- કફ સિરપની એક હજાર બોટલ સાથે 2.12 લાખનો મુદ્દામાલ કબજે
- ખેતરમાં ઘાસચારામાં છુપાવી કફ સિરપની બોટલો વેચતા હતા
અમદાવાદ નજીકના બાવળામાં નશાકારક કફ સિરપ બોટલો વેચતા બે શખ્સોની બાવળા પોલીસે ધરપકડ કરી છે. તેમની પાસેથી પોલીસે કફ સિરપની 1061 બોટલો મળીને કુલ રૂ.2,12,840 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે કફ સિરપનો જથ્થો પહોંચાડનારા શખ્સની શોધખોળ હાથ ધરી છે.
બાવળા પોલીસને માહિતી મળી હતી કે કેટલાક શખ્સો બાવળામાં રૂપાલ ચોકડી પાસે આવેલા ક્રિશ્ના ફાર્મ નામના ખેતરની બાજુમાં ઘાસચારાની ઓથમાં ગેરકાયદે નશાકારક કફ સિરપની બોટલો રાખીને વેચાણ કરે છે. જેને આધારે પોલીસે અહીં દરોડો પાડ્યો હતો. અહીંથી પોલીસે બાવળાનાન રહેવાસી જયેશ ઉર્ફે હરીભાઈ રાતડીયા(26) અને મેહુલ ઉર્ફે કકુ કાળુભાઈ રાવળ(20)ની ધરપકડ કરી હતી.

પોલીસે અહીંથી રૃ.1,69,760 ની કિંમતની કફ સિરપની 1061 બોટલો, મોબાઈલ ફોન અને બાઈક મળીને કુલ રૃ.2,12,840 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે કફ સિરપનો આ જથ્થો પહોંચાડનારા વિરમગામના રણજીત સવાભાઈ રાઠોડની શોધખોળ હાથ ધરી છે. બાવળા પોલીસે એનડીપીએસ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વનું છે કે, ડ્રગ્સ માફિયાઓ માટે અમદાવાદ જાણે ડ્રગ્સના નેટવર્કનું હબ બની રહ્યું છે. ડ્રગ્સ માફિયાઓ પર અલગ-અલગ એજન્સીઓએ તવાઈ બોલાવીને ડ્રગ્સ પેડલરો અને ડ્રગ્સ ડીલરોને પકડી રેકોર્ડ બ્રેક ગુના નોંધ્યા છે. વર્ષ 2022ના ચાલુ વર્ષે NDPSના કેસના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. જેમાં MD ડ્રગ્સનો જથ્થો સૌથી વધુ ઝડપી લેવામાં આવ્યો છે. સાથે જ યુવાનોમાં ચરસ, ગાંજો, સિરપ, MD ડ્રગ્સ લેવાનું પ્રમાણ વધતા શહેરમાં ડ્રગ્સની હેરાફેરી વધી છે.અમદાવાદ ક્રાઈમબ્રાંચે ચાલુ વર્ષે 24 કેસ નોંધી 74 જેટલા આરોપીની ધરપકડ કરી છે. જેમાં ડ્રગ્સ પેડલરો અને મદદગારી કરનારની ધરપકડ કરવામાં આવી છે. તો અમદાવાદ SOGએ ચાલુ વર્ષે ડ્રગ્સના 15 કેસ નોંધીને 35 આરોપીની ધરપકડ કરી છે.અને 67 લાખની કિંમતનું 671 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કર્યું છે.. મહત્વપૂર્ણ છે કે ડ્રગ્સના નેટવર્કમાં અમદાવાદમાં ડ્રગ્સ ઘુસાડવા માટે સિલ્ક રૂટ મહારાષ્ટ્ર અને રાજસ્થાન છે. જે બન્ને રાજ્યોના ડ્રગ્સ માફિયાઓ ડ્રગ્સ અમદાવાદ પહોંચાડે છે જેમાં કેરિયર બોય અને ડ્રગ્સ પેડલરનો સૌથી વધુ ઉપયોગ થાય છે. એટલું જ નહીં આ ડ્રગ્સ નેટવર્કમાં દરિયાઇ માછીમારો પણ સંડોવાયેલા હોય છે. જેઓને ડ્રગ્સની હેરાફેરી માટે મોટું કમિશન મળતું હોય છે.
આ પણ વાંચો:મોંઘવારી સામે રામલીલા મેદાનમાં કોંગ્રેસનો હલ્લાબોલ, મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટ્યા
આ પણ વાંચો:જેલ એક્ટ ટૂંક સમયમાં અમલમાં આવશે, કેદીઓને મળશે આધુનિક સગવડ : કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ
