Vadodara News/ વડોદરા પાલિકા સામે 24 વર્ષની લડત બાદ ડ્રાઈવરની મોટી જીત

VMC Labour Court Case: વડોદરા કોર્પોરેશનની વ્હીકલ પૂલ શાખાના ડ્રાઇવર મોહમ્મદ રફીકને ગેરકાયદે છૂટા કરવાના મામલે લેબર કોર્ટે પાલિકાને ₹5.92 લાખ ચૂકવવાનો કડક આદેશ આપ્યો છે.

Top Stories Gujarat Vadodara
VMC Labour Court Case

VMC Labour Court Case : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) ની વ્હીકલ પૂલ શાખામાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા કર્મચારીને ગેરકાયદેસર રીતે નોકરીમાંથી છૂટા કરવાના મામલે લેબર કોર્ટે પાલિકા તંત્રને જોરદાર ઝટકો આપ્યો છે. સળંગ 513 દિવસ અને દર વર્ષે 240 દિવસથી વધુ સમય સુધી વફાદારીપૂર્વક ફરજ બજાવી હોવા છતાં ડ્રાઈવરને કોઈ પણ નોટિસ વગર હાંકી કાઢવામાં આવ્યા હતા. લેબર કોર્ટે કોર્પોરેશનના આ મનસ્વી નિર્ણયને શ્રમ કાયદાની વિરુદ્ધ ઠેરવીને, ભોગ બનનાર કર્મચારીને વળતર પેટે ₹5,92,444 અને કોર્ટ ખર્ચના ₹10,000 આગામી 30 દિવસમાં ચૂકવવાનો ઐતિહાસિક હુકમ કર્યો છે.

વર્ષ 2002માં અચાનક કરી દીધા હતા છૂટા

આ કેસની વિગત એવી છે કે, અરજદાર મોહમ્મદ રફીક અલ્લારખ્ખા શેખ વર્ષ 1992માં વડોદરા કોર્પોરેશનમાં હંગામી ડ્રાઇવર તરીકે જોડાયા હતા. જોકે, કોર્પોરેશનના સત્તાધીશોએ શ્રમ કાયદાના નિયમોને નેવે મૂકીને, તેમને કોઇ પણ પ્રકારની આગોતરી નોટિસ કે આર્થિક વળતર આપ્યા વગર જ 1 ઓક્ટોબર 2002ના રોજ અચાનક નોકરી પરથી છૂટા કરી દીધા હતા. આ ઘોર અન્યાય અને રોજીરોટી છીનવાઈ જવા સામે મોહમ્મદ રફીકે હિંમત હાર્યા વગર લેબર કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.

હાઈકોર્ટમાં પણ VMC હારી ગઈ

આ કેસમાં કાનૂની લડત બહુ લાંબી અને કપરી ચાલી હતી. વર્ષ 2009માં દાખલ થયેલા રેફરન્સ કેસમાં લેબર કોર્ટે વર્ષ 2016માં અરજદાર ડ્રાઈવરને 20% બેકવેજીસ (પાછલા ગાળાના પગાર) સાથે નોકરીમાં પુનઃસ્થાપિત કરવાનો આદેશ કર્યો હતો. વડોદરા કોર્પોરેશને પોતાની ભૂલ સુધારવાને બદલે લેબર કોર્ટના આ હુકમને હાઇકોર્ટમાં પડકાર્યો હતો, પરંતુ હાઇકોર્ટે પણ કોર્પોરેશનની અપીલ સદંતર રદ કરી દીધી હતી.

હાઈકોર્ટના કડક આદેશ છતાં અહંકારી તંત્રએ વર્ષ 2018 સુધી અરજદારને ફરજ પર લીધા ન હતા. બાદમાં જ્યારે ભારે દબાણ હેઠળ ફરજ પર લીધા, ત્યારે પણ કાયમી કર્મચારી તરીકેના કાયદેસરના લાભો આપ્યા ન હતા. આખરે પોતાની બાકી નીકળતી ₹9.21 લાખની લેણી રકમ મેળવવા માટે આ ગરીબ અરજદારે વર્ષ 2017માં ફરીથી રિકવરી અરજી દાખલ કરવાની નોબત આવી હતી.

અદાલતમાં બંને પક્ષો વચ્ચે કેવી જામી દલીલો?

અરજદાર ડ્રાઈવરનો પક્ષ: કોર્ટે નોંધ્યું કે પાલિકાએ વર્ષ 1976ના એવોર્ડનો સરેઆમ ભંગ કર્યો છે, જે મુજબ 720 દિવસની નોકરી બાદ કર્મચારીને કાયમી કરવાનો સ્પષ્ટ નિયમ છે. હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટનો કોઇ સ્ટે ન હોવા છતાં પાલિકાએ જાણીજોઈને અદાલતી આદેશનું અનાદર કર્યો હતો.

કોર્પોરેશનનો લૂલો બચાવ: બીજી તરફ કોર્પોરેશને પોતાનો બચાવ કરતા એવી દલીલ કરી હતી કે, અરજદારની નિમણૂક વર્ષ 1999માં કોઈ પણ સત્તાવાર ભરતી પ્રક્રિયા વિના, માત્ર રોજમદાર તરીકે કરાઈ હોવાથી તેઓ કાયમી કર્મચારી જેવા ભથ્થાં કે લાભો મેળવવા હકદાર નથી.

લેબર કોર્ટનું આકરૂ વલણ, પાલિકાની દલીલો ફગાવી

લેબર કોર્ટે બંને પક્ષોના પુરાવાઓ ધ્યાને લીધા બાદ કોર્પોરેશનની દલીલોને સદંતર ફગાવી દીધી હતી અને ન્યાયાધીશે ચુકાદામાં બહુ આકરી ટિપ્પણી કરી હતી કે, “હાઇકોર્ટ દ્વારા પાલિકાની અપીલ રદ કરાઈ હોવા છતાં, ગરીબ કર્મચારીને તેના કાયદેસરના લેણાંથી વંચિત રાખવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર અને વહીવટી અન્યાય છે.” આ સાથે જ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને 30 દિવસમાં કોર્ટ ખર્ચ સહિતની તમામ રકમ ડ્રાઈવર મોહમ્મદ રફીકને ચૂકવી દેવા આદેશ કર્યો છે.


આ પણ વાંચો:વડોદરાના માંજલપુરમાં ગમખ્વાર અકસ્માત, સગીરનું મોત

આ પણ વાંચો:વડોદરામાં આજવા ચોકડી પાસે ભયાનક અકસ્માત, યુવતીનું ઘટનાસ્થળે જ મોત, પરિવારમાં માતમ

આ પણ વાંચો:વડોદરાના પ્રતાપનગર-બરોડા ડેરી રોડ પર ONGC નજીક ભયાનક અકસ્માત, ત્રણ ઘાયલ