Ahmedabad : ગુજરાતમાં હોળી અને ધુળેટીના તહેવારો ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવાય છે, પરંતુ આ વર્ષે આ તહેવારો દરમિયાન અકસ્માત અને મારામારીના કેસોમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે. 108 ઈમરજન્સી સેવાએ પાછલા વર્ષોના કેસોના ટ્રેન્ડનું વિશ્લેષણ કરીને તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેથી જરૂરિયાતમંદોને તાત્કાલિક મદદ મળી શકે.
108 ઈમરજન્સી સેવાના ડેટા અનુસાર હોળીના દિવસે ઈમરજન્સી કેસોમાં 3.61% (3,870 કેસ) અને ધુળેટીના દિવસે 29.88% (4,851 કેસ)નો વધારો થવાની શક્યતા છે. સામાન્ય દિવસોમાં સરેરાશ 3,735 કેસ નોંધાય છે, જેની સરખામણીમાં આ વધારો ચિંતાજનક છે. ખાસ કરીને રોડ અકસ્માતો અને શારીરિક હુમલાના કેસોમાં વધારો થવાની સંભાવના છે.
રોડ અકસ્માતો:
હોળીના દિવસે: 36.10% વધારો (656 કેસ)
ધુળેટીના દિવસે: 89% વધારો (911 કેસ)
* સામાન્ય દિવસોમાં: 482 કેસ
* મારામારી અને પડી જવાના બનાવો:
* હોળીના દિવસે: 33.67% વધારો (528 કેસ)
* ધુળેટીના દિવસે: 129.62% વધારો (907 કેસ)
* સામાન્ય દિવસોમાં: 395 કેસ
શારીરિક હુમલા:
* હોળીના દિવસે: 72.93% વધારો (230 કેસ)
* ધુળેટીના દિવસે: 243.61% વધારો (457 કેસ)
* સામાન્ય દિવસોમાં: 133 કેસ
108 ઈમરજન્સી સેવાના વિશ્લેષણ મુજબ અરવલ્લી, દાહોદ, મહીસાગર, પંચમહાલ, પોરબંદર, સાબરકાંઠા અને વલસાડ જેવા જિલ્લાઓમાં ઈમરજન્સી કેસોમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે. આ વિસ્તારોમાં તહેવારો દરમિયાન ખાસ સાવચેતી રાખવાની જરૂર છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, 108 ઈમરજન્સી સેવાએ પોતાની તૈયારીઓ વધારી દીધી છે. રાજ્યભરમાં 838 રોડ એમ્બ્યુલન્સ, 2 બોટ એમ્બ્યુલન્સ અને 1 એર એમ્બ્યુલન્સ ખડેપગે રહેશે. 108 ના કોલ સેન્ટરમાં વધારાના સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી છે. PRO, ERC ફિઝિશિયન સંખ્યા પણ પૂરતા પ્રમાણમાં રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ઇમરજન્સી કર્મચારીઓને વિશેષ તાલીમ આપવામાં આવી છે. વધારાના સાધનો અને દવાઓ ઉપલબ્ધ રાખવામાં આવ્યા છે.
તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવો અને કોઈપણ પ્રકારના વિવાદથી દૂર રહો. દારૂ પીને વાહન ચલાવવાનું ટાળો. ટ્રાફિક નિયમોનું પાલન કરો અને વાહન ધીમે ચલાવો. બાળકો અને વૃદ્ધોનું ખાસ ધ્યાન રાખો. કોઈપણ ઈમરજન્સીમાં તાત્કાલિક 108 પર કોલ કરો. આ તહેવારો દરમિયાન સાવચેતી અને જાગૃતિ રાખવાથી આપણે અકસ્માતો અને મારામારીના બનાવોને ટાળી શકીએ છીએ અને સુરક્ષિત રીતે હોળી-ધુળેટીની ઉજવણી કરી શકીએ છીએ.
આ પણ વાંચો: સુરતમાં બે કરોડની સોનાની ચોરીની ઘટના, પોલીસને ચોરોનો પડકાર
આ પણ વાંચો: દાણચોરોએ મુંદ્રાના બદલે કંડલા પસંદ કરવા છતાં કસ્ટમ્સે સોપારીની દાણચોરી પકડી
આ પણ વાંચો: નાસિકમાં અન્ડરગાર્મેન્ટ્સ પહેરેલા ચોરોનો આતંક, 5 લાખનું સોનું અને કેળાની કરી ચોરી