કાનપુર પોલીસે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના પીઆરઓ સેલમાં તૈનાત બે કમ્પ્યુટર ઓપરેટરોની ધરપકડ કરી છે. આ બંને પર સરકાર વિરુદ્ધ બનાવટી સમાચાર બનાવવાનો અને વાયરલ કરવાનો આરોપ છે. આ જ લોકો દ્વારા કરવામાં આવેલી બનાવટી ટ્વીટ્સના પગલે પૂર્વ આઈએએસ અધિકારી સૂર્ય પ્રતાપ શાહી વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસે ધરપકડ કરાયેલા બંને આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે.
પકડાયેલા બંને આરોપીઓનાં નામ આશિષ પાંડે અને હિમાંશુ સૈની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીની પોલીસ તપાસમાં એ વાત સામે આવી છે કે આ લોકો સરકારની છબીને ડામવા માટે નકલી ઓડિયો ક્લિપ્સ વાયરલ કરતા હતા.
ભૂતકાળમાં, આ લોકોએ જ સરકાર વિરુદ્ધ બનાવટી ટ્વીટ કરી હતી. જેના કારણે પૂર્વ આઈએએસ અધિકારી સૂર્ય પ્રતાપ વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ હતી. આ મામલે વધુ વિગતો આપતાં કાનપુરના પોલીસ કમિશનર અરૂણ અસીમે જણાવ્યું હતું કે, બંને ખૂબ જ હોંશિયાર લોકો છે જે સરકારની છબીને દૂષિત કરવા માટે રોજ નવી નવી રણનીતિ અપનાવતા હતા.
તાજેતરમાં જ બંને આરોપીઓએ પટનાના 15 વર્ષીય કિશોરને ફોન કરીને સાબિત કરવાનો પ્રયાસ કર્યો હતો કે જો તમે મુખ્યમંત્રીની તરફેણમાં ટ્વિટ કરો તો તમને 2 રૂપિયા મળશે. પોલીસ હાલમાં આ બંને આરોપીઓની પૂછપરછ કરી રહી છે, જેના ઈશારે તેઓ આ બધું કરી રહ્યા હતા.
