Ambaji: બનાસકાંઠાના અંબાજી મંદિરમાં તિલક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદના યુવાનો દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. મંદિરમાં પ્રવેશ કરતા ખેલૈયાઓને તિલક કરવામાં આવ્યું છે. વિશ્વ હિંદુ પરિષદના યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
ગરબા રમવા આવેલા ખેલૈયાઓને વિહિપ દ્વારા તિલક કરવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદના યુવાનોને જોઈને ખેલૈયાઓમાં જોશ જોવા મળ્યો હતો. જય શ્રી રામના નારા સાથે ખેલૈયાઓએ મંદિરમાં પ્રવેશ કર્યો હતો. તિલક કરવું એ સનાતન હિંદુ ધર્મની પરંપરા છે. અંબાજી મંદિરમાં વિધર્મી પ્રવેશ ના કરે તે માટે વિહિપના યુવાનો દ્વારા બાજ નજર રાખવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે આ વખતની નવરાત્રિમાં વિહિપ અને બજરંગદળે વિવિધ પ્રકારના ગરબા આયોજનના સ્થળે તિલક લગાવવાના કાર્યક્રમનુ આયોજન પણ કર્યુ છે. ઘણા સ્થળોએ આ કાર્યક્રમ નિર્વિરોધ પૂરો થયો છે અને તેને વ્યાપક આવકાર પણ મળ્યો છે. ફક્ત ગાંધીનગરમાં જ આને લઈને ઘર્ષણ થયું હતું.
નવરાત્રિના બીજા દિવસે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) – બજરંગ દળ અને પોલીસ વચ્ચે ‘ધ શેરીફેર’ના ગરબા દરમિયાન ઘર્ષણ થયું હતું, સૌથી પ્રીમિયમ ગરબામાં બજરંગ દળના કાર્યકરો ગરબામાં તિલક કરવા પહોંચ્યા ત્યારે બાઉન્સરો અને કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી. ત્યારબાદ પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો.
આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જોકે આ સમગ્ર મામલે ગાંધીનગર પોલીસ અને જિલ્લા પોલીસ વડાએ કોઈ સ્પષ્ટતા કરી નથી. જિલ્લા પોલીસ વડા રવિ તેજા વસમ શેટ્ટીએ જણાવ્યું હતું કે, મોડી રાત્રે સરગાસણ પાસેના ઠાકર ફાર્મમાં 50 થી 60 લોકોનું ટોળું આવ્યું હતું. ભીડ દ્વારા બળજબરીથી ગરબામાં પ્રવેશવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેના કારણે ગરબા આયોજકોએ પોલીસને જાણ કરી હતી.
પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો, જેના પગલે પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું અને સામાન્ય લાઠીચાર્જ થયો. જો કોઈ વિધર્મી ગરબામાં હોય તો પોલીસને જાણ કરવી જોઈએ, પરંતુ અમને આવી કોઈ રજૂઆત કે માહિતી મળી નથી. તેણે કોઈ પુરાવા પણ આપ્યા ન હતા. આમ, આ કાયદો પોતાના હાથમાં લેવાનો મામલો હતો અને હાલમાં આ અંગે કોઈ ગુનો નોંધવામાં આવ્યો નથી.
આ પણ વાંચો: અમરેલી જિલ્લામાં નવરાત્રિની રમઝટ, પરસોત્તમ રૂપાલા ગરબે ઘૂમ્યા
આ પણ વાંચો: નવરાત્રિમાં સગર્ભા મહિલાઓએ આ બાબતોનું રાખવું ધ્યાન , ઉપવાસ કરવાનું ટાળવું
આ પણ વાંચો: નવરાત્રિના 9 દિવસના ઉપવાસમાં ભોજનમાં ના કરો આ ભૂલ, વધશે વજન
