એક સામાન્ય તણખલુ કોઇનો જીવ લઇ શકે તે કલ્પના કરવી થોડી અગરી છે. પરંતુ સુરતમાં બનેલી ઘટનાએ તે સાબિત કરી બતાવ્યુ. ગઇ કાલે શુક્રવારે સુરતમાં બનેલી દુર્ઘટનાએ ઘણા સવાલો ઉભા કરી દીધા છે. તાજેતરમાં સામે આવેલા સીસીટીવી ફૂટેજ મુજબ તક્ષશીલા એપાર્ટમેન્ટનાં ગ્રાઉન્ડ ફ્લોર પર એક સામાન્ય તણખલુ થયુ જે ધીરે ધીરે વિકરાળ સ્વરૂપ લેતુ ગયુ અને અંદાજે 23 બાળકોનો ભોગ લેવાયો.

શુક્રવારે બપોરે 3:40 મિનિટ પર સુરતનાં તક્ષશિલા શોપિંગ સેંટરમાં આગ લાગી ગઇ હતી, જેના સીસીટીવી ફૂટેજ હવે સામે આવ્યા છે. જેમા સ્પષ્ટપણે દેખાઇ રહ્યુ છે કે, કેવી સામાન્ય આગ લાગી હતી જેણે થોડી વારમાં જ એક વિકરાળ સ્વરૂપ લઇ લીધુ હતુ. અહી મોટા સવાલો ઉભા થાય છે કે શું અહી વાયરીંગ નબળુ હતુ. જો નબળુ હતુ તો તેનુ ક્વોલિટી ચેકઅપ કોના હાથમાં હતુ. ગ્રાઉન્ડ ફ્લોર પર લાગેલી આગ લાકડાની સીડીઓની મદદથી ચોથા માળ સુધી પહોચી ગઇ હતી. સુત્રોનું કહેવુ છે કે, આગ એટલી ઝડપથી ફેલાઇ કે કોઇ વિદ્યાર્થીઓને બચવાનો મોકો ન મળ્યો અને તેમણે ચોથા માળેથી છલાંગ લગાવવી પડી.
આપને જણાવી દઇએ કે, સુરતનાં સરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા આર્કેડનાં ચોથા માળે ટોપ ફ્લોર પર આવેલાં ટ્યુશન ક્લાસમાં આગ લાગતાં વિદ્યાર્થીઓનાં મોત થયા છે. તક્ષશિલા આર્કેડમાં ઉપરનાં માળે ક્રિએટર ઈન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઈનર ક્લાસીસ ચાલતાં હતાં. જ્યા અચાનક આગ લાગવાથી ભાગદૌડ શરૂ થઇ ગઇ હતી. આગનાં કારણે કેટલાંક વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. સુત્રોનાં જણાવ્યા મુજબ મૃતકોનો આંક હજુ પણ વધી શકે તેવી પૂરી સંભાવનાઓ દેખાઇ રહી છે. આપને જણાવી દઇએ કે, મૃતકોમાં ઘણી છોકરીઓ પણ છે. આગનાં પગલે 108ની એમ્બ્યુલન્સ મારફતે પાંચ ઈજાગ્રસ્ત છોકરીઓને કાપોદ્રા સ્થિત પીપી સવાણી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, આગ લાગતા જ પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે સુરતમાં થયેલી આગની દુર્ઘટનાથી હું ભારે દુખી છું. મારી સંવેદનાઓ પીડીત પરિવારો સાથે છે. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય. પીડીતોને તમામ પ્રકારની સહાય આપવા ગુજરાત સરકાર અને ઓથોરીટીને સુચના આપી દેવામા આવી છે. શુક્રવારે સાંજે આ આગ લાગતાં ટ્યુશન ક્લાસમાં ભણી રહેલાં લગભગ 50 જેટલાં વિદ્યાર્થીઓમાં અફરાતફરી મચી ગઇ હતી. આગથી બચવા માટે 14 જેટલાં વિદ્યાર્થીઓ આર્કેડનાં ટોપ ફ્લોર પરથી છલાંગો લગાવી હતી. આ અકસ્માતમાં અનેક વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા છે જેમને નજીકની સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
