Rain/ શું તમે જાણો છો વરસાદના બાર પ્રકાર? છાંટા, ફરફર, નેવાધાર કોને કહેવાય?

વરસાદ વરસવાના અનેક નામ આપણે રોજ છાપામાં અને ન્યૂઝ ચેનલમાં વાંચીએ છીએ ત્યારે આ વરસાદના 12 અલગ નામ કયા છે. ગુજરાતી લોકસાહિત્ય પ્રમાણે વરસાદના 12 પ્રકારના વરસાદનું વર્ણન કરવામાં આવ્યું છે

Ajab Gajab News

સમગ્ર ગુજરાતમાં અત્યારે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક ભારે વરસાદના કારણે જળ બંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ઘણા ગામો ભારે વરસાદના કારણે બેટમાં ફેરવાઈ ગયા છે અને જીનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. વરસાદ વરસવાના અનેક નામ આપણે રોજ છાપામાં અને ન્યૂઝ ચેનલમાં વાંચીએ છીએ ત્યારે આ વરસાદના 12 અલગ નામ કયા છે. ગુજરાતી લોકસાહિત્ય પ્રમાણે વરસાદના 12 પ્રકારના વરસાદનું વર્ણન કરવામાં આવ્યું છે જે આ મુજબ છે:

ફરફરઃ જેનાથી માત્ર હાથપગના રૂંવાડા જ ભીના થાય તેવો નજીવો વરસાદ.

છાંટાઃ ફરફરથી વધુ વરસાદ.

ફોરાઃ છાંટાથી વધુ- મોટા ટીપાં.

કરાઃ ફોરાથી વધુ પણ જેનું તરત જ બરફમાં રૂપાંતર થઈ જાય તેવો વરસાદ.

પછેડીવાઃ પછેડી (ફેંટા જેવા સાથે રખાતા કપડાની ટુકડો)થી રક્ષણ થાય તેવો વરસાદ.

નેવાધારઃ છાપરાના નેવા ઉપરથી (નળીયા ઉપરથી) પાણી વહે તેવો વરસાદ.

મોલ મેહઃ મોલ એટલે પાકને જરૂરી હોય તેવો વરસાદ.

અનરાધારઃ એક છાંટો, બીજા છાંટાને સ્‍પર્શી જાય અને ધાર પડે તેવો વરસાદ.

મૂશળધારઃ અનારાધારથી તીવ્ર વરસાદ (મુશળ = સાંબેલું ). આ વરસાદને સાંબેલાધાર વરસાદ પણ કહેવામાં આવે છે.

ઢેફાભાંગઃ વરસાદની તીવ્રતાથી ખેતરોમાં માટીના ઢેફા નરમ થઈ તૂટી જાય તેવો વરસાદ.

પાણ મેહઃ ખેતરો પાણીથી છલોછલ ભરાઇ જાય અને કૂવાના પાણી ઉપર આવી જાય તેવો વરસાદ.

હેલીઃ ઉપરના અગિયાર પ્રકારના વરસાદમાંથી કોઈને કોઈ વરસાદ સતત એક અઠવાડીયું ચાલે તેને હેલી કહેવામાં આવે છે.