india news/ ISROને મોટો ઝટકો! વૈજ્ઞાનિકો છોડી રહ્યાં છે ISRO? 100થી વધુએ આપ્યા રાજીનામા, રાજીનામા બાદ સરકાર એક્શનમાં

ISROમાંથી છેલ્લા એક વર્ષમાં ટપોટપ વૈજ્ઞાનિકોએ રાજીનામું આપતાં સરકાર સતર્ક બની છે. ગગનયાન અને ચંદ્રયાન-3 જેવા મહત્વપૂર્ણ મિશન પર અસર ન પડે તે માટે હવે વૈજ્ઞાનિકોના VRS અને રાજીનામા માટે નવી કડક મંજૂરી પ્રક્રિયા અમલમાં મુકાઈ. જાણો સંપૂર્ણ સમાચાર..

India Breaking News
ISRO

India News: ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ISRO) વિશ્વની અગ્રણી સ્પેસ એજન્સીઓમાં સ્થાન ધરાવે છે. ચંદ્રયાન-3, આદિત્ય-L1 અને ગગનયાન જેવા મહત્વાકાંક્ષી મિશનોથી ભારતે વૈશ્વિક સ્તરે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. પરંતુ હવે ISROમાં અનુભવી વૈજ્ઞાનિકોના સતત રાજીનામાએ સરકારની ચિંતા વધારી છે. છેલ્લા એક વર્ષમાં 100થી વધુ વૈજ્ઞાનિકોએ સંસ્થા છોડતાં રાષ્ટ્રીય અંતરિક્ષ પ્રોજેક્ટ્સ પર તેની અસર પડવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે હવે વૈજ્ઞાનિકોના રાજીનામા અને સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS) અંગે નવી અને કડક પ્રક્રિયા અમલમાં મૂકી છે.

ISROમાંથી 100થી વધુના રાજીનામા

 સંસ્થા કે સરકાર દ્વારા હજુ સુધી સત્તાવાર રીતે આંકડા જાહેર કરવામાં આવ્યા નથી, પરંતુ વિવિધ અહેવાલો મુજબ ISROના મુખ્ય કેન્દ્રોમાંથી નોંધપાત્ર સંખ્યામાં વૈજ્ઞાનિકોએ રાજીનામું આપ્યું છે. વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC)માં અંદાજે 4,577 કર્મચારીઓ કાર્યરત છે. અહીંથી છેલ્લા નાણાકીય વર્ષ દરમિયાન ઓછામાં ઓછા 20 વૈજ્ઞાનિકોએ રાજીનામું આપ્યું હોવાનું જણાવાય છે. તેમાં LVM-3ના પ્રોજેક્ટ ડાયરેક્ટર વિક્ટર જોસેફનું નામ પણ સામેલ છે. બીજી તરફ યુ.આર. રાવ સેટેલાઇટ સેન્ટર (URSC)માંથી લગભગ 80 જેટલા કર્મચારીઓએ સંસ્થા છોડી હોવાનું કહેવાય છે. તેમાં SpaDeX મિશનના પ્રોજેક્ટ ડાયરેક્ટર તથા ચંદ્રયાન-3ના પ્રોજેક્ટ મેનેજર (સિમ્યુલેશન) આદિત્ય રલ્લાપલ્લીનો પણ સમાવેશ થાય છે.

રાષ્ટ્રીય મિશનો પર અસર પડતાં સરકાર સતર્ક 

ભારતીય અંતરિક્ષ કાર્યક્રમ માટે છેલ્લા કેટલાક મહિના ચિંતાજનક રહ્યા છે. ISROના અનેક અનુભવી વૈજ્ઞાનિકો અને ટેક્નિકલ નિષ્ણાતોએ સરકારી સંસ્થા છોડીને ખાનગી સ્પેસ કંપનીઓમાં જોડાવાનો નિર્ણય લીધો છે. સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા એક વર્ષ દરમિયાન અંદાજે 100થી 120 કર્મીઓએ ISROમાંથી રાજીનામું (Resignation) આપ્યું છે. તેમાં ગગનયાન, ચંદ્રયાન-3 અને અન્ય મહત્વપૂર્ણ મિશન સાથે જોડાયેલા પ્રોજેક્ટ ડાયરેક્ટર અને મેનેજર સ્તરના અધિકારીઓ પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે. સરકારનું માનવું છે કે આવા અનુભવી અધિકારીઓના અચાનક રાજીનામાથી રાષ્ટ્રીય મહત્વના પ્રોજેક્ટ્સના સમયપત્રક અને કામગીરી પર સીધી અસર પડી શકે છે.

