ભારત અને રશિયાનાં સંબંધો છેલ્લા ઘણા દશકોથી સારા રહ્યા છે. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રશિયા હંમેશા ભારતની પડખે ઉભુ રહ્યુ છે. સંબંધોને વધુ સારી ગતિ આપવા ભારત હવે રશિયા પાસેથી રક્ષા મિસાઇલ પ્રણાલી એસ-400 ખરીદી શકે છે. આ પહેલા ચીને આ મિસાઇલને ખરીદવા માટે વર્ષ 2014માં રશિયા સાથે સમાધાન કર્યુ હતુ. રક્ષા મિસાઇલ પ્રણાલી એસ-400ને લઇને ભારત પણ ઘણુ ઉત્સાહી જોવા મળી રહ્યુ છે. જો કે ભારતની આ ઉત્સુક્તા પર બ્રેક મારવા અમેરિકા સામે આવ્યુ છે.

ભારત અને રશિયા વચ્ચે આ પ્રણાલીની ખરીદી માટે ગત વર્ષે ઓક્ટોબરમાં 5 અરબ ડોલરનો સોદો થયો હતો. આ સોદો ભારતનાં વડાપ્રધાન મોદી અને રશિયાનાં રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે વ્યાપક ચર્ચા બાદ થયો હતો. મળી રહેલી માહિતી અનુસાર એસ-400 રક્ષા પ્રણાલી સોદા બાદ અમેરિકા ભારત પર પ્રતિબંધ લગાવી શકે છે. જેનુ કારણ યુ.એસ.એની કોંગ્રેસએ રશિયાથી હથિયારોની ખરીદીને રોકવા માટે Countering America’s Advisories through Sections Act (CAATSA) કાયદો બનાવ્યો હતો. આ કાયદા મુજબ અમેરિકા પ્રતિબંધ લગાવી શકે છે.

અમેરિકી અધિકારીએ જણાવ્યુ કે, જો ભારત એસ-400 મિસાઇલ રક્ષા પ્રણાલી ખરીદવાનાં નિર્ણય પર આગળ વધશે તો તેની સીધી અસર રક્ષા સંબંધો પર પડશે. અધિકારીએ કહ્યું કે, ટ્રમ્પ પ્રશાસન સ્પષ્ટપણે માને છે કે અદ્યતન તકનીક ખરીદવાથી રશિયાને ખોટો સંદેશ મળશે. અને તે પણ એવા સમયમાં કે જ્યારે તે આક્રમક રૂપ ધારણ કરી રહ્યુ છે.
