World News: રશિયાના વિદેશ પ્રધાન સેરગેઈ લાવરોવે શનિવારે પૂર્વીય ઉત્તર કોરિયાના વોન્સન શહેર ખાતે અમેરિકાના નેતૃત્વ હેઠળના સુરક્ષા જોડાણ અંગે કડક ચેતવણી આપી હતી. લાવરોવે અમેરિકા, દક્ષિણ કોરિયા અને જાપાનને ઉત્તર કોરિયા વિરુદ્ધ કોઈપણ લશ્કરી જોડાણથી દૂર રહેવા કહ્યું હતું. તેમનું નિવેદન ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનને મળ્યા બાદ આવ્યું હતું, જ્યાં તેમણે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તરફથી શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
ઉત્તર કોરિયાના વિદેશ પ્રધાન ચો સોન હુઈ સાથેની વાતચીત બાદ પત્રકારો સાથે વાત કરતા, લાવરોવે કહ્યું, “અમે ચેતવણી આપીએ છીએ કે આ સંબંધોનો ઉપયોગ કોઈપણ દેશ, ખાસ કરીને ઉત્તર કોરિયા અથવા રશિયા સામે જોડાણ બનાવવા માટે ન થવો જોઈએ.”
આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે ઉત્તર કોરિયાના પરમાણુ કાર્યક્રમના જવાબમાં અમેરિકા, જાપાન અને દક્ષિણ કોરિયાએ તેમની ત્રિપક્ષીય લશ્કરી કવાયતોને વધુ તીવ્ર બનાવી છે. શુક્રવારે, ત્રણેય દેશોએ કોરિયન દ્વીપકલ્પ નજીક સંયુક્ત હવાઈ કવાયત હાથ ધરી હતી, જેમાં પરમાણુ શસ્ત્રો વહન કરવામાં સક્ષમ યુએસ બોમ્બરોએ પણ ભાગ લીધો હતો.
ઉત્તર કોરિયા આ લશ્કરી કવાયતોને હુમલાની તૈયારી તરીકે જુએ છે અને તેથી જ તે તેના પરમાણુ શસ્ત્રોને સ્વ-બચાવના સાધન તરીકે વર્ણવી રહ્યું છે. આ મુદ્દે, લવરોવે કહ્યું, “ઉત્તર કોરિયાનો પરમાણુ કાર્યક્રમ તેમના વૈજ્ઞાનિકોની મહેનતનું પરિણામ છે. અમે તેમના પરમાણુ વિકાસ પાછળના કારણોને સમજીએ છીએ અને તેનું સન્માન કરીએ છીએ.” બેઠક દરમિયાન, ઉત્તર કોરિયાના વિદેશ પ્રધાન ચોએ પુનરોચ્ચાર કર્યો કે તેમનો દેશ યુક્રેન યુદ્ધમાં રશિયાને બિનશરતી સમર્થન આપે છે. લાવરોવે રશિયાના કુર્સ્ક સરહદી ક્ષેત્રમાં યુક્રેનિયન ઘૂસણખોરીને રોકવામાં ઉત્તર કોરિયાના સૈનિકોએ આપેલા સહયોગ બદલ તેમનો આભાર પણ વ્યક્ત કર્યો. છેલ્લા વર્ષોમાં ઉત્તર કોરિયા અને રશિયા વચ્ચે લશ્કરી અને આર્થિક સહયોગ વધુ ગાઢ બન્યો છે. ઉત્તર કોરિયા રશિયાને શસ્ત્રો અને દારૂગોળો પૂરો પાડે છે, જ્યારે રશિયા બદલામાં લશ્કરી ટેકનોલોજી અને આર્થિક સહાય પૂરી પાડે છે.
આનાથી અમેરિકા, જાપાન અને દક્ષિણ કોરિયાની ચિંતા વધી ગઈ છે કે રશિયા ઉત્તર કોરિયાને આવી સંવેદનશીલ ટેકનોલોજી આપી શકે છે, જે તેના પરમાણુ અને મિસાઇલ કાર્યક્રમને વધુ ખતરનાક બનાવશે. લવરોવની મુલાકાત વોન્સન શહેરમાં થઈ હતી, જ્યાં ઉત્તર કોરિયાએ તાજેતરમાં એક ભવ્ય દરિયાઈ રિસોર્ટ ખોલ્યું છે, જેમાં 20,000 લોકો રહેવાની ક્ષમતા હોવાનું કહેવાય છે. લવરોવે બેઠકની શરૂઆતમાં કહ્યું, “મને ખાતરી છે કે રશિયન પ્રવાસીઓ અહીં આવવા માંગશે. અમે તેમને અહીં લાવવા માટે દરેક શક્ય સુવિધા પૂરી પાડીશું, જેમાં હવાઈ મુસાફરીનો પણ સમાવેશ થાય છે.” નોંધનીય છે કે વોન્સન-કાલ્મા પ્રવાસન ક્ષેત્ર ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનની યોજનાનો એક ભાગ છે જે પર્યટન દ્વારા દેશની ભાંગી પડેલી અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવાની યોજના ધરાવે છે. જો કે, હજુ સુધી તે સ્પષ્ટ નથી કે ઉત્તર કોરિયા તેની સરહદો ક્યારે સંપૂર્ણપણે ખોલશે અને શું તે પશ્ચિમી પ્રવાસીઓનું સ્વાગત કરશે.
આ પણ વાંચો:ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષામાં મોટી ખામી, નો-ફ્લાય ઝોનમાં ઉડતું જોવા મળ્યું શંકાસ્પદ વિમાન અને…
આ પણ વાંચો:શું એલોન મસ્કની ‘અમેરિકા પાર્ટી’ એક મોટી રાજકીય શક્તિ બની શકે છે? 3 મુદ્દાઓમાં સમજો
આ પણ વાંચો:1 ઓગસ્ટથી 100 દેશો પર ટેરિફ બોમ્બ ફૂટશે, શું ભારત પણ આ યાદીમાં છે?
