Vadodara Dabhoi Bhavpura Accident: વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ભાવપુરા ગામેથી એક અત્યંત કરુણ અને ભયાનક અકસ્માત સામે આવ્યો છે. ભાવપુરા ગામે હાઈટેન્શન લાઈનના કેબલ નાખવાની કામગીરી દરમિયાન એકાએક લોખંડનો ભારેખમ વીજપોલ (Electric Pole) પત્તાની જેમ ધરાશાયી થઈ ગયો હતો. આ ગોઝારી ઘટનામાં પોલ પર કામ કરી રહેલા પશ્ચિમ બંગાળના ત્રણ પરપ્રાંતીય શ્રમિકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ કાળજું કંપાવી દેનારી દુર્ઘટનાને પગલે પંથકમાં ભારે અરેરાટી મચી ગઈ છે અને કંપનીના સેફ્ટી નિયમો સામે મોટા સવાલો ઉભા થયા છે.

ખાનગી કંપનીના હાઈટેન્શન પ્રોજેક્ટમાં સર્જાયો કાળો કેર
મળતી વિગતો મુજબ, ડભોઈના ભાવપુરા ગામની સીમમાં એક ખાનગી કંપની દ્વારા નવા વીજપોલ ઊભા કરીને હાઈટેન્શન લાઈનના કેબલ નાખવાનું કામ ચાલી રહ્યું હતું. ગત 9 જૂનના રોજ કોન્ટ્રાક્ટ હેઠળના શ્રમિકો હંમેશની જેમ જીવના જોખમે પોલ પર ચડીને વાયરોનું ફિટિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક આખો વીજપોલ જમીનદોસ્ત થઈ ગયો હતો. પોલ ધરાશાયી થતાં જ તેના પર ઊંચાઈએ કામ કરી રહેલા શ્રમિકો સીધા પથ્થરની જેમ નીચે પટકાયા હતા અને પોલનો કાટમાળ પણ તેમની માથે પડ્યો હતો.
બે શ્રમિકોએ હોસ્પિટલમાં દમ તોડ્યો
આ ભયાનક અકસ્માત એટલો જોરદાર હતો કે એક શ્રમિકનું ઘટનાસ્થળે જ ગંભીર ઈજાઓને કારણે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે શ્રમિકોને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક હોસ્પિટલના આઈસીયુ (ICU) વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, વિધાતાના લેખ કંઈક જુદા જ હતા અને સારવાર દરમિયાન આ બંને શ્રમિકોએ પણ હોસ્પિટલના બિછાને દમ તોડી દીધો હતો. આ અકસ્માતમાં જીવ ગુમાવનારા ત્રણેય શ્રમિકો પશ્ચિમ બંગાળના વતની હતા. મૃતકોના નામ આ મુજબ છે: 1 ખાનો કાલુભાઈ મરડી 2. રાજન સુનિરામ હેમબરામ 3. બબલુ ધેનાભાઈ બાસકી

Dabhoi પોલીસે શરૂ કરી કાયદેસરની તપાસ
એકસાથે ત્રણ શ્રમિકોના મોતના સમાચાર મળતા જ ડભોઈ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે અને હોસ્પિટલ દોડી ગયો હતો. પોલીસે ત્રણેય મૃતદેહોને પીએમ અર્થે ખસેડીને અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ભયાનક દુર્ઘટના પાછળ કંપની કે કોન્ટ્રાક્ટરની કોઈ ગંભીર લાપરવાહી હતી કે નહીં, તેમજ કામગીરી વખતે શ્રમિકોને સેફ્ટી બેલ્ટ, હેલ્મેટ જેવા સુરક્ષાના સાધનો આપવામાં આવ્યા હતા કે નહીં તેની પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. ત્રણ ગરીબ શ્રમિકોના મોતના કારણે તેમના વતનમાં રહેતા પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયો છે.
