Junagadh News/ વંથલી નગરપાલિકાનો પોતાની જ સરકાર સામે મોરચો: ઓઝતની રેતી લીઝ સામે 19 સભ્યોનો વિરોધ, હાઇકોર્ટ જવાની તૈયારી

જૂનાગઢના વંથલીમાં ઓઝત નદીની રેતી લીઝ (Vanthali Ojat River Sand Lease) અને નવી બ્લોક સિસ્ટમ મુદ્દે રાજકીય ગરમાવો વધ્યો છે. ભાજપ સંચાલિત વંથલી નગરપાલિકાના તમામ 19 સભ્યોએ લીઝના વિરોધમાં ઠરાવ કર્યો હોવાનો દાવો છે.

Top Stories Gujarat Others Breaking News
Vanthali Ojat River Sand Lease: ઓઝત નદીની રેતી લીઝ સામે વંથલી નગરપાલિકાનો વિરોધ

Junagadh News: જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં ઓઝત નદી વિસ્તારમાં નવી રેતી લીઝ (Vanthali Ojat River Sand Lease) અને બ્લોક સિસ્ટમને લઈને રાજકીય તેમજ વહીવટી વિવાદ વકર્યો છે. રાજ્ય સરકાર દ્વારા ઓઝત નદી વિસ્તારમાં રેતીની લીઝ અને બ્લોક સિસ્ટમ અંગે કરવામાં આવેલી જાહેરાત સામે વંથલી નગરપાલિકાના શાસકોએ જ વિરોધ નોંધાવ્યો છે.

નગરપાલિકાના તમામ 19 સભ્યોએ આ મુદ્દે એકસૂરે વિરોધ દર્શાવી બોર્ડ બેઠકમાં ઠરાવ પસાર કર્યો હોવાનું જણાવાયું છે. નગરપાલિકાના શાસકોના મતે રેતી ખનનથી પીવાના પાણીના કૂવા, ખેડૂતોની સિંચાઈ વ્યવસ્થા અને પર્યાવરણને નુકસાન થવાની શક્યતા છે.રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કર્યા બાદ પણ યોગ્ય ઉકેલ ન આવતાં હવે નગરપાલિકા વતી ગુજરાત હાઇકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

મુખ્યમંત્રી અને અગ્ર સચિવ સમક્ષ રજૂઆતનો દાવો

વંથલી નગરપાલિકાના પ્રમુખ રાકેશ ત્રાંબડીયાના જણાવ્યા મુજબ, ઓઝત નદીમાં લીઝના મુદ્દે નગરપાલિકાના પ્રતિનિધિઓએ 20 જુલાઈએ ગાંધીનગર જઈને મુખ્યમંત્રી અને અગ્ર સચિવ સમક્ષ રજૂઆત કરી હતી.તેમણે જણાવ્યું હતું કે નગરપાલિકાના તમામ બોર્ડ સભ્યોએ સાથે મળીને ઠરાવ પસાર કર્યો છે અને ઓઝત નદીમાં રેતી લીઝ (Vanthali Ojat River Sand Lease)ના બ્લોક મંજૂર ન થાય તે માટે કાનૂની તથા વહીવટી કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.નગરપાલિકા દ્વારા યાશીન અગવાનની હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવાની પ્રક્રિયા માટે નિમણૂક કરવામાં આવી હોવાનું પણ જણાવાયું છે.

પીવાના પાણી અને સિંચાઈને નુકસાનની ચિંતા

વંથલી નગરપાલિકાના ભાજપના સદસ્ય અને પાણી સમિતિના ચેરમેન યાશીન અગવાને જણાવ્યું હતું કે ઓઝત નદી વિસ્તારમાં અગાઉ પણ રેતી લીઝને લઈને વિરોધ થયો હતો.તેમના જણાવ્યા મુજબ, 2015-16 દરમિયાન ઓઝત વિસ્તારના ડેમ અને કોઝવે વિસ્તારમાં ત્રણ વર્ષ માટે લીઝ મંજૂર કરવામાં આવી હતી. ત્યારે નગરપાલિકા અને ગ્રામજનોએ વિરોધ કર્યો હતો અને વંથલી બંધ પણ રહ્યું હતું. બાદમાં 5 જૂન 2018ના રોજ કલેક્ટર દ્વારા લીઝ (Vanthali Ojat River Sand Lease) રદ કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.યાશીન અગવાનના જણાવ્યા મુજબ, હાલ સરકાર દ્વારા નવી બ્લોક સિસ્ટમ હેઠળ જાહેરાત કરવામાં આવી છે, જેનો નગરપાલિકા સખત વિરોધ કરી રહી છે.

