Ebola Virus India Advisory 2026: આફ્રિકાના કેટલાક ભાગોમાં ઈબોલા વાઈરસના કેસો ઝડપથી વધ્યા બાદ ભારત સરકાર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા મંગળવારે આ અંગે એક પબ્લિક હેલ્થ એડવાઈઝરી (આરોગ્ય માર્ગદર્શિકા) જાહેર કરવામાં આવી છે. મંત્રાલયે સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરી છે કે ભારતમાં હાલ ઈબોલાનો એક પણ કેસ નોંધાયો નથી, પરંતુ તકેદારીના ભાગરૂપે આ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. ખાસ કરીને આફ્રિકાથી પરત ફરેલા મુસાફરોને વધુ સાવધ રહેવા અપીલ કરાઈ છે.
મુસાફરો માટે 21 દિવસની દેખરેખ ફરજિયાત
આરોગ્ય મંત્રાલયે એડવાઈઝરીમાં સ્પષ્ટ આદેશ આપ્યા છે કે જે વ્યક્તિઓએ છેલ્લા 21 દિવસમાં ઈબોલા(Ebola Virus) પ્રભાવિત દેશોનો પ્રવાસ કર્યો હોય અથવા ત્યાંથી ટ્રાન્ઝિટ (પસાર) થયા હોય, તેમણે પોતાના સ્વાસ્થ્ય પર ખાસ નજર રાખવી પડશે. નિષ્ણાતોના મતે, આ વાઈરસનો ઇન્ક્યુબેશન પિરિયડ (લક્ષણો દેખાવાનો સમય) 2 થી 21 દિવસનો હોય છે, તેથી આ સમયગાળો અત્યંત મહત્વપૂર્ણ છે.
⚠️ Health Advisory on Ebola Disease
As on 2nd June, 2026, there are no cases of Ebola disease reported in the country.However, if you have travelled from or transited through an Ebola-affected country in the last 21 days and develop symptoms such as fever, headache, muscle… pic.twitter.com/dSn8w7J1WM
— Ministry of Health (@MoHFW_INDIA) June 2, 2026
Ebola Virus ના લક્ષણો
જો આ 21 દિવસ દરમિયાન નીચે મુજબના કોઈ પણ લક્ષણો (Ebola Virus) દેખાય, તો ગભરાયા વગર તરત જ પોતાની જાતને આઇસોલેટ (અલગ) કરી લેવી જોઈએ:
તીવ્ર તાવ અને માથાનો અસહ્ય દુખાવો
સ્નાયુઓમાં દુખાવો અને નબળાઈ
ઊલટી અને ઝાડા થવા
શરીરમાંથી અચાનક લોહી નીકળવું
સરકારે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર
મંત્રાલયે લક્ષણોની વહેલી જાણ કરવા પર ભાર મૂકતા કહ્યું છે કે, સમયસર આઇસોલેશન અને સારવાર દર્દીનો જીવ બચાવી શકે છે. કોઈપણ પ્રકારની માહિતી, માર્ગદર્શન કે તાત્કાલિક તબીબી સહાય માટે સરકારે 24 કલાક કાર્યરત રાષ્ટ્રીય હેલ્પલાઈન નંબર 1075 જાહેર કર્યો છે, જેના પર નાગરિકો ગમે ત્યારે સંપર્ક કરી શકે છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના જણાવ્યા અનુસાર, ઈબોલા એક અત્યંત ગંભીર અને જીવલેણ રોગ છે, જેમાં સરેરાશ મૃત્યુદર 50 ટકા જેટલો ઊંચો રહે છે (જે કેટલાક કિસ્સાઓમાં 25 થી 90 ટકા સુધી પણ હોઈ શકે છે). આ વાઈરસ સંક્રમિત વ્યક્તિ કે પ્રાણીના લોહી, લાળ અથવા શારીરિક પ્રવાહીના સીધા સંપર્કમાં આવવાથી ફેલાય છે, જેથી એરપોર્ટ પર પણ સ્ક્રીનિંગ કડક કરી દેવાયું છે.
આ પણ વાંચો: કોરોના બાદ હવે ઇબોલા વાયરસનો ખતરો? દિલ્હી એરપોર્ટ પર DGHS એ જાહેર કરી એડવાઇઝરી
આ પણ વાંચો:આફ્રિકામાં ઇબોલા વાયરસનો આઉટબ્રેક, સંક્રમિતોની સંખ્યા 320ને પાર થતાં WHO એલર્ટ
આ પણ વાંચો: અમદાવાદ: ઇબોલા વાયરસને લઈને AMC સજજ
