Ahmedabad News/ પ્રેમમાં પડેલો MPના પૂર્વ MLAનો પુત્ર બન્યો ચેઈન સ્નેચર : ઘરેથી ભાગી અમદાવાદ આવી છોકરીના પ્રેમમાં પડ્યો

મોજશોખ એટલા મોટા હતા કે તે પૂરા કરી શક્યો નહીં અને અંતે ગુનાખોરીના રવાડે ચઢી ગયો

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News : શહેરના ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના લોકઅપમાં કેદ એક ચેઇન-સ્નેચર કોઈ રીઢો ગુનેગાર નહીં, પરતું પ્રેમમાં આંધળો બનેલો પ્રેમી છે. પ્રેમિકાના મોજશોખ પૂરા કરવા માટે યુવકે ચેઇન- સ્નેચિંગ શરૂ કર્યું, જેમાં તે સફળ થાય એ પહેલાં પોલીસે તેને ઝડપી લીધો હતો. યુવકની પૂછપરછ કર્યા બાદ તેની હકીકત સાંભળીને પોલીસના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. યુવક મધ્યપ્રદેશના કોંગ્રેસના કદાવર નેતા અને પૂર્વ ધારાસભ્યનો પુત્ર છે. માતા-પિતા અને ઘર છોડીને યુવક અમદાવાદ આવી ગયો હતો અને 15 હજાર રૂપિયામાં નોકરી કરવા લાગ્યો હતો. નોકરી દરમિયાન યુવકને એક યુવતી સાથે પ્રેમ થઇ ગયો હતો, જેમાં તેના મોજશોખ એટલા મોટા હતા કે તે પૂરા કરી શક્યો નહીં અને અંતે ગુનાખોરીના રવાડે ચઢી ગયો હતો.

શહેરમાં દિવસ ને દિવસે ચેઇન-સ્નેચિંગની ઘટનાઓ બનતી હોય છે. ચેઇન-સ્નેચર્સને કારણે અમદાવાદીઓ ખોફમાં જીવતા હોય છે, ક્યાંક તેમના ગળામાંથી ચેઇન સ્નેચિંગ તો નહીં થઇ જાય ને. લોકોના મનમાં એક વિચાર આવતો હોય છે કે ચેઇન-સ્નેચિંગ કરતી અલગ અલગ ગેંગ છે, જે રાહદારી તેમજ વાહનચાલકોને ટાર્ગેટ કરતી હોય છે. એ દરમિયાન ઘાટલોડિયા પોલીસના સકંજામાં એક એવો યુવક આવ્યો છે, જેણે કોઇ ગેંગ માટે નહીં, પરંતુ પ્રેમિકા માટે ચેઇન-સ્નેચિંગનો ગુનો પહેલી વખત કર્યો હતો.

થલતેજ વિસ્તારમાં આવેલા જયઅંબેનગર સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતો 25 વર્ષીય પ્રદ્યુમ્નસિંહ વિજેન્દ્રસિંહ ચંદ્રાવત હાલ પોલીસની કસ્ટડીમાં છે. પ્રદ્યુમ્નસિંહે થોડા દિવસ પહેલાં એક મહિલાના ગળામાંથી ચેઇન-સ્નેચિંગ કર્યું હતું. 25 જાન્યુઆરીના રોજ રાતે મેમનગર રાજવી ટાવરમાં રહેતાં 65 વર્ષીય વસંતીબેન ઐયર ચાલતાં ચાલતાં જતાં હતાં, ત્યારે એક યુવક તેમના ગળામાંથી અઢી તોલાની ચેઇન કટર વડે તોડીને નાસી ગયો હતો. યુવક પણ ચાલતો આવ્યો હતો અને ચેઇન-સ્નેચિંગ કરીને દોડી ગયો હતો.

