બંટી-બબલી :સોશિયલ મીડિયાના યુગમાં ટેક્નોલોજીનાં ઉપયોગની સાથે દૂરોપયોગ પણ વધી ગયા છે. અમદાવાદનાં રાણીપનાં યુવકને હાઈપ્રોફાઈલ મહિલાઓ સાથે સેક્સ કરીને પૈસા કમાવવાની લાલચ આપીને પૈસા પડાવનાર બંટી-બબલી ની સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. આ બન્નેએ ભેગા મળી યુવક પાસેથી 7.10 લાખ રૂપિયા પડાવ્યા હોવાનુ ખુલ્યુ છે.
સોશિયલ મીડિયા પર અજાણી મહિલા સાથેની મીત્રતા તમને ભારે પડી શકે છે. સોશિયલ મીડિયા પર મીત્રતા કેળવી જો કોઈ તમને યુવતીઓ સાથે ડેટિંગ, મિટિંગ અને હાઈપ્રોફાઈલ યુવતીઓ સાથે સેક્સ કરી તેને શારીરિક સંતોષ આપી સારા એવા રૂપિયા કમાવવાની લાલચ આપે છે તો ચેતી જજો. કારણ કે અમદાવાદનાં યુવકે આવી લાલચમાં આવીને લાખો રૂપિયા ગુમાવ્યા છે. આ બંટી-બબલી નું નામ છે આકાશ લાલવાણી અને જૈમિકા પટેલ. આ બન્ને જણાએ ભેગા મળીને રાણીપનાં યુવકને ફસાવી 7.10 લાખ રુપિયા પડાવ્યા હતા.
આ મામલે સાયબર ક્રાઈમમાં ગુનો નોંધાતા જ પોલીસે આરોપીઓનાં મોબાઈલ નંબરનાં લોકેશન તપાસતા તે વડોદરાનાં હોવાનુ ખુલતા સાયબર ક્રાઈમે વડોદરાનાં આકાશ લાલવાણી અને જૈમિકા પટેલની ધરપકડ કરી હતી. આરોપી બંટી બબલી પાસેથી સાયબર ક્રાઈમે 3 મોબાઈલ ફોન, અલગ અલગ બેંકની પાસબુક, ચેકબુક અને ડેબીટ કાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપીઓના નામે 8 ફેક ફેસબુક પ્રોફાઈલ હોવાનુ પણ સામે આવ્યુ હતુ.
પકડાયેલા બંટી બબલીની સોશિયલ મીડિયામાં અનેક પ્રોફાઈલ હોવાનુ જાણવા મળતા આ બન્નેએ અન્ય કેટલા યુવકોને સેક્સ કરી પૈસા કમાવવાની લાલચ આપીને ઠગ્યા છે. તે દિશામાં સાયબર ક્રાઈમે તપાસ હાથ ધરી છે. તેમજ આ બન્નેની સાથે આ ગુનામાં અન્ય કોઈ સામેલ છે કે કેમ તે અંગે માહિતી મેળવવા તજવીજ શરૂ કરી છે.
