“વિઝન વિકસિત ગુજરાતનું, મિશન જનકલ્યાણનું” – ની પ્રતિબદ્ધતા દર્શાવતું બજેટ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
* 50 હજાર કરોડનું વિકસિત ગુજરાત ફંડ
* ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટીને સુદ્રઢ કરતી મહત્વપૂર્ણ જોગવાઈઓ
* બે નવા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વેઃ નમોશક્તિ એક્સપ્રેસ-વે તથા સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ-વે અને 12 નવા હાઈસ્પીડ કોરિડોર વિકસાવાશે, દાહોદ ખાતે નવા એરપોર્ટનું નિર્માણ કરાશે
* વર્લ્ડ ક્લાસ સિટી ડેવલપમેન્ટને વેગ આપવા 2025નું વર્ષ શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવાશેઃ શહેરી વિકાસના બજેટમાં 40 ટકાનો વધારો, નવી મહાનગરપાલિકાઓના માળખાકીય વિકાસ માટે નાણાંકીય ફાળવણી
* ગરીબોને આવાસ માટે પીએમ આવાસ ગ્રામીણમાં અપાતી સહાય 1.70 લાખ રૂપિયા કરાઈ
* આદિજાતિના કલ્યાણ માટે વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત આ વર્ષે 30 હજાર કરોડની રકમ ફાળવાશે
* રાજ્યના મત્સ્યોદ્યોગના વિકાસ માટે અભૂતપૂર્વ 1622 કરોડનું પેકેજ જાહેર
* બાળકોના પોષણ માટે રૂ. 8460 કરોડની બજેટ ફાળવણી
——–
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 2025-26ના વર્ષના ગુજરાતના બજેટને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં “વિઝન વિકસિત ગુજરાતનું, મિશન જનકલ્યાણનું”-ની પ્રતિબદ્ધતા દર્શાવતું બજેટ ગણાવ્યું છે.
નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહમાં પ્રસ્તુત કરેલા આ બજેટને તેમણે વડાપ્રધાનના વિકસિત ભારતના વિઝનને આયોજનબદ્ધ રીતે પ્રજા કલ્યાણ યોજનાઓથી અમલમાં મૂકવાનો આલેખ ગણાવ્યું છે.
આ માટે રૂ. 50 હજાર કરોડના પ્રાવધાન સાથે વિકસિત ગુજરાત ફંડની સ્થાપનાને તેમણે મહત્વપૂર્ણ ગણાવી છે.
રાજ્યના અત્યાર સુધીના ઇતિહાસનું સૌથી મોટા કદના એટલે કે રૂ.3.70 લાખ કરોડના આ બજેટમાં કેપિટલ એક્સપેન્ડિચરમાં ગયા વર્ષની તૂલનાએ 21.8% નો વધારો એ વિકાસ માટેની પ્રતિબદ્ધતા છે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યુ કે, પ્રગતિ અને ઉન્નતિના નિત નવા આયામો સર કરતા ગુજરાતના સૌ નાગરિકોના જીવનને સુગમ્ય, સમૃદ્ધ અને સંતોષપ્રદ બનાવવાનો સફળ પ્રયાસ આ બજેટમાં થયો છે. અત્યાર સુધીમાં વિકાસની રાહ પર જ્યાં ગુજરાત છે તેનાથી વધુ ગતિએ ક્વોન્ટમ જમ્પ સાથે આગળ વધવાનું પ્રતિબિંબ આ બજેટમાં ઝિલાતું હોવાનો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીએ ઇન્ફાસ્ટ્રક્ચર અને કનેક્ટિવીટી માટે આ બજેટમાં કરવામાં આવેલી જોગવાઈઓને આવકારતા જણાવ્યું હતું કે, વિકસિત ગુજરાત માટે છ રિજીયોનલ ઇકોનોમિક પ્લાન તૈયાર કરવામાં આવશે. સુરત રિજન, અમદાવાદ રિજન, વડોદરા રિજન, રાજકોટ રિજન, સૌરાષ્ટ્ર કોસ્ટલ રિજન અને કચ્છ રિજન એમ કુલ છ ગ્રોથ હબ બનાવવાનું આ બજેટમાં પ્રાવધાન છે.
આ પણ વાંચો: મનપા માટે રૂપિયા 2300 કરોડની જોગવાઈ કરવામાં આવી
આ પણ વાંચો:કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ રૂ 22498 કરોડની જોગવાઇ
આ પણ વાંચો:આપત્તિ વ્યવસ્થાપનને ઝડપી બનાવવા માળખાકીય સુવિધાઓ બનાવવાનું આયોજન
