Vadodara Manjalpur Crime News: સંસ્કારી નગરી વડોદરાના માંજલપુર વિસ્તારમાંથી જાહેરમાં ગુંડાગીરી અને હિંસક હુમલાની એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. માંજલપુરમાં આવેલી મારુતિધામ સોસાયટી પાસે જૂની અદાવત અને પોલીસને જુગાર અંગેની બાતમી આપવાની શંકા રાખીને એક આધેડ યુવક પર ત્રણ શખસોએ પથ્થર, પટ્ટા અને ઢીકા-પાટુ વડે ઘાતકી હુમલો કર્યો હતો. આ હિંસક હુમલામાં યુવક માથા અને આંખના ભાગે ગંભીર રીતે લોહીલુહાણ થતાં તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેના આધારે માંજલપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Vadodara : મિત્ર સાથે ઉભેલા યુવક પર તૂટી પડ્યા ત્રણ શખસો
મળતી સત્તાવાર માહિતી મુજબ, વડોદરાના માંજલપુર વિસ્તારમાં જ્યુપિટર ચોકડી પાસે આવેલી મારુતિધામ સોસાયટીમાં રહેતા અને છૂટક મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા 40 વર્ષીય નિપુલ પટેલે આ મામલે ઓફિશિયલ પોલીસ ફરિયાદ નોંધાવી છે. નિપુલભાઈ સોસાયટી નજીક આવેલી નીલકંઠ જ્વેલર્સ પાસે તેમના એક મિત્ર સાથે ઊભા હતા અને વાતચીત કરી રહ્યા હતા, તે દરમિયાન અચાનક અંગત અદાવત રાખીને ત્રણ યુવકો ત્યાં ધસી આવ્યા હતા અને કોઈ કંઈ સમજે તે પહેલાં જ હુમલો કરી દીધો હતો.

“પોલીસને બાતમી કેમ આપી?” કહી ગંદી ગાળો ભાંડી
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ત્યાં રહેતા ઉમેશ પાટીલ, કમલેશ પાટીલ અને રુપેષ ઉર્ફે રાહુલ શૈલેષભાઈ પાટીલ નામના ત્રણ ઈસમો નીલકંઠ જ્વેલર્સ પાસે આવ્યા હતા. ત્યાં આવીને કમલેશ પાટીલે નિપુલભાઈને ધમકાવતા કહ્યું કે, “તું મારા વિશે બજારમાં ખોટી અફવાઓ કેમ ફેલાવે છે કે હું જુગાર રમાડું છું? અને તેં મારા જુગારના અડ્ડા અંગે પોલીસને બાતમી કેમ આપી છે?” તેમ કહી જાહેરમાં ગંદી ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. નિપુલભાઈએ ગાળો બોલવાની ના પાડતા જ ત્રણેય આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને નિપુલભાઈ પર ઢીકા-પાટુનો વરસાદ કરી દીધો હતો.
પથ્થર અને પટ્ટાના આડેધડ ઘા ઝીંક્યા
હુમલો એટલો ભયાનક હતો કે આરોપીઓએ જીવ લેવાની કોશિશ કરી હતી. બોલાચાલી દરમિયાન આવેશમાં આવીને ઉમેશ પાટીલે રસ્તા પરથી એક મોટો પથ્થર ઉપાડ્યો હતો અને નિપુલભાઈના માથા તેમજ કપાળના ભાગે જોરથી માર્યો હતો, જેના કારણે લોહીની ધારાઓ વહેવા લાગી હતી. આ દરમિયાન ઉમેશના પિતા કમલેશ પાટીલે પોતાના હાથમાં પટ્ટો વીંટાળીને નિપુલભાઈના શરીર પર આડેધડ ફટકારવાનું શરૂ કર્યું હતું અને એ પટ્ટાનો એક જોરદાર ઘા આંખ પર વાગતા નિપુલભાઈની ડાબી આંખમાં ગંભીર ઇજા પહોંચી હતી.

જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓ ફરાર
જાહેરમાં આતંક મચાવ્યા બાદ આરોપી ઉમેશ પાટીલ જતાં-જતાં નિપુલભાઈને જો હવે પોલીસને કઈ કીધું તો ‘જાનથી મારી નાખવાની’ ધમકી આપીને પોતાના સાગરીતો સાથે ત્યાંથી નાસી છૂટ્યો હતો. આસપાસના લોકો એકઠા થઈ જતાં ઘવાયેલા નિપુલભાઈને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. આ ચકચારી ઘટના સંદર્ભે માંજલપુર પોલીસે ત્રણેય નરાધમો સામે કાયદેસરની કલમો હેઠળ ગુનો નોંધી, સીસીટીવી ફૂટેજના આધારે ફરાર આરોપીઓની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
