US Israel Iran War: મધ્ય પૂર્વ (Middle East) માં તણાવ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. ઈરાન સામે હવે અમેરિકા અને ઈઝરાયેલે સંયુક્ત રીતે મોરચો ખોલી દીધો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ઈરાન સામે ‘આરપારની લડાઈ’ના સંકેત આપી દીધા છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ઈરાનને પરમાણુ તાકાત બનવા દેવામાં આવશે નહીં, તો બીજી તરફ નેતન્યાહુએ ઈરાનમાં સત્તા પરિવર્તનની ખુલ્લી ચેતવણી આપી છે.
“ઈરાનની નેવી અને મિસાઈલ ઈન્ડસ્ટ્રી ખતમ કરી નાખીશું”
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર એક વીડિયો જાહેર કરીને દુનિયાને ચોંકાવી દીધી છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે અમેરિકાએ ઈરાનમાં ‘મેજર કોમ્બેટ ઓપરેશન્સ’ શરૂ કરી દીધા છે, જેનો મુખ્ય હેતુ અમેરિકન નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો અને ઈરાની શાસનનો ખાતમો બોલાવવાનો છે. તેમણે ઈરાની સેના (IRGC) ને તાત્કાલિક શરણાગતિ સ્વીકારવાની ચેતવણી આપતા ચીમકી ઉચ્ચારી છે કે જો આમ નહીં થાય, તો અમેરિકા ઈરાનની મિસાઈલ ઈન્ડસ્ટ્રીને જમીનદોસ્ત કરી દેશે અને તેમની નેવી (નૌકાદળ) ને પણ સંપૂર્ણપણે તબાહ કરી નાખશે. વધુમાં, પરમાણુ મુદ્દે પણ ટ્રમ્પે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ઈરાન ચોરીછૂપીથી પરમાણુ કાર્યક્રમ અને લાંબા અંતરની મિસાઈલો વિકસાવી રહ્યું છે, જે હવે કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં.

નેતન્યાહુની હુંકાર: “ઓપરેશન રોર ઓફ ધ લાયન”
બીજી તરફ, ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ રાષ્ટ્રજોગ સંબોધનમાં ઈરાન સામેના યુદ્ધને ‘ઓપરેશન રોર ઓફ ધ લાયન’ (Operation Roar of the Lion) નામ આપીને ઈરાનમાં સત્તા પલટનો સ્પષ્ટ સંકેત આપ્યો છે. નેતન્યાહુએ આક્રમક તેવર સાથે કહ્યું હતું કે છેલ્લા ૪૭ વર્ષથી ઈરાનનું વર્તમાન શાસન ઈઝરાયેલ અને અમેરિકાના મોતની કામના કરી રહ્યું છે, પરંતુ હવે સુપ્રીમ લીડર ખામેનીને સત્તા પરથી હટાવવાનો સમય પાકી ગયો છે. આ ઉપરાંત, તેમણે ઈરાનની પ્રજા એટલે કે ફારસી, કુર્દ અને બલૂચ સમુદાયને આ અત્યાચારી શાસન સામે અવાજ ઉઠાવવા માટે સીધી હાકલ કરી છે.
US Israel Iran War: બે વિનાશક યુદ્ધ જહાજો તહેનાત
ઈરાનને ઘેરવા માટે અમેરિકાએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે અને મધ્ય પૂર્વમાં વિશ્વના સૌથી મોટા તેમજ ખતરનાક એરક્રાફ્ટ કેરિયર્સ તહેનાત કરી દીધા છે. આ કાફલામાં સામેલ USS Gerald R. Ford એ વિશ્વનું સૌથી મોટું યુદ્ધ જહાજ છે, જે પરમાણુ રિએક્ટરથી ચાલે છે અને પોતાની સાથે ૭૫ થી વધુ ફાઈટર જેટ્સ લઈ જઈ શકે છે. આ ઉપરાંત, USS Abraham Lincoln પણ ત્યાં હાજર છે; જે પણ એક ન્યુક્લિયર પાવર્ડ જહાજ છે અને તે એકસાથે ૯૦ વિમાનો સાથે હુમલો કરવા માટે સંપૂર્ણ સક્ષમ છે.

ઈરાનનો વળતો પ્રહાર અને અંધારપટ
અમેરિકા અને ઈઝરાયેલના હુમલા બાદ ઈરાને પણ જવાબી કાર્યવાહી કરી છે. રિપોર્ટ્સ મુજબ, ઈરાને ઈઝરાયેલ તરફ 400 થી વધુ મિસાઈલો છોડી છે. જોકે, યુદ્ધની સ્થિતિ વચ્ચે ઈરાનમાં ઈન્ટરનેટ સેવા લગભગ ઠપ થઈ ગઈ છે. નેટબ્લોક્સના રિપોર્ટ મુજબ, દેશમાં માત્ર 4% ઈન્ટરનેટ જ ચાલુ છે, જેના કારણે ત્યાંની વાસ્તવિક સ્થિતિ જાણવી મુશ્કેલ બની છે.
આ પણ વાંચો: ઈરાન પર હુમલો થતાં જ પાકિસ્તાનો બદલો સ્વર: ‘આ બિનજરૂરી…
આ પણ વાંચો: ઇઝરાયલે ઇરાન પર કર્યો મોટો હુમલો, તેહરાનમાં વિસ્ફોટો અને આકાશમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા
આ પણ વાંચો: ઈરાને એકસાથે 7 દેશો પર કર્યા મિસાઈલ હુમલા, UAE અને કુવૈતે તાત્કાલિક એરસ્પેસ કર્યું બંધ
