દિલ્હી
ભાજપના વરીષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ અયોધ્યામાં રામ મંદિર વિષે દેશના લોકોને ખાતરી આપી છે. બિહારના પટના ખાતે આયોજિત એક સમારોહને સંબોધતા સ્વામીએ જણાવ્યુ હતું કે, રામ મંદિર આડેના મોટાભાગના અવરોધ દૂર થઈ ચુક્યા છે અને હવે ટૂંક સમયમાં જ મંદિરનું નિર્માણ કાર્ય શરુ કરી દેવામાં આવશે. આપણે ચાલુ સપ્તાહે દિવાળીની ઉજવણી કરવાના છે. પરંતુ હું તમને ખાતરી આપુ છું કે આગામી દિવાળી સુધી રામ મંદિર શ્રદ્ધાળુઓની પૂજા માટે ઉપલબ્ધ હશે.
તેમણે જણાવ્યુ હતું કે, માત્ર વિકાસની વાતો કરવાથી ચુંટણીમાં મત મળવાના નથી. મત જાઈતા હોય તો રામ મંદિર પણ બનાવવુ પડશે અને હિન્દુત્વને પણ યાદ રાખવુ પડશે.
સ્વામી સુબ્રમણ્યમે વધુમાં જણાવતા કહ્યું, અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનશે. એટલુ જ નહીં જગત જનની સીતાના જન્મસ્થળ સીતામઢીમાં પણ ભવ્ય જાનકી મંદિરનું નિર્માણ કરવામાં આવશે. કારણ કે જગત જનની સીતા વિના મર્યાદા પુરુષોત્તમ રામની કલ્પના કરવી પણ શક્ય નથી. માતા સીતાનું આ મંદિર એશિયાનુ સૌથી મોટુ મંદિર હશે, જ્યાં એક યુનિવર્સિટી પણ શરૂ કરવામાં આવશે. દેવોના દેવ મહાદેવના નિવાસ સ્થાન એવા કાશીમાં સિંહેશ્વર સ્થાન પર શિવ મંદિરની સ્થાપના કરવાની પણ અમારી યોજના છે.