સરકારે રાજીનામા અને VRS માટે નવી પ્રક્રિયા મૂકી અમલમાં

વૈજ્ઞાનિકોના સતત રાજીનામાને ધ્યાનમાં રાખીને અંતરિક્ષ વિભાગ (Department of Space – DoS) દ્વારા 14 જુલાઈએ આંતરિક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. નવા નિયમો અનુસાર હવે ગ્રુપ-Aના વૈજ્ઞાનિકો અને ટેક્નિકલ અધિકારીઓના રાજીનામા અથવા સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS)ને સ્થાનિક સ્તરે સરળતાથી મંજૂરી આપવામાં આવશે નહીં. જો કોઈ વૈજ્ઞાનિક મહત્વપૂર્ણ સ્પેસ મિશન સાથે સંકળાયેલા હશે તો સંબંધિત સેન્ટરના ડાયરેક્ટર પોતે નિર્ણય લઈ શકશે નહીં. આવા તમામ કેસ હેડક્વાર્ટરને મોકલવામાં આવશે અને અંતિમ મંજૂરી ત્યાંથી જ આપવામાં આવશે. સરકારનો ઉદ્દેશ્ય મહત્વના પ્રોજેક્ટ્સ દરમિયાન માનવ સંસાધનનું નુકસાન અટકાવવાનો છે.

વૈજ્ઞાનિકો ISRO છોડીને ખાનગી કંપનીઓમાં કેમ જઈ રહ્યા છે?

નિષ્ણાતોના મતે ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ખાનગી સ્પેસ ઉદ્યોગ ઝડપથી વિકસ્યો છે. અનેક નવી સ્પેસ ટેક્નોલોજી કંપનીઓ ઉભી થઈ રહી છે, જેને અનુભવી વૈજ્ઞાનિકો (Scientists)ની ભારે જરૂરિયાત છે. આ કંપનીઓ ISROની સરખામણીએ વધુ આકર્ષક વેતન, આધુનિક સંશોધન સુવિધાઓ, ઝડપી કારકિર્દી વિકાસ અને નવા પ્રયોગો માટે વધુ સ્વતંત્રતા આપે છે. આર્થિક લાભ ઉપરાંત ટેક્નોલોજી અને નવીનતા ક્ષેત્રે વધુ અવકાશ મળતું હોવાથી પણ ઘણા વૈજ્ઞાનિકો ખાનગી ક્ષેત્ર તરફ આકર્ષાઈ રહ્યા હોવાનું માનવામાં આવે છે.

ISRO પ્રમુખે શું કહ્યું?

ISROના અધ્યક્ષ વી. નારાયણને આ નવી પ્રક્રિયાને સામાન્ય વહીવટી સુધારા તરીકે વર્ણવી છે. તેમના જણાવ્યા અનુસાર, મહત્વપૂર્ણ સ્પેસ મિશન દરમિયાન અનુભવી વૈજ્ઞાનિકો અચાનક સંસ્થા છોડે તો પ્રોજેક્ટની કામગીરી અને સમયમર્યાદા પર અસર પડી શકે છે. તેથી દરેક રાજીનામાની પ્રક્રિયાની ઉચ્ચ સ્તરે સમીક્ષા કરવી જરૂરી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ નિર્ણયનો હેતુ કોઈના અધિકારો પર નિયંત્રણ લાવવાનો નથી, પરંતુ રાષ્ટ્રીય મહત્વના પ્રોજેક્ટ્સને સતત અને સુવ્યવસ્થિત રીતે આગળ વધારવાનો છે.

ભારતના સ્પેસ સેક્ટર માટે શું છે પડકાર?

ભારતમાં ખાનગી સ્પેસ સેક્ટરના વિકાસને સરકાર પ્રોત્સાહન આપી રહી છે. એક તરફ આ વિકાસ અંતરિક્ષ ક્ષેત્ર માટે સકારાત્મક છે, પરંતુ બીજી તરફ ISRO જેવી સરકારી સંસ્થામાંથી અનુભવી વૈજ્ઞાનિકોનું સતત સ્થળાંતર નવા પડકારો ઊભા કરી રહ્યું છે. આગામી સમયમાં ગગનયાન (Gaganyaan), ચંદ્રયાન (Chandrayaan 3)ના આગામી તબક્કા અને અન્ય મહત્વપૂર્ણ મિશન સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે અનુભવી માનવ સંસાધન જાળવી રાખવું સરકાર અને ISRO માટે સૌથી મોટી પ્રાથમિકતા બની રહેશે.


આ પણ વાંચો: ISRO 2028માં અવકાશ મથકનું પ્રથમ મોડ્યુલ લોન્ચ કરશે

આ પણ વાંચો: ISRO એ ઉપગ્રહ ‘અન્વેષા’ લોન્ચ કર્યો, મિશન PS3 તબક્કામાં ટેકનિકલ ખામીનો સામનો કરવો પડ્યો

આ પણ વાંચો: PSLV-C62 ના પ્રક્ષેપણ માટે કાઉન્ટડાઉન શરૂ, ISRO આજે 2026 ના પ્રથમ અવકાશ મિશનનું પ્રક્ષેપણ કરશે