Gujarat News : આણંદ જિલ્લાના ઉમરેઠ ગામમાં ત્રણ દિવસ અગાઉ ત્યજી દીધેલ હાલતમાં નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બાળકને જન્મ આપનાર મનોદિવ્યાંગ યુવતીએ મેજિસ્ટ્રેટ સમક્ષ કબૂલાત કરતાં જણાવ્યું છે કે, મંદિરનો પૂજારી કાંતિ વાઘેલા છેલ્લાં એક વર્ષથી રોજ બપોરે મંદિરની અગાસી ઉપરથી જમવાનું લેવા માટે બૂમ પાડી બોલાવતો હતો અને ત્યારબાદ રસોડામાં લઇ જઈ દુષ્કર્મ આચરતો હતો. આ કબૂલાતને આધારે પોલીસે મંદિરના પૂજારી વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
આણંદ જિલ્લાના ઉમરેઠ ગામમાં રામ તળાવ આવેલું છે. આ તળાવ નજીક ત્રણ દિવસ અગાઉ ત્યજી દીધેલી હાલતમાં એક મૃત બાળક મળી આવ્યું હતું. જે તે વખતે પોલીસની ટીમે સ્થળ પર પહોંચીને નવજાત મૃત બાળકનો કબજો લઈ પી.એમ અર્થે હોસ્પિટલમાં મોકલી આપ્યું હતું અને તપાસ હાથ ધરી હતી. જેમાં ત્યાં નજીકમાં જ રહેતી એક મનોદિવ્યાંગ યુવતી સવારના સમયે ઘરની બહાર શૌચાલય જવા ગઈ ત્યાં બાળક જન્મી પડ્યું હતું. જે બાદ પરિવારજનોએ આ નવજાત બાળકને કોથળામાં ભરી ત્યાં નજીકમાં જ મૂકી દીધું હતું અને યુવતીને સારવાર અર્થે સૌ પ્રથમ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં અને ત્યારબાદ અમદાવાદની હોસ્પિટલમાં લઈ ગયા હોવાનું જણાઈ આવ્યું હતું.બીજી બાજુ આ બાળકને જન્મ આપનાર યુવતિના પરિવારજનોએ તે જ દિવસે રાત્રે BAPS સ્વામિનારાયણ મંદિર આગળ એકત્રિત થઈ હોબાળો મચાવ્યો હતો અને મંદિરના પૂજારી ઉપર દુષ્કર્મના આરોપ મુક્યો હતો. યુવતિના પિતાએ જણાવ્યું હતું કે, જ્યારથી આ સ્વામિનારાયણ મંદિરની ઈંટ મુકાઈ ત્યારથી મારા બા આ મંદિરમાં કામ કરતાં હતાં. મારા બા ના અવસાન બાદ મારી પત્ની અને પુત્રી મંદિરમાં કામ કરતાં હતાં. મારી પુત્રી મંદબુદ્ધિની છે અને બપોરે ટીફીન લેવા મંદિર જતી હતી.
આ દરમિયાન મંદિરના પૂજારીએ બળાત્કાર કરી મારી પુત્રીને ગર્ભવતી બનાવી હતી. તે સવારે ઘરની બહાર શૌચાલય જવા ગઈ ત્યાં બાળક જન્મી પડ્યું હતું. મારી પુત્રીને બ્લિડીંગ વધુ થતું હોવાથી સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયાં હતાં અને ત્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. મંદિરના પૂજારીએ મારી પુત્રીને ચપ્પું મારી જાનથી મારી નાંખીશ તેવી ધમકીઓ આપી હતી. એટલે મારી પુત્રીએ કોઈને જણાવ્યું ન હતું તેવા ગંભીર આક્ષેપો મુક્યાં હતાં.આ આક્ષેપના આધારે પોલીસે બાળકને જન્મ આપનાર યુવતિની પુછપરછ કરી હતી. પરંતુ, શરૂઆતમાં યુવતિ કાંઈ બોલી ન હતી. જોકે, બાદમાં આ યુવતીએ મેજિસ્ટ્રેટ સમક્ષ સ્વામિનારાયણ મંદિરના પૂજારી એ દુષ્કૃત્ય કર્યું હોવાનું કબુલ્યું હતું.
આ યુવતિએ જણાવ્યું છે કે, મંદિરનો પૂજારી કાંતિ વાઘેલા છેલ્લાં એક વર્ષથી રોજ બપોરે મંદિરની અગાસી ઉપરથી જમવાનું લેવા માટે બૂમ પાડી બોલાવતો હતો અને ત્યારબાદ રસોડામાં લઈ જઈ દુષ્કર્મ આચરતો હતો. આ કબુલાતના આધારે ઉમરેઠ પોલીસે મંદિરના પૂજારી કાંતિ વાઘેલા વિરુદ્ધ આઈ.પી.સી કલમ 376(2)એલ, 376(2)એન મુજબનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.યુવતીની માતાએ આપેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, પોતાના ઘરની પાસે આવેલ સ્વામિનારાયણ મંદિરમાં પુજારી પાસે ભગવાનનાં થાળનું જમવાનું લેવા અવારનવાર જતાં હોય ત્યારે મંદિરના પુજારી દ્વારા મારી મનોદિવ્યાંગ પુત્રીને મંદિરમાં આવેલા રસોડામાં લઈ જઈ અવારનવાર બળાત્કાર ગુજારવામાં આવતો હતો. દરમિયાન મારી પુત્રીને ગર્ભ રહી ગયેલ અને બાળકને જન્મ આપ્યો હતો. આ બાળક મૃત જન્મેલ હોય તેને વહેલી સવારના ઉમરેઠ રામ તળાવ ખાતે ત્યજી દીધું હતું.
આ અંગે ઉમરેઠ પોલીસ મથકના પોલીસ સબ ઈન્સ્પેક્ટર જી એમ પાવરા એ જણાવ્યું છે કે, અમદાવાદ સિવિલમાં ભોગ બનનાર મનોદિવ્યાંગ યુવતીએ મેજિસ્ટ્રેટ સમક્ષ સ્વામિનારાયણ મંદિરના પૂજારીએ દુષ્કૃત્ય કર્યું હોવાનું જણાવ્યું છે, જે બાદ યુવતીની માતાની ફરીયાદના આધારે મંદિરના પૂજારી કાંતિ વાઘેલા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. મંદિરના પૂજારી કાંતિ વાઘેલાની પૂછપરછ કરી તેના ડી.એન.એ ટેસ્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો:સાબરકાંઠા જિલ્લાના માર્ગો પર મોતની સવારી આર.ટી.ઓ વિભાગ કાર્યવાહી કરવામાં નિષ્ફળ
આ પણ વાંચો:સાબરકાંઠા અકસ્માતઃ ગાંભોઈ ભિલોડા હાઇવે પર બે બાઇક ટકરાતા બેનાં મોત અને એકને ઇજા