Gujarat News: જંગલમાં પૂરતો શિકાર ન મળતાં દીપડા જેવા શિકારી પ્રાણીઓ ઘણીવાર માનવ વસ્તી તરફ આવી ચડે છે. જેના કારણે માણસો અને વન્ય પ્રાણીઓ વચ્ચે સંઘર્ષની સ્થિતિ સર્જાય છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા ગુજરાતના વન વિભાગે (Gujarat Forest Department) બનાસકાંઠાના જેસોર રીંછ અભયારણ્યમાં (Jesore Wildlife Sanctuary) નવી પહેલ શરૂ કરી છે. અહીં જંગલી મરઘાંનું સંવર્ધન (Wild Chicken Breeding) કરીને તેમને જંગલમાં છોડવામાં આવી રહ્યાં છે, જેથી દીપડાને જંગલમાં જ પૂરતો ખોરાક મળી રહે અને ગામડાં તરફ આવવાની જરૂરિયાત ઘટે.
Jesore Wildlife Sanctuary: જંગલી મરઘાંના સંવર્ધન કેન્દ્રની શરૂઆત
બનાસકાંઠા જિલ્લાના અરવલ્લીની ટેકરીઓમાં આવેલું જેસોર રીંછ અભયારણ્ય આશરે 180.66 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. મે 1978માં સ્થાપિત આ અભયારણ્ય લુપ્તપ્રાય રીંછના સંરક્ષણ માટે જાણીતું છે. અહીં કાળા રીંછ ઉપરાંત દીપડા, ઝરખ, નીલગાય, વરુ, જંગલી બિલાડી, સાબર સહિત વિવિધ વન્ય પ્રાણીઓ અને પક્ષીઓ જોવા મળે છે.
આ અભયારણ્યમાં શરૂ કરાયેલા જંગલી મરઘાં સંવર્ધન કેન્દ્રમાં પ્રજનનક્ષમ પક્ષીઓ દ્વારા ઇંડાં મેળવવામાં આવે છે. આ ઇંડાંને કુદરતી રીતે અથવા ઇન્ક્યૂબેટરમાં ઉછેરવામાં આવે છે. આશરે 21 દિવસમાં ઇંડાંમાંથી બચ્ચાં બહાર આવે છે. ત્યારબાદ 40થી 50 દિવસ સુધી તેમનો ઉછેર કરવામાં આવે છે. બચ્ચાં મોટાં થયા બાદ તેમની સંખ્યા પૂરતી હોય તો તેમને જંગલમાં છોડી દેવામાં આવે છે.
વન વિભાગના વડા જયપાલસિંહે જણાવ્યું હતું કે, શરૂઆતમાં જૂનાગઢના સક્કરબાગમાંથી થોડાં જંગલી મરઘાં લાવવામાં આવ્યાં હતાં. હવે તેમના ઇંડાંનું ઇન્ક્યૂબેશન કરીને બચ્ચાં તૈયાર કરવામાં આવી રહ્યાં છે અને તેમને જંગલમાં છોડવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.
જંગલમાં શિકાર વધશે તો ગામમાં દીપડાની અવરજવર ઘટશે
વન વિભાગના વડા જયપાલસિંહના જણાવ્યા અનુસાર, અગાઉ જેસોર વિસ્તારમાં જંગલી મરઘાંની સારી વસ્તી હતી, પરંતુ સમય જતાં તેમાં ઘટાડો થયો હતો. હવે આ પ્રજાતિની વસ્તી (Wild Chicken Breeding) ફરી સ્થાપિત થાય અને જંગલી મરઘાં આ વિસ્તારમાં ફરી વસવાટ કરે તે હેતુથી સંવર્ધન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે.
તેમણે જણાવ્યું કે, જંગલમાં માંસાહારી પ્રાણીઓ માટે પૂરતા પ્રમાણમાં તૃણભક્ષી અને અન્ય શિકાર પ્રાણીઓ હોવા જરૂરી છે. જેસોર વિસ્તારમાં દીપડાની વસ્તીને ધ્યાનમાં રાખીને અગાઉ ચિતલના સંવર્ધન માટે પણ પ્રયાસ શરૂ કરવામાં આવ્યા હતા. દીપડો મોર, જંગલી મરઘાં અને હરણ જેવાં પ્રાણીઓનો શિકાર કરે છે. જંગલમાં આ પ્રાણીઓની સંખ્યા વધે તો દીપડાને ત્યાં જ ખોરાક મળી રહે અને માનવ વસ્તી તરફ તેની અવરજવર (Leopard Human Conflict) ઘટી શકે છે.
