Mumbai: ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ અને વૈશ્વિક રોકાણ કંપની કે.કે.આર. એ સંયુક્ત રીતે આજે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે ટોરેન્ટે કે.કે.આર. પાસેથી જે.બી. કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સમાં નિયંત્રણાત્મક હિસ્સો ઇક્વિટી મૂલ્યાંકન પર (સંપૂર્ણપણે ડાયલ્યુટેડ ધોરણે) હસ્તગત કરવા માટે રૂપિયા 25,689 કરોડના કરાર કર્યા છે. જેના પગલે આ બન્ને કંપનીનું વિલીનીકરણ થશે. આ કરાર ટોરેન્ટની ભવિષ્ય માટે તૈયાર, વૈવિધ્યસભર હેલ્થકેર પ્લેટફોર્મ બનાવવાની મહત્વાકાંક્ષાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે, જે ઊભરતી આંતરરાષ્ટ્રીય સી.ડી.એમ.ઓ. ક્ષમતાઓ સાથે ઊંડા ક્રોનિક સેગમેન્ટ વારસાને જોડે છે.
શેર ખરીદી કરાર રૂ. 11,971 કરોડ રૂપિયાનો છે. તેમા પ્રતિ શેર રૂ. 1,600ના ભાવે 46.39 ટકા હિસ્સો ખરીદાશે. તેના પછી શેરધારકો પાસેથી જેે.બી. ફાર્માના 26 ટકા સુધીના શેર ખરીદવા માટે ઓપન ઓફર કરવામાં આવશે. આ ઉપરાંત ટોરન્ટ કે.કે. આર જેટલા જ ભાવે જે.બી. ફાર્માના ચોક્કસ કર્મચારીઓ પાસેથી 2.80 ટકા સુધીના ઇક્વિટી શેર ખરીદશે. આ વ્યવસ્થાના ભાગરૂપે ટોરન્ટ અને જે.બી. ફાર્માનું વિલિનીકરણ થશે. બંને કંપનીના મર્જર પછી જેબી ફાર્માના 100 શેર ધરાવનારને ટોરન્ટના 51 શેર મળશે.
આ કરાર અંગે માહિતી આપતા ટોરેન્ટના કાર્યકારી અધ્યક્ષ સમીર મહેતાએ જણાવ્યું હતું કે, “અમને જે.બી. ફાર્માના ગૌરવપૂર્ણ વારસા સાથે જોડાવાનો અને ભવિષ્ય માટે પ્લેટફોર્મ નિર્માણ કરવાનો આનંદ છે. ભારતમાં ટોરેન્ટની વ્યાપક હાજરી અને જે.બી. ફાર્માના ઝડપથી વિકસતા વ્યવસાય ઉપરાંત સી.ડી.એમ.ઓ. અને આંતરરાષ્ટ્રીય હાજરી સાથે મળીને આવક અને નફાકારકતા બંનેને વધારવાની અપાર સંભાવનાઓ પ્રદાન કરે છે. આ વ્યૂહાત્મક ભાગીદારી ભારતીય ફાર્મા બજારમાં અમારી ઉપસ્થિતિને વધુ મજબૂત બનાવવા અને વૈવિધ્યસભર વ્યાપક વૈશ્વિક હાજરી બનાવવાના અમારા ધ્યેયને આગળ ધપાવે છે. વધુમાં, સી.ડી.એમ.ઓ. પ્લેટફોર્મ ટોરેન્ટ માટે વૃદ્ધિનો એક નવો લાંબા ગાળાનો માર્ગ પૂરો પાડે છે.”
