી એક દોરમાં ઘેરાયેલી સરકારને વધુ એક પડકાર ફેંકતા હોય.
અનામત આંદોલન સમયે આ આંદોલન સામાજિક નહીં પણ સંપૂર્ણ રાજકીય હોવા સહિતના અનેક વિવાદોનો સામનો કરી ચૂકેલી પાસે ફરી આંદોલનનો પાસો ફેંક્યો છે. છેલ્લાં એકાદ વર્ષથી શાંત પાસની આ બેઠક રાજ્યમાં ફરી એકવાર નવા રાજકીય સમીકરણ રચે તો પણ નવાઈ નહીં.
ઉલ્લેખનીય છે કે લડાયક મુડમાં હાર્દિકના સમર્થનમાં દેખાયેલા NCP નેતા અને પૂર્વ પાસ કન્વીનર રેશમા પટેલ આજે પાસ કન્વીનરની મળેલી બેઠકમાં ગેરહાજર દેખાયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
