Gujarat News: ગુજરાતમાં અનેક ગામોનાં નામ એટલાં અનોખાં અને રસપ્રદ (Unique Village Names in Gujarat) છે કે પહેલીવાર સાંભળનારને નવાઈ લાગે. ક્યાંક ગામનું નામ મલાઈ છે, તો ક્યાંક ભાખરી, ખાખરા અને ઢોંસા. એટલું જ નહીં, રાજ્યમાં ચૂડેલ, ડોન, સિંગાપુર અને વોલ્ગા નામનાં ગામો પણ આવેલાં છે. ગુજરાતનાં ગામોનાં નામ પાછળ વ્યવસાય, ખાદ્ય વાનગીઓ, વૃક્ષો, પ્રાણીઓ અને સ્થાનિક પરંપરાઓ સાથે જોડાયેલી ઓળખ જોવા મળે છે. રાજ્યનાં 34 જિલ્લામાં આવેલાં 18,225 ગામોમાંથી આવાં અનેક ગામોનાં નામ આજે પણ લોકોમાં કુતૂહલ જગાવે છે.
Unique Village Names in Gujarat: ગુજરાતમાં એક જ નામનાં અનેક ગામો
ગુજરાતમાં એક જ નામ ધરાવતાં અનેક ગામો હોવાથી ઘણીવાર ગામનું નામ સાંભળીને તેનો જિલ્લો કે તાલુકો સ્પષ્ટ કરવો પડે છે. રાજ્યમાં સૌથી વધુ 55 ગામોનાં નામ નવાગામ છે. આ ઉપરાંત 39 ગામ રામપુરા, 35 ગામ કોટડા, 29 ગામ વાવડી અને 28 ગામ પીપળીયા નામથી ઓળખાય છે. રાજ્યમાં 21 ગામ લાલપુર, 19 ગામ રતનપુર અને 22 ગામ હડમતિયા નામ ધરાવે છે.
![]()
ગામનાં નામ પાછળ ઘણીવાર ત્યાંની વસાહત, સ્થાનિક લોકો, જ્ઞાતિ સમૂહો અને પરંપરાઓનો પ્રભાવ જોવા મળે છે. સમય જતાં વસાહતો મહેસૂલી ગામ તરીકે ઓળખાવા લાગી અને તેમનાં નામ જ ગામ તથા ગામવાસીઓની ઓળખ બની ગયાં.
વ્યવસાય પરથી પડ્યાં છે ગામોનાં નામ
ગુજરાતનાં કેટલાંક ગામોનાં નામ સ્થાનિક વ્યવસાય સાથે જોડાયેલાં છે. તાંબા-પિત્તળનાં વાસણ બનાવતા કંસારા સમાજ પરથી બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં કંસારાવીડ અને આણંદના ખંભાત તાલુકામાં કંસારી નામનાં ગામ છે.
![]()
માટીનાં વાસણ બનાવતા કુંભાર વ્યવસાય પરથી કુંભારિયા અને કુંભારવાડા નામનાં ગામો ઓળખાય છે. સુથાર વ્યવસાય સાથે જોડાયેલાં સુથારવાડા ગામ ઉપરાંત સોનીપુર અને સોનારિયા નામનાં ગામો પણ રાજ્યમાં આવેલાં છે. ખેતીના વ્યવસાય સાથે ખેડા અને ખેડબ્રહ્મા નામ જોડાયેલાં છે.
અમદાવાદ જિલ્લામાં ભાટ અને બારોટવાડા નામનાં ગામો બારોટ સમાજ સાથે જોડાયેલી ઓળખ ધરાવે છે. જ્યારે અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં ચમારડી અને મોચીવાડા નામનાં ગામો આવેલાં છે. ગાયોના ગોપાલન સાથે જોડાયેલાં ગોવાળિયા અને ગોપાલપુરા નામનાં ગામો પણ ગુજરાતમાં જોવા મળે છે.
મલાઈ, ભાખરી, ખાખરા અને ઢોંસા નામનાં ગામો પણ છે!
ગુજરાતમાં ખાદ્ય વાનગીઓ અને ખાદ્ય પદાર્થોના નામ પરથી ઓળખાતાં ગામોની યાદી પણ રસપ્રદ છે. અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકામાં ભાત, સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકામાં તુવેર અને સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકામાં રઈ નામનું ગામ છે. સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં કારેલા અને નર્મદાના ડેડિયાપાડા તાલુકામાં લાડવા નામનું ગામ આવેલું છે.
