Traditional Food: આજનાં ફાસ્ટફુડના સમયમાં પરંપરાગત દેશી અને પૌષ્ટીક વાગનીઓ વિસરાતી જાય છે. એવી અનેક વાનગીઓ છે જેનો સ્વાદ તો શું નામ પણ આજની નવી પેઢીઓ જાણતી નહીં હોય. ત્યારે આજે એવી જ વિસરાતી જતી વાનગીઓની વાત કરવી છે.
પીઝા-બર્ગર જેવા ફાસ્ટફૂડના સમયમાં દેશી પરંપરાગત વાનગીઓ (Traditional Food) વિસરાતી જાય છે. એવા તો અનેક ફુડ છે જેનો સ્વાદ આજની યુવા પેઢીએ ચાખ્યો નહીં હોય, એટલુ જ નહીં એના નામ પણ આજના યંગસ્ટર માટે નવા હશે. બાજરી તુવેરની ખીચડી, ભૈડકું, જુવારની પાનકી, અળવીની દાંડીના મુઠિયા, કોદરીના ઢાકળા, તુરિયાની છાલની ચટણી જેવી અનેક વાનગીઓ એવી છે. જેના નામ આજે ભલે નવા લાગે પરંતુ હકીકતમાં તો આ વિસરાતી જતી વાનગીના લીસ્ટમાં સૌથી મોખરે છે.
બાજરીના રોટલા તો હજુ પણ રેસ્ટોરન્ટ અને હાઇવે પરના ઢાબા પર મળી રહે છે. (Traditional Food) પરંતુ શિયાળામાં ખાસ પીવાતી બાજરીની ખીર હવે વિસરાઇ ગઇ છે. પહેલાના સમયમાં શીયાળામાં વહેલી સવારે ગરમા ગરમ બાજરીની ખીર પીવામાં આવતી. હેલ્થની દ્ધષ્ટિએ પણ આ ખીર ઉત્તમ ગણાય છે. કહેવાય છે કે બાજરીની ખીર વહેલી સવારે પીવાથી આખો દિવસ શરીરમાં ગરમી રહે છે અને ઠંડી સામે રક્ષણ આપે છે. સરગવો શરીર માટે શ્રેષ્ટ ગણવામાં આવે છે. કોઇ પણ ઋતુમાં સરગવો ખાવાથી શરીરના સાંધાના દુખાવામાં રાહત થાય છે. પરંતુ અહિ વાત કરવી છે સરગવાના પાનાનાં ભજીયાની અને તે પણ તળ્યા વીનાના ભજીયા. જી હા, આપણા વડલાઓ સરગવાના પાનના ભજીયા બનાવતા પણ ખરા અને ખવડાવતા પણ ખરા. તળ્યા વગરના વરાળમાં બનતા સરગવાના પાનના ભજીયા આજે ક્યાંય જોવા મળતા નથી. હવે તો લોકોના ઘરમાં પણ બનતા બંધ થઇ ગયા છે. સ્વાસ્થય વર્ધક સરગવાનું શાક તો ક્યાંક ક્યાંક બને છે પણ ભજીયા વિસરાય ગયા છે. કુલેરનાં લાડુનું મહત્વ ખાસ કરીને નાગ પાંચમના તહેવાર પર રહેલું છે. પરંતુ તે માત્ર ગુજરાત પુરતુ છે. ગુજરાત બહાર કુલેરના લાડવાનું અનેરૂ મહત્વ હતું. આ વાનગી પણ ખાસ કરીને લોકો શીયાળામાં જ ખાતા હતા. કારણ કે તેમાં બાજરીના લોટનો ઉપયોગ થાય છે. ઘી, બાજરીનો લોટ અને ગોળથી બનતા કુલેરનો એક લાડુ અડધા દિવસની ભૂખને પુરી કરે છે. પરંતુ હવે આ વાનગી પણ ભુલાઇ ગઇ છે. અડદના વડા હવે સાવ લૃપ્ત થઇ ગયા છે. અડની વડીઓ લગ્નગાળામાં શુકન માટે બનાવવામાં આવતી. પછી તે વડીઓનું શાક કે કઢી બનતું પરંતુ હવે તો નામ પુરતી જ વડી તૈયાર લઇ લેવામાં આવે છે. પરંતુ અડદના વડા તો હવે જોવા પણ મળતા નથી. મેથીની ભાજીના વડા બને છે તેમ જ રીતે મસાલાથી ભરપુર અડદના વડા બનાવવામાં આવતા હતા.
સુરણના શાકની વાત કરીએ તો ખાસ કરીને તે ઉપવાસમાં ખવાતુ શાક છે. સુરણના ભજીયા પણ બનાવવામાં આવતા હતા. પરંતુ હવે સુરણનું શાક ભુલાઇ ગયુ છે. બાજરીનું ઠાઠું, ચીલની કઢી પણ આજની પેઢી માટે નવા નામ છે. શીયાળામાં સૌથી વધુ સ્વાસ્થવર્ધક ગણાતી સુંઠની સુખડી હવે ઘરે તો ભાગ્ય જ બને છે. હા હજુ જ્યાં વડીલોની હાજરી છે ત્યાં શીયાળો શરૂ થતા સુંઢની સુખડીનો સ્વાદ માણવામાં આવે છે. બાકી માર્કેટમાં મળતા નીતનવા પાક ખાઇને જ શીયાળામાં શરીરને સુડોળ બનાવવામાં આવે છે.
જુવારમાં ભરપુર પ્રમાણમાં ફાઇબર્સ રહેલુ હોય છે જે ડાયાબિટીસ અને હાઇ બ્લડપ્રશરથી પીડિતા લોકો માટે અસરકારક છે. જુવારમાં ફાઇબર્સ હોવાથી વેઇટલોસ માટે પણ ખુબ ઉપયોગી છે. એટલુ જ નહીં જુવારના લોટના રોટલા કે રોટલી ખાવાથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી માટે જ પહેલાના સમયમાં ખાસ કરીને સવારના નાસ્તામાં જુવારના લોટનો રોટલો કે રોટલી ખાવામાં આવતી પરંતુ આજના બાળકો અને યુવાનોની સવાર સેન્ડવીચ અને બ્રેડ બટરથી શરૂ થાય છે.
હવે વાત કરી સાતધાનની ખીચડીની પ્રોટીનથી ભરપુર સાતધાનની ખીચડી આજે વિસરાઇ ગઇ છે. જુવાર, તુવેળ,ચોખા, મગની દાળ, ચણાની દાળ, બાજરી અને ઘઉંના ફાડા એમ સાત ધાન મીક્સ કરીને બનાવવામાં આવતી ખીચડી સ્વાદની સાથે સાથે સ્વાસ્થય માટે બેસ્ટ ફુડ છે. જે હવે ગામડાઓમાં જ બનતી હોય છે. શહેરમાં ભાગ્ય જ કોઇના ઘરે આ ખીચડી બનતી હશે.
આ ઉપરાંત પણ કમળ કાકડી મુરીયાનું શાક, સરસવની ભાજી, કોળાનું શાક, દેશી કોઠમડા, મકાઇનાં ફાડાની ખીચડી, ખારી ભીંડીના ફુલનું શરબત, ફણગાવેલી રાગીની ખિચડી, રાગીનાં ઢાકળા, પાનકી, કપૂરીયા, ભૈડકું, ઝાવરું, વિવિધ પ્રકારના પૌંક,છીબા ઢોકળી, બીટનો હલવો, મગની ઢાકળી જેવી અનેક વાનગીઓ છે જે આજે ભૂતકાળ બની ગઇ છે.