New Delhi News: દેશની શાળાઓમાં મૂળભૂત સુવિધાઓ અંગે જુલાઈ-ઑગસ્ટ 2026 દરમિયાન સામે આવેલી ઘટનાઓએ શિક્ષણ વ્યવસ્થાની જમીની હકીકત પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. UDISE+ રિપોર્ટ (UDISE+ Report)માં રાષ્ટ્રીય સ્તરે સુવિધાઓમાં સુધારો દર્શાવવામાં આવ્યો છે, પરંતુ અનેક રાજ્યોમાં વિદ્યાર્થીઓને હજુ પણ શિક્ષકો, વીજળી, પીવાનું પાણી, શૌચાલય અને સુરક્ષિત મકાન જેવી મૂળભૂત જરૂરિયાતો માટે વિરોધ પ્રદર્શન કરવું પડી રહ્યું છે.
UDISE+ Reportમાં સુધારો, પરંતુ રાજ્યો વચ્ચે મોટું અંતર
જુલાઈ-ઑગસ્ટ દરમિયાન ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, બિહાર અને પંજાબ સહિત 10થી વધુ રાજ્યોના 25 જિલ્લાઓમાં વિદ્યાર્થીઓએ વિવિધ સમસ્યાઓ સામે અવાજ ઉઠાવ્યો હોવાની માહિતી સામે આવી છે. (Bihar) બિહારના ગયામાં બાળકોએ આશરે 4 કિલોમીટર પદયાત્રા કરીને SDM કચેરીએ રજૂઆત કરી હતી. રાજસ્થાનના અલવરમાં શાળાની છતનો ભાગ ધરાશાયી થયા બાદ વિદ્યાર્થીઓએ સુરક્ષિત મકાનની માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો.
1,00,843 સિંગલ-ટીચર શાળાઓ
શાળાની ઇમારતો અને અન્ય સુવિધાઓ સાથે શિક્ષકોની ઉપલબ્ધતા પણ મોટો પડકાર છે. UDISE+ 2025-26ના આંકડા મુજબ દેશમાં 1,00,843 શાળાઓ માત્ર એક શિક્ષકના સહારે ચાલી રહી છે. આ સ્થિતિ ખાસ કરીને એવા વિસ્તારો માટે ચિંતાજનક છે જ્યાં એક જ શિક્ષકને અનેક ધોરણો અને વિવિધ વિષયો સંભાળવાની ફરજ પડે છે.
મહારાષ્ટ્ર અને રાજસ્થાન (Rajasthan)માં શિક્ષકોની અછત અંગે વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. રાજસ્થાનના જાલોરમાં આશરે 150 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક શિક્ષક હોવાની વિગતો પણ સામે આવી છે. મહારાષ્ટ્રમાં પણ શિક્ષકોની ભરતી અને નિમણૂકની માંગ સાથે વિદ્યાર્થીઓએ અનિશ્ચિત મુદતના ધરણાં કર્યા હોવાના અહેવાલો છે.
વીજળી અને પાણીમાં રાષ્ટ્રીય સુધારો, પરંતુ રાજ્યો વચ્ચે મોટો તફાવત
શિક્ષણ મંત્રાલયના UDISE+ 2025-26ના આંકડા મુજબ રાષ્ટ્રીય સ્તરે આશરે 95% શાળાઓમાં વીજળી, 99.5% શાળાઓમાં પીવાના પાણી અને 98.5% શાળાઓમાં ગર્લ્સ ટોઇલેટની સુવિધા ઉપલબ્ધ છે. પરંતુ રાજ્યવાર આંકડા જોવામાં આવે તો મોટો તફાવત જોવા મળે છે. તમિલનાડુમાં 100% અને કેરળમાં 99.8% શાળાઓમાં વીજળી ઉપલબ્ધ હોવાનું જણાવાયું છે. બીજી તરફ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)માં આ પ્રમાણ 88.8% અને મધ્ય પ્રદેશમાં 90.7% છે.
શૌચાલય અને અન્ય મૂળભૂત સુવિધાઓમાં પણ કેટલાક રાજ્યો રાષ્ટ્રીય સરેરાશથી પાછળ છે. એટલે રાષ્ટ્રીય આંકડા સુધારો દર્શાવતા હોવા છતાં દરેક બાળકને સમાન સ્તરની સુવિધા મળી રહી છે કે નહીં તે મોટો પ્રશ્ન છે.
RTE કાયદો હોવા છતાં અમલીકરણ સામે સવાલ
RTE Act, 2009 હેઠળ બાળકોને શિક્ષણ માટે જરૂરી મૂળભૂત માળખું અને યોગ્ય વાતાવરણ મળવું જરૂરી છે. સુરક્ષિત શાળાનું મકાન, પીવાનું પાણી અને શૌચાલય જેવી સુવિધાઓ શિક્ષણની ગુણવત્તા સાથે સીધી રીતે જોડાયેલી છે.
એક તરફ સરકારી આંકડાઓમાં શાળાકીય સુવિધાઓમાં સુધારો દેખાઈ રહ્યો છે, તો બીજી તરફ વિદ્યાર્થીઓને આ જ મૂળભૂત સુવિધાઓ માટે રસ્તા પર ઉતરવું પડે છે. આ વિરોધાભાસ શિક્ષણ વિભાગના ડેટા, નિરીક્ષણ અને વાસ્તવિક અમલીકરણ વચ્ચેના અંતર અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.
દેશના બાળકો આધુનિક ટેક્નોલોજી કે મોંઘી સુવિધાઓ નહીં, પરંતુ શિક્ષક, વીજળી, પાણી, શૌચાલય અને સુરક્ષિત શાળા જેવી પાયાની જરૂરિયાતો માંગી રહ્યા છે. તેથી હવે માત્ર આંકડાઓમાં સુધારો પૂરતો નથી; દરેક શાળામાં તે સુવિધાઓ વાસ્તવમાં કાર્યરત છે કે નહીં તેની નિયમિત તપાસ અને જવાબદારી નક્કી કરવી પણ એટલી જ જરૂરી બની છે.
આ પણ વાંચો:રાજ્યની શાળાઓમાં કોમ્પ્યુટરની સુવિધા, પરંતુ ઈન્ટરનેટની અસુવિધા
આ પણ વાંચો:રિયાલિટી ચેક: સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામા રણ બસ શાળામાં સુવિધાના નામે મીડું
આ પણ વાંચો:રાજકોટમાં સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓના વિરોધ બાદ સુરક્ષા વધારવાનો લેવાયો નિર્ણય
