Rajkot News : રાજકોટનો મિહિર કુગશીયા ફરી નકલી પોલીસ બની ગોંડલમાં તોડ કરવા ગયો હતો પણ અસલી પોલીસની જાળમાં ફસાઈ ગયો હતો. ૨૧ ડિસેમ્બરે છેડતી અને દુષ્કર્મના ગુનામાં ફિટ કરાવી દઈશ તેવી ધમકી આપી ગોંડલના યુવાન પાસેથી રૂા.પ લાખ પડાવી લીધા હતા. ફરી રૂા.૨ લાખ લેવા ગયો અને પકડાઈ ગયો હતો. અગાઉ રાજકોટમાં હોટલમાંથી યુવતી સાથે બહાર નીકળેલ યુવકને તમે અહીં ખોટું કામ કર્યું છે તેમ કહી પોલીસની ઓળખ આપી રૂા.૩૧ હજાર પડાવી લીધા હતા.
ગોંડલમાં રહેતા અને ગ્રાફિક્સનો વ્યવસાય કરતા કેયુર નામના ૨૮ વર્ષીય યુવાને ગોંડલ બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે, ગઇ તા.૨૧/ ૧૨/૨૦૨૪ના રોજ બપોરના સમયે હું મારી ઓફિસના કામ સબબ રાજકોટ ગિરીશભાઈ પરમાર પાસેથી પેમેન્ટ લેવા ગયો હતો. પેમેન્ટ લઇ પરત રાજકોટના લીમડા ચોકથી રાજકોટ બસ સ્ટેશન આવવા રીક્ષામાં બેઠો. ત્યાં એક અજાણ્યો ભાઈ મોટર સાઇકલ લઈને આવ્યો. મને કહેલ કે હું ક્રાઈમ બ્રાંચ પોલીસ સ્ટેશનમાં ASI છું. તેણે પોતાનું નામ મયુરસિંહ ઝાલા હોવામું કહ્યું. તેણે મને કહ્યું કે, તારું આધાર કાર્ડ બતાવ. મેં આધાર કાર્ડ અને મારી ઓફિસનું કાર્ડ તેને આપ્યું. તેણે મને કહ્યું કે, હું ગોંડલ ખાતે તારી તપાસમાં આવીશ.
એ જ દિવસે હું બપોરે ૩ વાગ્યે મારી ઓફિસે આવ્યો. ત્યાં થોડીવારમાં જ આ શખ્સ મારી ઓફિસે આવ્યો. તે રાજકોટમાં એક છોકરીની છેડતી કરેલ છે. તારી ઉપર ફરીયાદ દાખલ થવાની છે. દુષ્કર્મ કેસ થશે. ૧૦ વર્ષ સુધી જેલમાંથી છૂટીશ નહીં તેમ મને ધમકાવેલ. મેં કહેલ કે, મે કોઈ છોકરીની છેડતી કરેલ નથી. તો આ ભાઈ મને જોર જોરથી કહેવા લાગેલ કે તારે ગુનામાં ફીટ થવું છે કે, પછી વહેવાર કરી પતાવવું છે? તેમ કહેવા લાગેલ. મારો મોબાઈલ માંગી મારાં ખાતામાં રૂ. ૧૫ લાખ છે તે ચેક કર્યું. પછી મને કહ્યું કે, ૫ લાખ આપી દે, રાજકોટ ગ્રામ્ય મારા સાહેબ સાથે વાતચીત કરી કેસ રફેદફે કરી નાખીશ. અમે બંને બાઇકમાં બેસી ગોંડલમાં આંબલી ચોકમાં રાજકોટ ડીસ્ટ્રીકટ બેંક આવેલ. ત્યાં મેં 5 લાખનો ચેક ભરી રૂપિયા ઉપાડ્યા અને આ શખ્સને આપી દીધા. તા.૨૮/૧૨/૨૦૨૪ના રોજ ફરી તેનો ફોન આવ્યો અને પાંચ લાખમાં નહીં પતે હજુ વધુ રૂપિયા આપવા પડશે તેમ કહ્યું. મેં તેની પાસે સમય માંગ્યો હતો.
ગઈકાલે તા. ૨૧/૧/ ૨૦૨૫ના રોજ ફરી આ પોલીસ મયુરસિંહ ઝાલાનો મને ફોન આવેલ. તે ઓફિસે રૂા.૨ લાખ લેવા આવે છે તેમ કહેતા મેં અંકિતને જાણ કરી. આ શખ્સ મારી ઓફિસે આવ્યો ત્યાં અંકિત પણ ગોંડલ પોલીસની ટીમ સાથે આવી ગયો. પોલીસને જોઈ આ શખ્સ ભાગવા ગયો પણ પકડાઈ ગયો. તેની પાસે પોલીસનું કાર્ડ માંગતા ન હોવાનું જણાવતા ગોંડલ પોલીસ ગાડીમાં તેને લઈ ગઈ હતી. તેણે પોતાનું સાચું નામ મિહિર ભાનુકુગશીયા (રહે.રાજકોટ પોપટપરા) હોવાનું જણાવેલ હતું.
પોલીસે આરોપીને ઝડપી રૂા.5 લાખ કબ્જે કરાયા છે. આ કામગીરી ગોંડલ B ડીવીઝન પોલીસ સ્ટેશનના પીઆઇ જે.પી.ગોસાઈ, પીએસઆઈ જે.એલ.ઝાલા, એ.એસ.આઈ. રમેશભાઈ પરમાર, પો.હે.કો. અલ્પેશભાઈ રાઠોડ, હેડ.કોન્સ. શક્તિસિંહ જાડેજા, પો.કોન્સ. સુરેશભાઈ ભરવાડ તથા પો.કોન્સ. ઓમદેવસિંહ જાડેજા તથા પો.કોન્સ. સુરપાલસિંહ જાડેજા દ્વારા કામગીરી કરાઈ છે.
આ પણ વાંચો: વડોદરામાં નકલી પોલીસ, નકલી જ્જ અને હવે વર્તમાનમાં એક નકલી એડમિશનની બની ઘટના
આ પણ વાંચો: અમરેલીમા અસલી પોલીસની વરદીમા નકલી પોલીસ અધિકારી ઝડપાયો
આ પણ વાંચો: નકલી પોલીસ ગેંગ, કોઈને બળાત્કારી તો કોઈને આતંકવાદી કહીને ખંખેર્યા કરોડો રૂપિયા
