Scam/ લીંબડીમાં યુરિયાની થેલીમાં ખાતર ઓછું આવતું હોવાનું કૌભાંડ બહાર આવ્યું

લીંબડી તાલુકામાં આવતી યુરિયા ખાતરની થેલીમાં ઓછું વજન આવતું હોવાની આશંકા

Gujarat Others

@સચિન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

લીંબડી તાલુકામાં આવતી યુરિયા ખાતરની થેલીમાં ઓછું વજન આવતું હોવાની આશંકા જતા જાગૃત ડિલરે યુરિયાની થેલાનું વજન કરતા અમુક થેલીમાં ૬ કિલોથી વધારે ખાતર ઓછું હોવાનું નજરે પડયું હતું. મોંઘા ભાવના યુરિયા થેલીમાં ઓછું ખાતર ભરી મોટુ કૌભાંડ ચાલતું હોવાનું બહાર આવ્યું હતું. ડીલરે ખાતરની ગાડી પાછી મોકલાવતા ખેડૂતો છેતરપિંડીથી બચી ગયા હતા.

રાજયમાં ગુજરાત સરકાર દ્વારા માન્ય જીએસએફસી દ્વારા આપવામાં આવતું રાસાયણિક યુરિયા ખાતરની ૪૫ કિલો વજનની થેલામાં ઓછું વજન નીકળતું હોવાના અનેકવાર બુમરાણા સંભળાયા છે. ખાતરની થેલીમાં ઓછું વજન ભરી ખેડૂતો સાથે છેતરપિંડી થતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. ત્યારે લીંબડી કામધેનુ કિસાન વિકાસ મંડળ નામના ખાતરના ડેપોમાં શનિવારે યુરિયા ખાતરની ગાડી આવી હતી. મજૂરો ખાતર ઉતારી રહ્યા હતા ત્યારે તેમને ખાતરની થેલીનું વજન ઓછું હોવાની શંકા ગઈ હતી. મજૂરોએ આ અંગે ડેપોના ડિલર છત્રસિંહ રાણાને વાત કરી. છત્રસિંહ રાણાએ તાત્કાલીક વજન કાંટો કાઢી યુરિયાની થેલીનું વજન કર્યું હતું. જેમાં યુરિયાની થેલીમાં ૪૫ કિલોના બદલે ૩૮.૩૮૦ કિલોગ્રામ જ વજન થયું હતું. ૧ થેલીમાં ૬.૬૨૦ કિલો વજન ઓછું હતું. ત્યારબાદ અન્ય ૩થી ૪ થેલીનું વજન કર્યું તો તેમાં પણ ખાતરનું વજન ઘટતું જોવા મળ્યું હતું. ડીલરે આ અંગે લીંબડી જીએસએફસીના ડેપો મેનેજર મોદીને જાણ કરી હતી. પરંતુ ડેપો મેનેજરે સ્થળ તપાસ કરવાની આનાકાની કરી હતી. સાથે જ આ વાતને સામાન્ય ગણી ઈસ્યુ નહીં બનાવવા જણાવ્યું હતું.

છત્રસિંહ રાણાએ કહ્યુ કે, અન્નદાતા સાથે વિશ્વાસઘાત થાય તો-તો અમારો ભવતર બગડે. છેલ્લા ઘણા વર્ષોથી અમે બન્ને ભાઈ ખાતરના વ્યવસાય સાથે જોડાયેલા છીએ. અમારી પ્રાથમિકતા રહી છે કે ખેડૂતોને અન્યાય ન થાય. યુરિયાની ૪૫ કિલોની ૧ થેલીની કિં.રૂ. ૨૬૬.૫૦ છે. ૧ થેલીમાં ૬.૬૨૦ કિલો વજન ઓછું હોય તો ખેડૂતોને ૧ થેલીએ ૩૬થી વધુ રૂ.નું ખાતર ઓછું મળે. અન્નદાતા સાથે વિશ્વાસઘાત થાય તો-તો અમારો ભવતર બગડે. ઓછા ખાતરની વાત અમે કરી તો અમને સપ્લાય આપવાનું બંધ કરી દેવાની પણ ધમકી મળી હતી.
બપોર પછી અમે સ્થળ તપાસ કરીશું. સંજય ડુમાણીયા.

ખેતીવાડી અધિકારી (વઢવાણ) એ કહ્યુ કે, અમારા લેવલે ચેકીંગ ચાલુ છે. જ્યાંથી આ ખાતર સપ્લાય થયું છે તે રેંક પોઈન્ટ ઉપર અમે તપાસ કરી રહ્યા છીએ બપોર પછી અમે લીંબડી આવીશું સ્થળ તપાસ કરીને રિપોર્ટ કરીશું.

ગોપાણી (એરીયા મેનેજર. ભાવનગર) એ કહ્યુ કે, કંપનીની ઈમેજ બગડે તેમ છે સમાચાર પ્રકાશિત ન કરશો. કંપનીને ખાતર ઓછું આપવું એવો કોઈ ઈરાદો હોતો નથી લાખો બેગ બનતી હોય છે. ક્યારેક એક-બે થેલીમાં વજન ઓછું હોય શકે છે. છતાં અમે ટ્રક પાછી મંગાવી લીધી છે. આ ઘટનાને પગલે કંપનીની ઈમેજ ખરડાઈ શકે તેમ છે તમે સમાચાર પ્રકાશિત ન કરશો. લીંબડીમાં યુરિયાની ૪૫ કિલોની થેલીમાં ૩૮.૩૮૦ ખાતર ભર્યું હતું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…