તેમણે દાવો કર્યો હતો કે આ વિસ્તારમાં પીવાના પાણીના કૂવા આવેલા છે અને સિંચાઈ વિભાગ તરફથી પણ લીઝ ન આપવા અંગે નકારાત્મક અહેવાલો આપવામાં આવ્યા છે. રેતી ખનન અને ભારે વાહનોની અવરજવરથી પાણીની ગુણવત્તા પર અસર થતી હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો.

‘આર્થિક સ્વાર્થ નથી, શહેરના હિતનો પ્રશ્ન’: ભાજપ સદસ્ય

યાશીન અગવાને સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે નગરપાલિકાના વિરોધ પાછળ કોઈ આર્થિક હિત કે વ્યક્તિગત સ્વાર્થ નથી, પરંતુ વંથલી શહેરના પાણી અને લોકોના હિતનો પ્રશ્ન છે.તેમણે વિરોધપક્ષના નેતાઓને પણ આ મુદ્દે નગરપાલિકા સાથે સરકાર સમક્ષ રજૂઆત કરવા આવવાનું આહ્વાન કર્યું હતું. જો તેઓ ખરેખર લીઝ (Vanthali Ojat River Sand Lease) બંધ કરાવવાની તરફેણમાં હોય તો નગરપાલિકાના ઠરાવમાં સહી કરવા પણ તેમણે અપીલ કરી હતી.

કોંગ્રેસનો વળતો પ્રહાર

બીજી તરફ વંથલી શહેર કોંગ્રેસ પ્રમુખ સિરાજ વાજાએ નગરપાલિકાના શાસકોના વિરોધને લઈને સવાલો ઉઠાવ્યા છે.સિરાજ વાજાના આક્ષેપ મુજબ, અગાઉ જેકવેલની સામે અનધિકૃત રીતે રેતી ખનન અને અન્ય કામગીરી ચાલતી હતી ત્યારે નગરપાલિકાના શાસકો મૌન રહ્યા હતા. હવે જૂની લીઝ (Vanthali Ojat River Sand Lease)ની મુદત પૂરી થવાની અને નવી બ્લોક સિસ્ટમ હેઠળ ટેન્ડરિંગની પ્રક્રિયા શરૂ થવાની સ્થિતિમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ નેતાએ આક્ષેપ કર્યો હતો કે શાસકોના આર્થિક હિતો સચવાતા ન હોવાથી હવે વિરોધનો દેખાવ કરવામાં આવી રહ્યો છે.

Vanthali Ojat River Sand Lease: ‘ગેરકાયદે દબાણો અને કેમિકલવાળા પાણી સામે કેમ નહીં?’

સિરાજ વાજાએ વધુ સવાલો ઉઠાવતા કહ્યું હતું કે જો નગરપાલિકાના શાસકો ખરેખર લોકહિત માટે લડી રહ્યા હોય તો ઉબણ નદીમાં ભળતા કેમિકલવાળા પાણી અને ગૌચર જમીન પરના કથિત ગેરકાયદે દબાણો સામે પણ કાર્યવાહી થવી જોઈએ.તેમણે ભાજપ સંચાલિત નગરપાલિકા બોર્ડ દ્વારા પોતાની જ સરકાર સામે હાઇકોર્ટનો માર્ગ અપનાવવાની સ્થિતિને વહીવટી નિષ્ફળતા ગણાવી હતી અને આ મુદ્દે જાહેર ચર્ચા માટે પડકાર પણ ફેંક્યો હતો.

હવે હાઇકોર્ટની કાર્યવાહી પર નજર

ઓઝત નદીમાં રેતી લીઝ (Vanthali Ojat River Sand Lease) અને બ્લોક સિસ્ટમનો મુદ્દો હવે રાજકીય વિવાદની સાથે કાનૂની લડાઈ તરફ આગળ વધી રહ્યો છે. નગરપાલિકા દ્વારા હાઇકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે.એક તરફ નગરપાલિકા શાસકો પાણી, સિંચાઈ અને પર્યાવરણના હિતમાં લીઝનો વિરોધ કરી રહ્યા છે, જ્યારે કોંગ્રેસ દ્વારા આ વિરોધ પાછળ રાજકીય અને આર્થિક કારણો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.હવે હાઇકોર્ટમાં થનારી કાર્યવાહી અને સરકારનો આગામી નિર્ણય ઓઝત નદી વિસ્તારમાં રેતી લીઝના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ બની રહેશે.


આ પણ વાંચો:વંથલી નગરપાલિકાનાં પૂર્વ પ્રમુખ અને ભાજપ આગેવાનની સરેજાહેર હત્યા

આ પણ વાંચો:વિસાવદર નગરપાલિકામાં ભારે હંગામો, ચીફ ઓફિસર અને ઉપપ્રમુખ વચ્ચે ઉગ્ર તકરારનો વીડિયો વાયરલ

આ પણ વાંચો:જામનગર જિલ્લાની ત્રણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં સરેરાશ 63 ટકા મતદાન