UGC New Regulation 2026 Rowlatt Act Comparison: યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતા લાવવા માટે જાહેર કરાયેલા નવા રેગ્યુલેશન ‘Promotion of Equity in Higher Education Institutions Regulations, 2026’ ને લઈને દેશભરમાં વિવાદ ફાટી નીકળ્યો છે. ઉત્તર પ્રદેશના બરેલીના મેજિસ્ટ્રેટ અલંકાર અગ્નિહોત્રીએ આ નિયમોની તુલના અંગ્રેજોના ક્રૂર ‘રોલેટ એક્ટ’ સાથે કરીને પોતાના પદ પરથી રાજીનામું આપી દેતા ખળભળાટ મચી ગયો છે.
શું છે UGCનો નવો નિયમ?
UGCનો દાવો છે કે આ નિયમ કોલેજ અને યુનિવર્સિટી કેમ્પસમાં જાતિગત ભેદભાવ ખતમ કરવા અને તમામ વિદ્યાર્થીઓને સમાન તક આપવા માટે બનાવવામાં આવ્યો છે. આ માટે દરેક સંસ્થામાં ‘ઇક્વિટી સેન્ટર’, ‘ઇક્વિટી કમિટી’ અને ‘ઇક્વિટી સ્ક્વોડ’ બનાવવાની જોગવાઈ છે.

રોલેટ એક્ટ (Rowlatt Act) શું હતો?
વર્ષ 1919માં બ્રિટિશ સરકાર દ્વારા ભારતમાં રાષ્ટ્રવાદી આંદોલનોને કચડી નાખવા માટે રોલેટ એક્ટ લાવવામાં આવ્યો હતો, જેને ભારતીયો ‘કાળા કાયદા’ તરીકે ઓળખતા હતા. આ કાયદાની ભયાનકતા એ હતી કે સરકાર માત્ર શંકાના આધારે જ કોઈપણ વ્યક્તિની ધરપકડ કરી જેલમાં ધકેલી શકતી હતી. આમાં ધરપકડ કરાયેલ વ્યક્તિને કોઈ વોરંટ, ટ્રાયલ કે વકીલની સુવિધા મળતી નહોતી અને સૌથી ગંભીર બાબત એ હતી કે આ કાયદા હેઠળ થયેલી કાર્યવાહી વિરુદ્ધ ક્યાંય અપીલ પણ કરી શકાતી નહોતી.

કેમ થઈ રહી છે રોલેટ એક્ટ સાથે તુલના?
વિરોધ કરનારાઓ અને મેજિસ્ટ્રેટ અગ્નિહોત્રીના મતે UGCના નવા નિયમો રોલેટ એક્ટ જેવા ‘ભયાનક’ છે, કારણ કે તેમાં પીડિતની લેખિત ફરિયાદ પર પુરાવા વગર જ તેની ઓળખ ગુપ્ત રાખીને પોલીસ કાર્યવાહી કરવાની જોગવાઈ છે. આ નિયમોમાં જો કોઈ અંગત અદાવતમાં ખોટી ફરિયાદ કરે અને તે સાબિત થાય, તો આક્ષેપ કરનાર સામે શું પગલાં લેવાશે તેની કોઈ સ્પષ્ટતા નથી. વધુમાં, ઇક્વિટી કમિટી કે સ્ક્વોડમાં ‘સામાન્ય વર્ગ’ના પ્રતિનિધિત્વનો અભાવ પક્ષપાતની આશંકા જન્માવે છે. વિરોધ પક્ષનો આક્ષેપ છે કે આ નિયમો મૌલિક અધિકારો અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર અંકુશ લાવી શિક્ષણ સંસ્થાઓમાં ભયનું વાતાવરણ ઊભું કરશે.
નિષ્ણાંતોનો મત
એક તરફ સરકાર તેને સામાજિક ન્યાયનું પગલું ગણાવે છે, તો બીજી તરફ શિક્ષણવિદો માને છે કે જો આ નિયમોમાં સુધારો કરવામાં નહીં આવે, તો નિર્દોષ પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ ખોટા કેસનો ભોગ બની શકે છે.
આ પણ વાંચો: UGC નવો કાયદો! સવર્ણ સમાજમાં આક્રોશની જ્વાળા, યુપીથી રાજસ્થાન સુધી સરકાર સામે મોરચો!
આ પણ વાંચો: UGCનો મોટો નિર્ણય, હવે એક જ સમયે લીધેલી બે ડિગ્રીને પણ માન્યતા, લાખો વિદ્યાર્થીઓને રાહત
આ પણ વાંચો: ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માટે UGC NET પરીક્ષાની જરૂર નહીં
