New Delhi News : કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY)ના કરોડો લાભાર્થીઓને અસર કરતો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકાર દ્વારા ઉજ્જવલા યોજના હેઠળ વાર્ષિક મળતા સબસિડીવાળા LPG Cylinder સંખ્યા 9માંથી ઘટાડીને 4 કરવામાં આવી છે. આ નિર્ણયથી દેશભરના લાખો ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો પર સીધી અસર પડી શકે છે.
સબસિડીવાળા LPG Cylinderની સંખ્યામાં ઘટાડો કરાયો
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘરેલુ ગેસના સરેરાશ વપરાશ અને સબસિડીના વધતા બોજને ધ્યાનમાં રાખીને આ ફેરફાર અમલમાં મૂકવામાં આવ્યો છે. સરકારનું માનવું છે કે મોટાભાગના લાભાર્થી પરિવારો વર્ષ દરમિયાન મર્યાદિત ગેસનો ઉપયોગ કરે છે, તેથી સબસિડીવાળા સિલિન્ડરની સંખ્યામાં ઘટાડો કરાયો છે.
તાજેતરના વર્ષોમાં LPG Cylinderના ભાવમાં સતત વધારો જોવા મળ્યો છે. બીજી તરફ સરકાર પર સબસિડીનો ખર્ચ પણ નોંધપાત્ર રીતે વધ્યો છે. આર્થિક દબાણ ઘટાડવા અને સબસિડી વ્યવસ્થાને વધુ વ્યવસ્થિત બનાવવા માટે સરકારે આ પગલું ભર્યું હોવાનું માનવામાં આવે છે.
ઉજ્જવલા યોજના હેઠળ ગરીબ પરિવારોને સ્વચ્છ ઇંધણ ઉપલબ્ધ કરાવવા માટે મફત ગેસ કનેક્શન આપવામાં આવે છે. આ યોજનાથી કરોડો મહિલાઓને ધુમાડામુક્ત રસોડાનો લાભ મળ્યો છે. જોકે હવે સબસિડીવાળા સિલિન્ડરની સંખ્યા ઘટતા લાભાર્થીઓને વધારાનો ખર્ચ સહન કરવો પડી શકે છે.
આ નિર્ણય અંગે વિવિધ વર્ગોમાં મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કેટલાક લોકો સરકારના ખર્ચ નિયંત્રણના પ્રયાસોને યોગ્ય ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક લાભાર્થીઓ આ નિર્ણયને આર્થિક બોજ વધારનાર ગણાવી રહ્યા છે.
