Leopard Attack: છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના મોટા વાજપુર ગામમાં ચાર વર્ષની માસૂમ બાળકી પર જીવલેણ હુમલો કરનાર દીપડાને વન વિભાગે ગણતરીના કલાકોમાં પાંજરે પકડી લીધો છે.
બુધવારે સાંજે બનેલી આ દુઃખદ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકીનું સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્યું હતું. ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. વન વિભાગે રાતોરાત પાંજરું ગોઠવી દીપડાને ઝડપી લેતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.
બોડેલી તાલુકાના મોટા વાજપુર ગામમાં બુધવારે સાંજે અંદાજે 8 વાગ્યે ભવ્યાબેન પોપટભાઈ રાઠવા પોતાના ઘર આંગણે પરિવારના ત્રણ બાળકો સાથે રમી રહી હતી. તે દરમિયાન જંગલ તરફથી આવેલા દીપડાએ અચાનક હુમલો કરી ભવ્યાબેનને મોઢામાં પકડી અંદાજે 100 મીટર દૂર સુધી ખેંચી ગયો હતો. બાળકોની બૂમાબૂમ સાંભળી પરિવારજનો અને ગ્રામજનો લાકડીઓ તથા ટોર્ચ સાથે દોડી આવતા દીપડો બાળકીને છોડીને જંગલમાં ભાગી ગયો હતો.
હુમલામાં ભવ્યાબેનને માથા, ગળા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને જાંબુઘોડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબોએ તપાસ બાદ બાળકીને મૃત જાહેર કરી હતી. માસૂમ બાળકીના મોતથી પરિવારજનોમાં આક્રંદ ફાટી નીકળ્યો હતો અને સમગ્ર ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં બોડેલી વન વિભાગના આર.એફ.ઓ. સહિત અધિકારીઓની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. રાત્રે દોઢ વાગ્યાની આસપાસ વન વિભાગે ઘટનાસ્થળ નજીક પાંજરું ગોઠવ્યું હતું. પાંજરું મૂક્યાના થોડા જ કલાકોમાં બાળકીને મોતને ઘાટ ઉતારનાર દીપડો તેમાં પુરાઈ ગયો હતો.
દીપડો પકડાયો હોવાની જાણ થતાં મોટા વાજપુર સહિત આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. ગ્રામજનોએ પાંજરામાં પુરાયેલા દીપડાને જોવા ભારે ભીડ જમાવી હતી. ત્યારબાદ વન વિભાગની ટીમે દીપડાને જબુગામ રેસ્ક્યુ સેન્ટર ખાતે ખસેડ્યો હતો.
બીજી તરફ ભવ્યાબેનના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વન વિભાગે અસરગ્રસ્ત વિસ્તારમાં પેટ્રોલિંગ વધાર્યું છે તેમજ ગ્રામજનોને ખાસ કરીને સાંજ બાદ બાળકોને એકલા બહાર ન મોકલવા અને જંગલ વિસ્તારની નજીક સાવચેતી રાખવાની અપીલ કરી છે.
આ ઘટનાએ ફરી એકવાર માનવ વસાહતની નજીક વન્યપ્રાણીઓની વધતી અવરજવર અને માનવ-વન્યજીવ સંઘર્ષના ગંભીર પ્રશ્ન પર સવાલ ઉભો કર્યો છે.
આ પણ વાંચો: અમરેલીમાં દીપડાનો આતંક, નાનીધારી ગામમાં ઘરમાં ઘૂસેલો દીપડો વન વિભાગે પકડ્યો
આ પણ વાંચો: સુરત : મહુવાના નિહાલી ગામે દીપડો પાંજરે પુરાયો
આ પણ વાંચો: ઘરની બહારથી ત્રણ વર્ષની બાળકીને ખેંચી ગયો દીપડો, સવારે પરિવારને મળ્યો મૃતદેહ
