Valsad Youth Death Case: દક્ષિણ ગુજરાતના વલસાડ શહેરમાંથી આજે રવિવારે બપોરે એક અત્યંત કરુણ અને ચકચારી ઘટના સામે આવી છે, જેને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. વલસાડના જાણીતા અને પ્રતિષ્ઠિત ગણાતા ‘સરદાર હાઇટ્સ’ (Sardar Heights) બિલ્ડિંગના તેરમા માળેથી એક 22 વર્ષીય આશાસ્પદ યુવકે પડતું મૂકીને જીવન ટૂંકાવી લીધું છે. આત્મહત્યા કરનાર યુવકની ઓળખ માનવ પટેલ તરીકે થઈ છે. યુવક બિલ્ડિંગની દમણગંગા વિંગના 13મા માળેથી નીચે કૂદ્યો તે આખી ભયાનક ઘટના ત્યાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર, મૃતક યુવક ડોમિનોઝ પિઝામાં ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો અને આર્થિક ભીંસના કારણે તેણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

CCTVમાં કેદ થઈ માનવની છેલ્લી 10 મિનિટની હલચલ
બિલ્ડિંગના 13મા માળના પેસેજમાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસતા માનવ પટેલની અંતિમ ક્ષણોની હૃદયદ્રાવક ગતિવિધિઓ સામે આવી છે. બપોરે 01:14 વાગ્યે માનવ દમણગંગા વિંગના 13મા માળે પહોંચે છે અને તે જે બાજુથી કૂદવાનો હતો ત્યાં નજર ફેરવીને લોબીમાં અહીં-તહીં જોવા લાગે છે. ત્યારબાદ તે પોતાના મોબાઇલ ફોનમાં કંઈક ચેક કરે છે અને કશુંક ટાઇપ કરતો દેખાય છે, તેમજ તે ખૂબ જ બેચેન હાલતમાં દીવાલ પાછળ ચોરીછૂપીથી જોતો પણ નજરે પડે છે. આ દરમિયાન લોબીની દીવાલ પર વારાફરતી બે કબૂતર આવીને બેસે છે ત્યારે પણ તે ડાફેરા મારે છે અને થોડીવાર પછી સીસીટીવી કેમેરા તરફ જોઈને પોતાનો મોબાઇલ નીચે મૂકે છે તથા ટી-શર્ટથી મોઢા પરનો પરસેવો લૂછે છે. અંતે તે બે હાથથી પેસેજની દીવાલ પકડીને નીચે જુએ છે અને કોઈ ઉપરથી જોતું તો નથી ને તેની ખાતરી કરે છે તથા બરાબર 10 મિનિટની ભારે માનસિક મથામણ બાદ, તે અચાનક જમણો પગ દીવાલ પર ચડાવે છે અને પેટના ટેકે બીજો પગ બહારની તરફ લઈને સીધી મોતની છલાંગ લગાવી દે છે.
ગણતરીની સેકન્ડોમાં લોકો દોડ્યા
તેરમા માળેથી યુવક નીચે પટકાતાં જ આખા કોમ્પ્લેક્સમાં એક બહુ જ મોટો પ્રચંડ અવાજ થયો હતો. અવાજ સાંભળતા જ ગણતરીની સેકન્ડોમાં ફ્લેટના દરવાજા ખુલ્યા હતા, જેમાં એક પુરુષ અને મહિલા બહાર દોડી આવ્યા હતા. લોહીલુહાણ હાલતમાં પડેલા 22 વર્ષના યુવકને જોતા જ રહીશોના કાળજા કંપી ઉઠ્યા હતા. ગંભીર અને જીવલેણ ઈજાઓ થવાના કારણે યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ધોળા દિવસે બનેલી આ ઘટનાને પગલે સરદાર હાઇટ્સ અને આસપાસના વિસ્તારમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
આર્થિક સંકડામણ અને પરિવારની જવાબદારીનો બોજ
સ્થાનિક સૂત્રો અને મિત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૃતક માનવ પટેલ ડોમિનોઝ પિઝામાં ડિલિવરી બોય તરીકે નોકરી કરીને માંડ-માંડ પોતાનું ગુજરાન ચલાવતો હતો. છેલ્લા કેટલાક સમયથી તેની ફાઈનાન્સિયલ કન્ડિશન (આર્થિક સ્થિતિ) ખૂબ જ નબળી ચાલી રહી હતી. આર્થિક તંગી અને પરિવારની જવાબદારીઓના મોટા બોજ તળે તે સતત ભારે માનસિક તણાવ અને ડિપ્રેશનમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. આખરે રોજ-રોજની આ આર્થિક ભીંસથી હારીને માનવે મોત વહાલું કરવાનો આકરો નિર્ણય લીધો હોવાનું પ્રાથમિક તારણ છે.
Valsad સિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
આ ગંભીર અને આઘાતજનક ઘટનાની જાણ સ્થાનિક સોસાયટીના સેક્રેટરી દ્વારા તાત્કાલિક વલસાડ સિટી પોલીસને કરવામાં આવી હતી. માહિતી મળતા જ પોલીસ કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને કબજે કરી, જરૂરી પંચનામું કરીને પીએમ (Post-Mortem) અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. વલસાડ સિટી પોલીસે આ મામલે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી, સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે. પોલીસ દ્વારા યુવકના પરિવારજનોની પૂછપરછ અને આગળની કાયદેસરની તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો: વલસાડમાં કેરી તોડવા જેવી નજીવી બાબતે મહિલાની હત્યા, સગીર આરોપી ઝડપાયો
આ પણ વાંચો: વલસાડમાં ડુંગરા પોલીસનો સપાટોઃ સીસીટીવી ન લગાવનારા ચાલ સંચાલકોની ધરપકડ
આ પણ વાંચો: વલસાડ જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી: વાપી, ધરમપુર અને કપરાડામાં ધોધમાર વરસાદથી રાહત