![]()
આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લામાં સાકર, કચ્છના ભુજ તાલુકામાં ઢોંસા, મોરબીના ટંકારા તાલુકામાં ખાખરા અને છોટાઉદેપુર જિલ્લામાં ગાંઠિયા નામનાં ગામો છે. ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં મલાઈ નામનું ગામ છે. ભાવનગરના મહુવા તાલુકામાં ગોરસ અને વાવ-થરાદના વાવ તાલુકામાં ભાખરી નામનું ગામ આવેલું છે. આણંદના બોરસદ તાલુકામાં દિવેલ નામનું ગામ પણ છે.
વૃક્ષો અને વનસ્પતિ પરથી પણ ગામોનાં નામ
ગુજરાતનાં કેટલાંક ગામોનાં (Gujarat Villages) નામ વૃક્ષો અને વનસ્પતિ સાથે જોડાયેલાં છે. ખાખરાના વૃક્ષ પરથી ખાખપા અને ખાખરાળા નામનાં ગામો ઓળખાય છે. અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં જીરા અને દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકામાં ભીંડી નામનું ગામ છે.
શેરડી નામનાં બે ગામો છે, જેમાં એક જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં અને બીજું માંડવી તાલુકામાં આવેલું છે. છોટાઉદેપુરના પાવી જેતપુરમાં કાંદા નામનું ગામ છે.
જાંબુડી અને બોરડી નામનાં નવ-નવ ગામો છે. આંબલી નામનાં સાત, ગુંદી નામનાં પાંચ અને પીપરડી નામનાં ચાર ગામો છે. ખજુરી અને વડલા નામનાં ત્રણ-ત્રણ ગામો છે. મોગરા નામનાં બે, કેતકી નામનું એક અને વડ નામનાં ચાર ગામો રાજ્યમાં આવેલાં છે. અમદાવાદ નજીક થોળ નામનું ગામ પણ છે.
ચૂડેલ, ડોન અને સિંગાપુર નામનાં ગામો પણ ગુજરાતમાં
ગુજરાતમાં કેટલાંક ગામોનાં નામ સાંભળીને રમૂજ (Funny Village Names) પણ થાય છે. છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકામાં ચૂડેલ નામનું (Chudel Village) ગામ આવેલું છે. જોકે, આ નામ પાછળ ચૂડીના વેપાર સાથે જોડાયેલી ઓળખ હોવાનું જણાવાય છે.
![]()
મહીસાગર જિલ્લામાં કાકાના ચામરિયા અને સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકામાં મામાના પીપળા નામનાં ગામો છે. બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં ગંજી, કાળી માટી અને ચીકણવાસ નામનાં ગામો આવેલાં છે. કચ્છના માંડવી તાલુકામાં ડોન, જ્યારે અબડાસા તાલુકામાં દર્દવાંઢ અને ભૌ નામનાં ગામો છે. અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં ઉંટવડ નામનું ગામ પણ આવેલું છે.
ગુજરાતનાં ગામોનાં નામ વિદેશી દેશો સાથે પણ જોડાયેલાં
ગુજરાતમાં વિદેશી દેશો અને સ્થળોનાં નામ પરથી ઓળખાતાં ગામો પણ છે. ડાંગ જિલ્લામાં ઘાના, દાહોદના લીમખેડા તાલુકામાં સિંગાપુર અને અરવલ્લી જિલ્લામાં વોલ્ગા નામનું ગામ આવેલું છે.
આ ઉપરાંત રાજ્યમાં માત્ર એક અક્ષરનાં નામ ધરાવતાં ચાર ગામો પણ છે. ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં પા, કચ્છના અબડાસા તાલુકામાં પે, ભચાઉ તાલુકામાં મૈ અને દાહોદના ગરબાડા તાલુકામાં ભે નામનાં ગામો આવેલાં છે. ગુજરાતનાં આ ગામોનાં નામ માત્ર તેમની આગવી ઓળખ (Gujarat Interesting Facts) જ નથી, પરંતુ તેમની પાછળ છુપાયેલી સ્થાનિક પરંપરા, વ્યવસાય અને સંસ્કૃતિની ઝલક પણ દર્શાવે છે. નામ ભલે ગમે તેવું હોય, દરેક ગામ પોતાની આગવી ઓળખ અને સંસ્કાર સાથે ગુજરાતની ધરોહરને જીવંત રાખે છે.
આ પણ વાંચો: રસ્તા પર લોકોના પગ પકડતો રહ્યો વાનર…પછી એમ્બ્યુલન્સમાં બેસીને પહોંચ્યો હોસ્પિટલ..!
આ પણ વાંચો: 20 વર્ષ સુધી દાઢી ન કરી…54 વર્ષીય શખ્સે બનાવ્યો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ…5 ફીટથી લાંબી દાઢી!
આ પણ વાંચો: અહીં પ્રાણીઓ આઝાદ છે અને માણસો પિંજરામાં કેદ થાય છે! અનોખા મ્યુઝીયમનો વીડિયો વાયરલ…
