દિવાળી પર્વ એટલે નવા કપડા, મિઠાઇઓ, ફટાકડા, અને હરવા-ફરવાનો ઉત્સવ. પરંતુ હકીકતમાં આ પર્વમાં અનેક પરંપરા અને સંસ્કૃતિ જોડાયેલી છે. જી હા, આજે કાળી ચૌદશના દિવસે પણ પરંપરાગત પૂજન કરવામાં આવે છે. ખાસ કરીને આદિવાસી લોકોમાં દરેક તહેવારની ઉજવણીની અનેરી રીત હોય છે. દાહોદ જિલ્લામાં વસવાટ કરતો આદિવાસી સમાજ કાળી ચૌદશે ગામે-ગામના ઝાંપાનું પૂજન કરે છે.
આદિવાસી લોકોમાં એવી માનતા છે કે દરેક ઘરના ઝાંપાનું પૂજન કરવાથી દિવાળીના દિવસે પિતૃઓની આત્માને શાંતિ મળે છે. એટલુ જ નહીં ઝાંપાની પૂજા-વિધી કર્યા પછી તમામ ઘરની આગળ નૈવેધ પણ ધરાવવામાં આવે છે. જેમાં શ્વાનોને ભોજન કરાવવું તથા બહેન- ભાણેજોને જમાડવા તેમજ ભગવાનને નૈવેદ ધરાવવાની ચાલી આવતી અનોખી પ્રથા અનુસરવામાં આવશે. કેટલાંક લોકો કાળી ચૌદશની વહેલી પરોઢે તો કેટલાંક લોકો દિવસે પણ ઝાંપાની પૂજન વિધિ કરે છે.
કહેવાય છે કે ગામમાં બીમારી ન આવે ને કોઈ મેલીવિદ્યાનો શિકાર ન બને અને પશુધન નિરોગી રહે તે માટે આ ઝાંપાની વિધિ કરવામાં આવે છે.
આજના ઝાંપા આગળ ગાયના છાણથી લીપણ કરી દીવો કરી નાળિયેર વધેરી ઝાપાનું પૂજન કરવામાં આવે છે. વર્ષ દરમિયાન ઘરની આગળ રખેવાળી કરતા ખત્રીઓને આ દિવસે ખાસ યાદ કરવામાં આવે છે. ઝાંપાની વિધિ બે પ્રકારની હોય છે. પહેલો ઝાંપો જેમાં ગામના જ ઝાંપે બધા ભેગા મળી આખી રાત દેવના ગીતો ગાય છે. જેમાં કુકડા બકરાની બલિ આપે છે તેમાં દારૂનું ચલણ પણ જોવા મળે છે. જેને ગાયણીઓ ઝાપો કહેવાય છે જ્યારે બીજો સાદો ઝાંપો જેમાં ભોગ ભાડું આપવામાં આવતું નથી. માત્ર શ્રીફળ અને મીઠાઈ નો ઉપયોગ કરવામાં આવે છે. દાહોદ જિલ્લામાં કેટલાંક લોકો કાળી ચૌદશના રોજ ઝાંપાનું પૂજન કરે છે. તો કેટલાંક લોકો દિવાળીના દિવસે ઝાંપાની પૂજન વિધી કરે છે. અન્ય કેટલાક આદિવાસી લોકો આ પૂજન માટે નવા વર્ષેને શુભવંત્તુ માને છે. આમ કાળી ચૌદશથી શરૂ થતી ઝાપાની વિધિ નવા વર્ષ સુધી ચાલે છે. આ પ્રથા આદિવાસી સમાજમાં જ જોવા મળે છે.
