નોટિસ/ ગોવાના પ્રવાસન વિભાગે ક્રિકેટર યુવરાજ સિંહને આ મામલે મોકલી નોટિસ,જાણો

યુવરાજ સિંહને 8 ડિસેમ્બરે સવારે 11 વાગે વ્યક્તિગત સુનાવણી માટે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.

Top Stories India

ગોવાના પ્રવાસન વિભાગે ક્રિકેટર યુવરાજ સિંહને નોટિસ મોકલી છે. યુવરાજ સિંહને આ નોટિસ મોરજિમમાં તેનો વિલા પરવાનગી અને નોંધણી વગર ભાડે આપવા બદલ મળી છે. તેમને 8 ડિસેમ્બરે આ મામલે સુનાવણી માટે બોલાવવામાં આવ્યા છે. ગોવા ટુરિઝમ બિઝનેસ એક્ટ 1982 હેઠળ, રાજ્યમાં નોંધણી વિના વિલાનો ઉપયોગ ‘હોમસ્ટે’ તરીકે કરી શકાતો નથી.

ન્યૂઝ એજન્સી અનુસાર, ગોવા પર્યટન વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર રાજેશ કાલેએ 18 નવેમ્બરે ક્રિકેટર યુવરાજ સિંહના મોરજિમ સ્થિત વિલા ‘કાસા સિંહ’ના સરનામે નોટિસ જારી કરી છે. જેમાં યુવરાજ સિંહને 8 ડિસેમ્બરે સવારે 11 વાગે વ્યક્તિગત સુનાવણી માટે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.

કાર્યવાહી કેમ ન કરવી જોઈએ?

નોટિસમાં યુવરાજ સિંહને એ પણ પૂછવામાં આવ્યું છે કે પર્યટન વેપાર અધિનિયમ હેઠળ વિલાની નોંધણી ન કરવા બદલ તેમની સામે દંડાત્મક કાર્યવાહી કેમ ન કરવામાં આવે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે તે ધ્યાન પર આવ્યું છે કે મોરજિમ સ્થિત રહેણાંક સંકુલનો કથિત રીતે હોમસ્ટે તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને તે ઓનલાઈન બુકિંગ માટે પણ ઉપલબ્ધ છે.

નોટિસમાં યુવરાજના ટ્વીટનો પણ ઉલ્લેખ છે

નોટિસમાં યુવરાજના એક ટ્વીટનો પણ ઉલ્લેખ છે, જેમાં તેણે કહ્યું હતું કે ગોવામાં તેનો વિલા બુકિંગ માટે ઉપલબ્ધ છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે જો 8 ડિસેમ્બર સુધીમાં જવાબ નહીં આવે તો, એવું માનવામાં આવશે કે નોટિસમાં લગાવવામાં આવેલા આરોપો સાચા છે અને કલમ 22 હેઠળ એક્ટનું ઉલ્લંઘન કરવા બદલ તમને એક લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.