World News/ ટ્રમ્પે ઈરાન પર નવા હુમલાઓ રોક્યા, યુદ્ધ નહીં પરંતુ વાટાઘાટોને આપી પ્રાથમિકતા

Trump Iran War Update: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર નવા હુમલા રોકવાનો આદેશ આપ્યો છે. 13 દિવસના લશ્કરી તણાવ બાદ ટ્રમ્પે યુદ્ધની જગ્યાએ વાટાઘાટો દ્વારા સમજૂતીનો રસ્તો પસંદ કર્યો. જાણો અમેરિકા-ઈરાન વચ્ચેના તાજા ઘટનાક્રમ વિશે.

Top Stories World
Trump Iran War Update

Trump Iran War Update: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે નવા લશ્કરી હુમલાઓ પર હાલ પૂરતો વિરામ મૂકવાનો નિર્ણય લીધો છે. અમેરિકન મીડિયા અહેવાલો અનુસાર, ટ્રમ્પે ટોચના સલાહકારો અને કેબિનેટ સભ્યો સાથે મહત્વપૂર્ણ બેઠક કર્યા બાદ અમેરિકી સૈન્યને નવા હુમલા ન કરવા નિર્દેશ આપ્યો છે.

અહેવાલો મુજબ, ઈરાન પર સતત 13 દિવસ સુધી ચાલેલા હુમલાઓ બાદ ટ્રમ્પે આ નિર્ણય લીધો છે. તેમણે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તેઓ ઈરાન સાથે પૂર્ણ-સ્તરીય યુદ્ધને બદલે રાજદ્વારી વાતચીત દ્વારા ઉકેલ લાવવા માંગે છે.

અહેવાલોમાં જણાવાયું છે કે અમેરિકી સૈન્ય અધિકારીઓએ ચેતવણી આપી હતી કે જો લશ્કરી કાર્યવાહી લાંબા સમય સુધી ચાલુ રહેશે તો મધ્ય પૂર્વમાં તૈનાત અમેરિકી દળો પાસે પેટ્રિઅટ ઇન્ટરસેપ્ટર મિસાઇલો અને અન્ય હવાઈ સંરક્ષણ શસ્ત્રોનો જથ્થો ઝડપથી ઘટી શકે છે. જેના કારણે ત્યાં તૈનાત અમેરિકી સૈનિકો અને સહયોગી દેશોની સુરક્ષા પર અસર પડી શકે છે.

જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના અધ્યક્ષ જનરલ ડેન કેઈને પણ ટ્રમ્પને સલાહ આપી હતી કે જરૂર પડે તો ફરીથી મોટા પાયે હુમલા શક્ય છે, પરંતુ તે માટે ઉપલબ્ધ સંરક્ષણ સાધનોમાં નોંધપાત્ર ઘટાડો થશે.

અહેવાલો મુજબ, હાલમાં એ સ્પષ્ટ નથી કે હુમલાઓ રોકવાનો નિર્ણય માત્ર થોડા સમય માટે છે કે લાંબા ગાળાનો. જોકે, જો ટ્રમ્પ ફરી હુમલાનો આદેશ આપે તો અમેરિકી દળો ખૂબ જ ટૂંકા સમયમાં કાર્યવાહી શરૂ કરવા સક્ષમ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, યુએસ સૈન્ય હજુ પણ સંભવિત લશ્કરી કાર્યવાહીની વિવિધ યોજનાઓ પર કામ કરી રહ્યું છે, પરંતુ અત્યાર સુધી ટ્રમ્પ તરફથી કોઈ નવી મંજૂરી આપવામાં આવી નથી.

શુક્રવારે પણ અમેરિકી સૈન્યએ ટ્રમ્પ સમક્ષ હુમલાની યોજના રજૂ કરી હતી, પરંતુ તેમણે તેને મંજૂરી આપવાને બદલે હાલ હુમલા ન કરવાની સૂચના આપી હતી.

બાદમાં વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતાં ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકા પાસે હુમલાઓ ચાલુ રાખવાનો અને તેને વધુ તીવ્ર બનાવવાનો વિકલ્પ હજુ પણ ઉપલબ્ધ છે. તેમ છતાં, તેમણે ભારપૂર્વક કહ્યું કે હાલની પરિસ્થિતિમાં ઈરાન સાથે વાટાઘાટો કરીને કરાર સુધી પહોંચવું વધુ સમજદારીભર્યો માર્ગ છે.

ટ્રમ્પે કહ્યું, “અમે હાલમાં ઈરાન સાથે સતત વાતચીત કરી રહ્યા છીએ. મને લાગે છે કે સમય પસાર થતાં તેઓ વાટાઘાટો માટે વધુ ગંભીર બની રહ્યા છે. અમેરિકા લશ્કરી કાર્યવાહી માટે સંપૂર્ણ રીતે તૈયાર છે, પરંતુ હાલ અમારી પ્રાથમિકતા સંવાદ છે.”

બીજી તરફ, ઇઝરાયલી અધિકારીઓએ દાવો કર્યો છે કે અમેરિકી હુમલાનો વધુ એક તબક્કો શરૂ થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને ઇઝરાયલે પોતાની સુરક્ષા તૈયારીઓ વધારી દીધી છે. ઈરાન તરફથી સંભવિત જવાબી હુમલાની આશંકાને કારણે દેશને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યો છે.


આ પણ વાંચો: યુદ્ધ વચ્ચે ટ્રમ્પે કરી ઈરાનની પ્રશંસા, અમેરિકન મહિલાની મુક્તિ બાદ બાઈડેન પર સાધ્યું નિશાન

આ પણ વાંચો: અમેરિકાના હુમલાનો ઈરાનનો વળતો પ્રહાર, બહેરીન-કુવૈત-જોર્ડનમાં અમેરિકી ઠેકાણાઓ પર હુમલાનો દાવો

આ પણ વાંચો: અમેરિકાએ ઈરાન પર દિવસ દરમિયાન હવાઈ હુમલા તેજ કર્યા, પશ્ચિમ એશિયામાં ફરી તણાવની સ્થિતિ