જામનગર/ કસ્ટમ વિભાગમાંથી અધધ કહી શકાય તેવા એક કરોડના સોનાની ચોરી

કસ્ટમ વિભાગમાંથી અધધ કહી શકાય તેવા એક કરોડના સોનાની ચોરી

Top Stories Gujarat Others

જામનગરના કસ્ટમ વિભાગમાંથી અધધ કહી શકાય તેવા એક કરોડના સોનાની ચોરી થઈ છે. કસ્ટમ વિભાગના કોઈ કર્મચારીએ રૂ.1.10 કરોડનું સોનું ચોરી ગયાની ઘટના બની છે. કચ્છ કસ્ટમ દ્વારા ભૂકંપ સમયે જામનગર કસ્ટમમાં આ સોનુ જમા કરાવ્યું હતું. ત્યારે આ સોનું પાછું સોંપતી વેળાએ 2 કિલો જેટલું સોનુ ઓછું મળ્યું.

વાડ જ ચીભડાં ગળી જતી હોય ત્યારે કોને કહેવા જવું. આવો જ એક કિસ્સો જામનગર કસ્ટમ્સમાં ધ્યાન પર આવ્યો છે. જામનગર કસ્ટમ્સની કચેરીમાંથી જ ગાયબ થયેલા એક કરોડથી વધારે કિંમતના સોનામાં જામનગર પોલીસે આઈપીસીની કલમ 309 એટલે કે સરકારી કર્મચારી દ્વારા ગુનાઈત વિશ્વાસ ભંગ હેઠળ ગુનો દાખલ કરાયો છે. એફઆઈઆરમાં જણાવ્યા મુજબ ભૂજ કસ્ટમ વિભાગે 2001માં 3,149.398 ગ્રામ જપ્ત કરેલું સોનું તેના જામનગર વિભાગીય કચેરીમાં જમા કરાવ્યું હતું.

કચ્છમાં 2001માં ભૂકંપને પગલે થયેલી નુકસાનીને પગલે કિંમતી સામાનને જામનગર કસ્ટમ્સને સોંપવામાં આવ્યો હતો. સોનાની કિંમતી ચીજો બે સૂટકેસમાં મૂકીને જામનગર ઓફિસને સોંપવામાં આવી હતી. દરમિયાન 2016માં ભૂજ કસ્ટમ વિભાગની કચેરીના સમારકામને પગલે અધિકારીઓએ જામનગર કસ્ટમ્સ પાસેથી સોનું પરત મેળવ્યું હતું. દરમિયાન સૂટકેસની ચાવીઓ ખોવાઈ ગઈ હોવાથી 2016માં બન્ને કસ્ટમ કચેરીના અધિકારીઓની હાજરીમાં તેને તોડવામાં આવી હતી. ત્યારબાદ તેમાં રહેલા સોનાની ચીજોની ગણતરી કરાતા 3,149.398 ગ્રામને બદલે તેનું વજન 2,156.722 થયું હતું. આમ કુલ રૂ.1.10 કરોડના  સોનાની ઘાલમેલ થઈ હોવાનું જણાયું હતું.

  • અત્યાર સુધી હતું સોનું સુરક્ષિત
  • ચાર વર્ષ સુધી FIR નોંધવાને લઇ ચાલી મસલત

અત્યાર સુધી આ સોનુ કસ્ટમ વિભાગમાં સુરક્ષિત હતું. પરંતુ હાલ સોનાના જથ્થાની ગણતરી શરૂ કરવામાં આવી હતી. જે સમગ્ર પ્રકરણ અંગે ચાર વર્ષ સુધી મસલતો ચાલ્યા પછી આખરે જામનગર કસ્ટમ દ્વારા પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કરાયું હતું. જેના અનુસંધાને જામનગરના કસ્ટમ ઈન્સ્પેકટર રામસિંગ શિવ કુમારસિંગ યાદવે ગઇકાલે મોડી સાંજે સીટી બી ડીવિઝન પોલીસ મથકમાં કસ્ટમ વિભાગના ગોડાઉનમાંથી ઉપરોક્ત વજનના આશરે એક કરોડ દસ લાખની કિંમતનું સોનું ગાયબ થઈ ગયાની અથવા ચોરી થઇ ગયાની ફરિયાદ નોંધાવી હતી.

  • આખરે સોનું ગાયબ થયું કેવી રીતે ?
  • સીલ બેગોમાંથી કોણ ગાયબ કરી ગયું સોનું ?

 જામનગર કસ્ટમ અને કચ્છ દ્વારા સંયુક્ત રીતે સીલ કરેલી બેગને ખોલવામાં આવી હતી. ત્યારે સીલ કરેલી બેગ પણ યથાયોગ્ય હતી, જ્યારે અંદરથી નીકળેલા સેમ્પલો પણ સીલપેક હતા. તેમ છતાં તેમાંથી સોનુ ગાયબ થવાનો કિસ્સો અનેક સવાલો છોડી રહ્યો છે.

@ સલમાન ખાન બ્યુરો રિપોર્ટ મંતવ્ય ન્યૂઝ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…