Gujarat News : ગુજરાતના અમરેલી જિલ્લામાં ગૌહત્યાના એક જઘન્ય ગુનામાં નામદાર કોર્ટે આપેલા ઐતિહાસિક ચુકાદાને રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ ગૌવંશનું કતલ કરતા કસાઈઓ માટે ‘લાલબત્તી સમાન’ ગણાવીને જણાવ્યું હતું કે, ગૌમાતા ભારતીય સંસ્કૃતિ અને આસ્થાનું કેન્દ્ર છે. ગૌહત્યા જેવા ગુના માટે રાજ્ય સરકાર કોઈ દયા દાખવશે નહીં.
મંત્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, અમરેલી પોલીસે બાતમીના આધારે ગૌવંશનું કતલ કરીને તેનું વેચાણ કરતા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ જઘન્ય ગુના બદલ પોલીસે ચાર્જશીટ ફાઇલ કર્યા બાદ, ગઈકાલે અમરેલીની નામદાર કોર્ટે ત્રણેય આરોપીઓને ગુનેગાર ઠેરવીને ઐતિહાસિક સજા આજીવન કેદ અને રૂ. પાંચ લાખના દંડની સજા ફરમાવી છે.
મંત્રીએ આ કડક સજા પાછળના કાયદાકીય ઇતિહાસ પર પ્રકાશ પાડતા ઉમેર્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ વર્ષ 2011માં સૌપ્રથમવાર ગૌવંશના કતલ સામે આ કડક કાયદો અમલમાં આવ્યો હતો. ત્યારબાદ તેને વધુ કડક બનાવવામાં આવ્યો, જેમાં આજીવન કારાવાસની જોગવાઈ ઉમેરાઈ હતી. આ કાયદો ગૌહત્યા કરનારાઓને સૌથી કડક સજા આપવાની જોગવાઈ સાથે દેશમાં અગ્રેસર છે, અને આજે એ જ કાયદો ન્યાયનો નવો ઇતિહાસ રચી રહ્યો છે.
મંત્રી વાઘાણીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ ચુકાદો સ્પષ્ટ કરે છે કે ગૌમાતા સાથે અન્યાય કરનારાઓને રાજ્ય સરકાર સખત હાથે કાયદાકીય પાઠ ભણાવશે. આ ઐતિહાસિક ચુકાદા બાદ ભવિષ્યમાં ગૌવંશ હત્યાની પ્રવૃત્તિનો વિચાર કરતા તત્વો પણ ધ્રૂજી ઉઠશે.
તેમણે ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર ગૌ-સંવર્ધન અને ગૌ-સંરક્ષણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને આ બાબતને ટોચની પ્રાથમિકતા આપે છે.
આ પણ વાંચો:રાહત પેકેજ જાહેર થતાં ખેડૂતો રોષે ભરાયા, કહ્યું રાજકીય પક્ષોને અમારા ગામમાં પ્રવેશવા નહીં દઈએ
આ પણ વાંચો:કૃષિ રાહત પેકેજ પર દિલીપ સંઘાણીની આવકારદાયક પ્રતિક્રિયા, ખેડૂતોને મળશે ઝડપી વળતર
આ પણ વાંચો:સરકારના રાહત પેકેજથી ગુજરાતનાં ખેડૂતો નારાજ, ‘કભી ખુશી, કભી ગમ’નો માહોલ