વસંતીબેને આ મામલે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.પોલીસે વસંતીબેનની ફરિયાદના આધારે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી, જેમાં સામે આવ્યું હતું કે આ ચેઇન-સ્નેચિંગની ઘટના પ્રદ્યુમ્નસિંહે કરી છે. પોલીસે પ્રદ્યુમ્નસિંહની ધરપકડ કરીને પૂછપરછ કરી હતી. પ્રદ્યુમ્નસિંહ મધ્યપ્રદેશના નીમજ જિલ્લામાં આવેલા માલહેડા ગામનો રહેવાસી છે. પ્રદ્યુમ્નસિંહના પિતા વિજેન્દ્રસિહ ચંદ્રાવત મધ્યપ્રદેશના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે.

પ્રદ્યુમ્નસિંહ ઘરથી કંટાળી ગયો હોવાથી તે અમદાવાદ આવી ગયો હતો અને ભાડાના મકાનમાં રહેતો હતો. પ્રદ્યુમ્નસિંહ 15 હજાર રૂપિયાના પગારમાં નોકરી કરતો હતો અને તેનું ગુજરાન ચલાવતો હતો. પ્રદ્યુમ્નસિંહને એક યુવતી સાથે પ્રેમ થઇ ગયો હતો, જેના કારણે તેનો ખર્ચો વધી ગયો હતો. પ્રદ્યુમ્નસિંહ જે યુવતીને પ્રેમ કરે છે તે અમદાવાદની રહેવાસી છે અને પોલીસે તેની પણ તપાસ શરૂ કરી છે.પ્રેમિકાના ખર્ચા અને તેના મોજશોખ વધારે હતા, જેના કારણે પ્રદ્યુમ્નસિંહે ગુનાખોરીના રસ્તે ચઢવાનો પ્લાનિંગ કરી લીધો હતો.

પ્રેમિકાને ખુશ રાખવા માટે તેણે શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે ચેઇન-સ્નેચિંગ કરવાનું નક્કી કરી લીધું હતું. પ્રેમિકાને હાંસલ કરવા માટે તેણે 25 જાન્યુઆરીના રોજ વસંતીબેન ઐયરના ગળામાંથી ચેઇન-સ્નેચિંગ કર્યું હતું, પરંતુ તે ગણતરીના દિવસોમાં ઝડપાઇ ગયો હતો. પ્રેમિકાને ખુશ કરવા માટે પ્રદ્યુમ્નસિંહ ગુનાખોરીના રવાડે ચઢી ગયો છે અને જેના કારણે તેનું જીવન પણ ખરાબ થઇ ગયું છે.શહેરમાં ચેઇન-સ્નેચિંગના બનાવો વધી રહ્યા હતા, જેને રોકવા માટે પોલીસે કમર કસી રહી હતી.

ત્યારે મેમનગર વિસ્તારમાં ચેઇન-સ્નેચિંગનો બનાવ બન્યો હતો. વૃદ્ધના ગળામાંથી અઢી તોલાની સોનાની ચેઇન-સ્નેચિંગ થતાંની સાથે જ પોલીસ એક્શન મોડ પર આવી ગઇ હતી. વસંતીબેને ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને હ્યુમન સોર્સને કામે લગાવ્યા હતા. હ્યુમન સોર્સની મદદથી આરોપી સકંજામાં નહીં આવતાં પોલીસની તીસરી આંખ ગણાતા સીસીટીવીની મદદ લેવાઇ હતી. પોલીસે મેમનગર સહિત લગાવેલા 250થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા, જેમાં પ્રદ્યુમ્નનો ભાંડો ફૂટી ગયો હતો. પોલીસે સોનાના દાગીના જપ્ત કરીને તેના વિરુદ્ધ કાર્યવાહી કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જામનગરમાં ટ્રાફિક નિયમો તોડતા પહેલા વાંચજો જરૂર બેનર, નહિ તો ભરવો પડશે દંડ

આ પણ વાંચો: ગોંડલમાં માર્ગ સલામતી માસની ઉજવણી, બાઈક રેલી યોજી આપાઇ ટ્રાફિક નિયમો અંગે સમજ

આ પણ વાંચો: નવા ટ્રાફિક નિયમો : જો કારના કાચ ગંદા અથવા તૂટેલા હોય તો પણ ચલણ કાપી શકાય છે, સાવચેત રહો…