US Commando Rescue Iran: ઈરાનના દુર્ગમ પહાડી વિસ્તારોમાં દુશ્મનોની વચ્ચે 48 કલાક સુધી મોત સામે જંગ લડતા એક અમેરિકન એરફોર્સ ઓફિસરને બચાવવા માટે અમેરિકી કમાન્ડોએ એક અકલ્પનીય રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું છે. રાતોરાત કરવામાં આવેલા આ એરસ્ટ્રાઈક અને કમાન્ડો ઓપરેશનનો ક્લાઈમેક્સ કોઈ હોલિવૂડ એક્શન ફિલ્મ કરતા કમ નહોતો. ખુદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ મિશનની સફળતાની પુષ્ટિ કરતા કહ્યું, “અમે તેને શોધી કાઢ્યો છે!”
દુશ્મનની ધરતી પર કેવી રીતે ફસાયો પાયલટ?
તાજેતરમાં ઈરાની સેનાએ અમેરિકાનું F-15E Strike Eagle ફાઈટર જેટ તોડી પાડ્યું હતું. વિમાન ક્રેશ થતા પહેલા બંને પાયલટ ઈજેક્ટ થઈ ગયા હતા. જેમાંથી એક પાયલટને તરત જ બચાવી લેવાયો હતો, પરંતુ બીજો ક્રૂ મેમ્બર (જે કર્નલ અને વેપન સિસ્ટમ સ્પેશિયાલિસ્ટ હતો) ઈરાનના ખતરનાક પહાડી વિસ્તારોમાં ગાયબ થઈ ગયો હતો. ત્યારબાદ અમેરિકાએ પોતાના જવાનને પરત લાવવા સૌથી મોટું રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું.
એક પિસ્તોલ અને 48 કલાકની ખૌફનાક રાતો
દુશ્મન દેશની ધરતી પર પેરાશૂટથી લેન્ડ થયા બાદ આ પાયલટ સતત 48 કલાક સુધી ઈરાની સેનાથી બચતો રહ્યો. ઈરાની સેનાએ તેની શોધખોળ માટે મોટું ઈનામ જાહેર કર્યું હતું અને સ્થાનિકોની પણ મદદ લઈ રહી હતી. આ મુશ્કેલ સમયમાં પાયલટ પાસે માત્ર એક પિસ્તોલ, સિગ્નલ માટે ડિસ્ટ્રેસ બીકન, GPS ટ્રેકર અને સિક્યોર કમ્યુનિકેશન ડિવાઇસ જેવી જ વસ્તુઓ હતી. આ મર્યાદિત સાધનોની મદદથી જ તે પહાડોમાં છુપાઈને સતત અમેરિકી સેનાના સંપર્કમાં રહ્યો અને પોતાની લોકેશન બદલતો રહ્યો.
અંધારામાં Commandoની એન્ટ્રી
અમેરિકી સેના માટે સૌથી મોટી પ્રાથમિકતા એ હતી કે ઈરાની સેના પાયલટ સુધી પહોંચે તે પહેલા જ તેને રેસ્ક્યુ કરવો. રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિર્દેશ પર રાતના અંધારામાં ડઝનબંધ લડાકુ વિમાનો, એટેક હેલિકોપ્ટર્સ અને સ્પેશિયલ કમાન્ડો ફોર્સે ઈરાનની સરહદમાં એન્ટ્રી કરી.
જ્યારે ઈરાની સેનાનો કાફલો પાયલટની નજીક પહોંચવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે અમેરિકી વિમાનોએ તેમના પર ભારે બોમ્બમારો કર્યો. ભયંકર ફાયરિંગ અને દબાણ વચ્ચે અમેરિકી કમાન્ડો પાયલટ સુધી પહોંચી ગયા અને તેને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો.
અમેરિકાએ પોતાના જ વિમાનો ઉડાવી દીધા
આ કોઈ સામાન્ય ઓપરેશન નહોતું. એક અમેરિકી અધિકારીના જણાવ્યા મુજબ, સ્પેશિયલ ઓપરેશનના ઈતિહાસમાં આ સૌથી કઠિન મિશન હતું. ઓપરેશન દરમિયાન એક અમેરિકી હેલિકોપ્ટર પર ફાયરિંગ થયું હતું અને એક A-10 વિમાન ફારસની ખાડી (Persian Gulf) માં ખાબક્યું હતું. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, રેસ્ક્યુ માટે મોકલેલા બે ટ્રાન્સપોર્ટ વિમાનોમાં ખરાબી આવી ગઈ હતી. દુશ્મન ઈરાન આ વિમાનો પર કબ્જો ન જમાવી લે, તે માટે અમેરિકી સેનાએ તે બંને વિમાનોને ત્યાં જ બોમ્બથી ઉડાવી દીધા હતા! જોકે, આ ઘટનામાં પાયલટને ઈજાઓ પહોંચી છે, પરંતુ તે સુરક્ષિત છે અને ઝડપથી સ્વસ્થ થવાની અપેક્ષા છે.
આ પણ વાંચો:પૂર્વ IAEA ચીફ મોહમ્મદ અલ-બરાદેઈનો ટ્રમ્પ પર હુમલો: “આ પાગલને અટકાવો!”
આ પણ વાંચો:મધ્ય પૂર્વ યુદ્ધ વચ્ચે, ભારતે મોટું પગલું ભર્યું, 7 વર્ષ પછી ઈરાન પાસેથી તેલ,LPG ખરીદી ફરી શરૂ કરી
આ પણ વાંચો:પરમાણુ ખતરો વધ્યો! ઈરાનની ચેતવણીથી ખાડી દેશોમાં ભયનો માહોલ