જયપાલસિંહે ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે, દીપડો એક વખત જંગલી મરઘાંનો શિકાર કરે તો એક-બે દિવસ સુધી તેને બીજા મોટા પ્રાણીનો શિકાર કરવાની જરૂર ન પડે. જ્યારે ચિતલનો શિકાર કરવામાં આવે તો બે-ત્રણ દીપડા પણ તેમાંથી ખોરાક મેળવી શકે છે. આથી જંગલમાં વિવિધ વન્ય પ્રાણીઓની સંખ્યા વધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
દીપડાના અનુકૂળ વિસ્તારમાં જંગલી મરઘાં છોડાશે
દીપડો એક જ સ્થળે રહેતો નથી, પરંતુ લાંબા અંતર સુધી અવરજવર કરતો રહે છે. તેથી તેના માટે અનુકૂળ રહેઠાણ ધરાવતા વિસ્તારોમાં જંગલી મરઘાં છોડવામાં આવશે. વન વિભાગને આશા છે કે સમય જતાં ત્યાં જંગલી મરઘાંની કુદરતી વસ્તી પણ વધશે અને શિકારી પ્રાણીઓને તેમની જરૂરિયાત મુજબ ખોરાક મળી રહેશે.
ગાંધીનગર અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં દીપડા દેખાવા અંગે જયપાલસિંહે જણાવ્યું હતું કે, સાબરમતી નદીના પટ્ટામાં દીપડાની વસ્તી છે. તેથી ક્યારેક તેઓ ગાંધીનગર સહિત આસપાસના વિસ્તારોમાં જોવા મળે છે. અગાઉ એક વખત દીપડો સચિવાલયમાં પણ આવી ગયો હતો. સામાન્ય રીતે દીપડો કોઈ નુકસાન કર્યા વિના ફરી પોતાના વિસ્તારમાં જતો રહે છે. નદીના પટ્ટા અને આસપાસના વિસ્તારોમાં તેની અવરજવર નિયમિત પ્રક્રિયાનો ભાગ છે.
જંગલી મરઘાંથી જંગલનું ઇકોલોજિકલ સંતુલન પણ જળવાશે
બનાસકાંઠાના નાયબ વન સંરક્ષક (DCF) પી.જી. ગાર્ડીએ જણાવ્યું હતું કે, ઇકબાલગઢ રેન્જના વેરા જંગલના સર્વે નંબર 74માં આ સંવર્ધન કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. અહીં જંગલી મરઘાંનો ઉછેર કરવામાં આવે છે.
તેમના જણાવ્યા અનુસાર, જંગલી મરઘાં ઝેરી જીવજંતુઓ, ઇયળો અને હાનિકારક કીડાઓને ખોરાક તરીકે ખાય છે. તેનાથી વૃક્ષો અને વનસ્પતિને કીડાઓના ઉપદ્રવથી બચાવવામાં મદદ મળે છે અને જંગલનું ઇકોલોજિકલ સંતુલન જળવાય છે. આ ઉપરાંત, ખોરાક શોધતી વખતે તેમના અણીવાળા પગથી જમીનનું ઉપરનું સ્તર પોચું બને છે. પરિણામે પાણી જમીનમાં ઊંડે સુધી ઉતરવામાં મદદ (Leopard Food Chain) મળે છે અને જમીનમાં ઓક્સિજનનું પ્રમાણ પણ વધે છે.
ત્રણ વર્ષમાં દીપડાના હુમલામાં 35 લોકોનાં મોત
દીપડા અને માનવ વચ્ચેનો સંઘર્ષ કેટલો ગંભીર છે તે આંકડા પરથી પણ સ્પષ્ટ થાય છે. રાજ્યમાં દીપડાની અંદાજિત વસ્તી 2,275 જેટલી છે. છેલ્લા ત્રણ વર્ષમાં ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં દીપડાના હુમલામાં 35 લોકોનાં મોત થયાં છે.
આ સ્થિતિમાં જંગલની અંદર જ શિકારી પ્રાણીઓને પૂરતો ખોરાક (Wild Chicken Breeding) મળી રહે તે માટે વન વિભાગના પ્રયાસો મહત્ત્વના બની શકે છે. જેસોરમાં જંગલી મરઘાંના સંવર્ધનનો આ પ્રયોગ દીપડાની ભૂખ સંતોષવાની સાથે જંગલની ખાદ્યશૃંખલા અને ઇકોલોજિકલ સંતુલન જાળવવામાં પણ મદદરૂપ થવાની આશા છે.
આ પણ વાંચો: ઉનાના નાદણમાં વાડીમાં રમતા 9 વર્ષના બાળક પર દીપડાનો હુમલો
આ પણ વાંચો: બોડેલીના વાજપુરમાં દીપડાનો હુમલો, 100 મીટર ઢસડ્યા બાદ બાળકીનું મોત
