શ્રાવણ 2025: શ્રાવણ માસ ભગવાન શિવને સમર્પિત વિશેષ મહિનો છે. આ સમગ્ર માસમાં પૂજા, વ્રત તથા અભિષેકનું ઘણું જ મહત્વ હોય છે. એવી માન્યતા છે કે આ શુભ સમયમાં તમે એક સંકલ્પ લઇને નિયમપૂર્વક સાધના કરો તો તમારા મનને ફક્ત શાંતિ મળશે એટલું જ નહિ, પરંતુ આત્માનું પણ કલ્યાણ થશે. આવો જાણીએ, શ્રાવણના આ પવિત્ર માસમાં કયા પાંચ સરળ, પણ ફળદાયી પ્રણ લઇને શિવકૃપા પ્રાપ્ત કરી શકાય છે. સાથે એ પણ જાણીશું કે શ્રાવણના સોમવારનું આટલુ વિશેષ મહત્વ શા માટે હોય છે? પરંતુ સૌપ્રથમ જાણીએ આ પાંચ સંકલ્પો વિશે
1.બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સાધનાનો સંકલ્પ લેવો
શ્રાવણ માસના પહેલા દિવસે બ્રહ્મ મુહૂર્ત (સૂર્યોદયથી 45 મિનિટ પહેલા) માં ઉઠવું અને સંકલ્પ લેવો. પ્રણ અર્થાત્ સંકલ્પનો અર્થ કોઇ વ્રત, સાધના અથવા સેવાનો દ્રઢ નિશ્ચય કરવો એમ થાય છે. જમણા હાથમાં ચોખા અને ગંગાજળ લઇ આંખો બંધ કરવી. આ દરમિયાન, અંગૂઠા તથા તર્જની (પ્રથમ આંગળી)ને જોડેલી મુદ્રામાં રાખો. હવે ભગવાન શિવનો ભાવપૂર્વક મંત્રજાપ કરવો. મહાદેવને એમનો પ્રિય પ્રસાદ ધરાવવો અને વ્રત-ઉપાસના કરવી. એકવાર તમે આ પ્રણ લો તો એને તોડવું નહિ, પણ નિરંતર જાળવી રાખવું.
2. પ્રાણાયામ/યોગ
પ્રત્યેક દિવસે ઓછામાં ઓછી 45 મિનિટ સુધી પ્રાણાયામ અથવા હળવા યોગાસનો કરવા. આનાથી શરીર તથા મન બંનેની ઉર્જા શુદ્ધ થાય છે અને ધ્યાન કરવામાં વિશેષ મન લાગે છે. આ અભ્યાસ ખાસ કરીને બ્રહ્મ મુહૂર્તમાં કરવો અત્યંત લાભકારક છે.
3. ધ્યાન
સ્વચ્છ આસન પર, શાંત વાતાવરણમાં આંખો બંધ કરી, પીઠ ટટ્ટાર કરીને બેસવું. “ॐ નમ: શિવાય” મંત્રનો અથવા મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો તથા પોતાના શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું. તમે 11, 21, 51 અથવા 108 માળા કરી શકો છો. તમે એને દિવસ અથવા અઠવાડિયાના સમયગાળા દરમિયાન, અમુક ભાગોમાં વહેંચીને પણ પૂર્ણ કરી શકો છો.
4. સોમવાર અથવા સમગ્ર મહિનો ઉપવાસ રાખવો
ઉપવાસ શરીર તથા મન, બંનેની શુદ્ધિનું માધ્યમ છે. તમે આખો મહિનો અથવા તો ફક્ત સોમવારે ફળાહાર લઇને વ્રત કરી શકો છો. જો તમે પહેલી જ વખત ઉપવાસ કરી રહ્યાં હો તો ફળાહાર(ફળ, દૂધ વગેરે)થી શરુઆત કરો. આ રીતે ઉપવાસ રાખવાથી તમારામાં તપની પાવન ભાવના જાગૃત થાય છે.
5. શિવલિંગ પર અભિષેક કરવો
દરરોજ અથવા ઓછામાં ઓછું, દર સોમવારે શિવલિંગ પર અભિષેક કરવો. જો તમારા ઘરના મંદિરમાં શિવલિંગ હોય અને તમે મંત્રોચ્ચાર કરી શકતા હો, તો આ કાર્ય ઘરે પણ થઇ શકે છે, નહિતર પછી શિવાલયમાં જઇને કરવો. બિલીપત્ર, ફૂલ, પ્રસાદ વગેરે અર્પણ કરવા. જો શક્ય હોય તો બ્રહ્મ મુહૂર્ત દરમિયાન રુદ્રાભિષેક કરવો સર્વશ્રેષ્ઠ મનાય છે.
શ્રાવણના સોમવારનું મહત્વ
હવે જાણીશું કે શ્રાવણના સોમવારનું આટલું વિશેષ મહત્વ શા માટે હોય છે? આમ તો આ વખતે શ્રાવણ માસમાં ચાર સોમવાર આવશે, જે દિવસો અત્યંત મહત્વપૂર્ણ રહેશે. માન્યતા છે કે શ્રાવણના સોમવારે ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.
એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવેલા વ્રત-ઉપવાસ, મંત્રજાપ તથા અભિષેકથી ભગવાન શિવ જલદી પ્રસન્ન થાય છે. વિશેષ કરીને કુંવારી કન્યાઓ સારો જીવનસાથી મળે અને પરણેલી મહિલાઓ વૈવાહિક સુખની કામના સાથે શ્રાવણના સોમવારનું વ્રત રાખે છે. આ દિવસ ઇચ્છાપૂર્તિ માટે, માનસિક શાંતિની પ્રાપ્તિ માટે તથા મોક્ષના માર્ગે લઇ જવા માટે અત્યંત ફળદાયી છે.
આ પણ વાંચો: બુધ-શુક્રની યુતિથી બનતો લક્ષ્મી નારાયણ યોગ, કોને લાભ અપાવશે?
આ પણ વાંચો: 8, 16 અને 26 તારીખે જન્મેલા લોકોને શનિ ખૂબ પસંદ કરે છે, જાણો શું છે તેમની સફળતા અને પ્રગતિનું રહસ્ય
