india news/ વિકાસ યાદવના નામે 13 એન્ટ્રી મળી! 5 BLO અને કોમ્પ્યુટર સહાયક પર તવાઈ

Voter List Irregularities: ઉત્તર પ્રદેશના આઝમગઢમાં મતદાર યાદીમાં વિકાસ યાદવ નામની 13 જગ્યાએ નોંધ મળી. તપાસમાં 11 નોંધ અલગ-અલગ વ્યક્તિઓની હોવાનું સામે આવ્યું. બેદરકારી સાબિત થાય તો 5 BLO, કોમ્પ્યુટર સહાયક અને અન્ય અધિકારીઓ સામે કાર્યવાહી થઈ શકે છે.

Top Stories India
Voter List Irregularities: 13 નોંધ મળતાં ચૂંટણી તંત્ર હરકતમાં

Uttar Pradesh News: ઉત્તર પ્રદેશના પીલીભીત બાદ હવે આઝમગઢની(Voter List Irregularities) મતદાર યાદીમાં કથિત ગેરરીતિનો મામલો સામે આવ્યો છે. સમાજવાદી પાર્ટી (SP) દ્વારા વિકાસ યાદવ નામના વ્યક્તિનું નામ મતદાર યાદીમાં 10 વખત નોંધાયેલું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ મામલે તપાસ બાદ ચૂંટણી તંત્રે કાર્યવાહી કરવાની સૂચના આપી છે. જો તપાસમાં કોમ્પ્યુટર સહાયક અને પાંચ બૂથ લેવલ ઓફિસર્સ (BLO) દોષિત ઠરશે, તો તેમને મતદાર યાદી સંબંધિત કામગીરીમાંથી તાત્કાલિક દૂર કરવા અને તેમની સેવાઓ સમાપ્ત કરવા માટે નોટિસ આપવાની સૂચના આપવામાં આવી છે.

Voter List Irregularities: વિકાસ યાદવના નામની 13 જગ્યાએ નોંધ મળી

સમાજવાદી પાર્ટીએ 15 ઓક્ટોબરે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં આઝમગઢ વિધાનસભા ક્ષેત્ર-347ની મતદાર યાદીમાં વિકાસ યાદવનું નામ 10 વખત નોંધાયેલું હોવાનો આરોપ લગાવ્યો હતો. ત્યાર બાદ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી હતી અને તપાસનો અહેવાલ મુખ્ય ચૂંટણી અધિકારીને મોકલવામાં આવ્યો હતો.

તપાસ અહેવાલ અનુસાર, આઝમગઢની મતદાર યાદીમાં વિકાસ યાદવ નામની (Vikas Yadav Voter List) નોંધ કુલ 13 જગ્યાએ જોવા મળી હતી. જોકે, તપાસમાં જાણવા મળ્યું કે ગોરખપુર જિલ્લાના ચૌરીચૌરા વિધાનસભા મતવિસ્તારનો વિકાસ યાદવ અને આઝમગઢની યાદીમાં નોંધાયેલા અન્ય લોકો અલગ-અલગ વ્યક્તિઓ છે. આ 13 નોંધમાંથી બે જગ્યાએ નામ દૂર કરવાની કાર્યવાહી થઈ ચૂકી છે.

11 નામ અલગ-અલગ વ્યક્તિઓનાં હોવાનું તપાસમાં સામે આવ્યું

તપાસમાં જણાવાયું છે કે બાકીની 11 નોંધો આઝમગઢના 11 અલગ-અલગ વ્યક્તિઓની છે, જેઓ પોતપોતાના ગામમાં રહે છે. આ 11 વ્યક્તિઓમાંથી વિકાસ યાદવ સિવાય અન્ય 10 લોકોનાં નામ અને વિગતોમાં સુધારા માટે ફોર્મ-8 ભરવામાં આવ્યું છે.

આથી મતદાર યાદીમાં એક જ નામ વારંવાર દેખાવાનો મામલો અને એક જ વ્યક્તિનું નામ અનેક જગ્યાએ નોંધાયેલું હોવાનો મામલો અલગ છે. તપાસમાં મળેલી વિગતોના આધારે દરેક નોંધની ઓળખ અને વિગતોની ચકાસણી કરવામાં આવી રહી છે.

5 BLO અને કોમ્પ્યુટર સહાયક સામે કાર્યવાહી કરવાની સૂચના

ચૂંટણી તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો સમાજવાદી પાર્ટીના આક્ષેપોની તપાસમાં કોમ્પ્યુટર સહાયક અને પાંચ BLOની બેદરકારી કે સંડોવણી સાબિત થશે, તો તેમને મતદાર યાદી સંબંધિત કામગીરીમાંથી દૂર કરવામાં આવશે. તેમની સેવાઓ સમાપ્ત કરવા માટે નોટિસ આપવાની પણ સૂચના આપવામાં આવી છે.

આ ઉપરાંત, મતદાર યાદી તૈયાર કરવાની કામગીરીમાં બેદરકારી અથવા દેખરેખમાં ખામી જણાય તો તત્કાલીન મતદાર નોંધણી અધિકારી અને બે સહાયક ચૂંટણી અધિકારીઓ સામે પણ ખાતાકીય કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે.

લોક પ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ કાર્યવાહી

ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી નવદીપ રિનવાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે દોષિત કર્મચારીઓ અને અધિકારીઓ સામે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1950ની કલમ 32 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

જિલ્લા ચૂંટણી અધિકારી, આઝમગઢને જિલ્લાના તમામ વિધાનસભા મતવિસ્તારોની મતદાર યાદીઓની તપાસ કરીને એક અઠવાડિયામાં વિગતવાર અહેવાલ રજૂ કરવા પણ સૂચના આપવામાં આવી છે.

અગાઉ પણ અધિકારીઓ સામે કાર્યવાહી થઈ હતી

આઝમગઢમાં મતદાર યાદી સંબંધિત ગેરરીતિઓનો મામલો સામે આવ્યો તે પહેલાં પણ કાર્યવાહી કરવામાં આવી હતી. ઉપલબ્ધ વિગતો અનુસાર, બે દિવસ અગાઉ એક કોમ્પ્યુટર ઓપરેટર અને બે નાયબ જિલ્લા મેજિસ્ટ્રેટ સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને તેમની સામે FIR નોંધવામાં આવી હતી.

હવે આઝમગઢના તમામ વિધાનસભા મતવિસ્તારોની મતદાર યાદીઓની તપાસ બાદ વધુ ગેરરીતિઓ સામે આવે છે કે નહીં અને જવાબદાર કર્મચારીઓ તથા અધિકારીઓ સામે શું પગલાં લેવાય છે તેના પર નજર રહેશે.


આ પણ વાંચો: યુપીમાં આજે ખાસ કેમ્પ, 1.77 લાખ BLO કરશે મતદાર યાદીની ચકાસણી

આ પણ વાંચો: SIR પૂર્ણ થયેલા રાજ્યોમાં Form 6માંથી વધારાનું ઘોષણાપત્ર દૂર, 2003ની મતદાર યાદી અંગેનો સવાલ હટ્યો

આ પણ વાંચો: અમેરિકામાં મતદાર યાદીની ચકાસણીને લઈને ટ્રમ્પનો મોટો દાવો, 24 હજારથી વધુ બિન-નાગરિકોના નામનો ઉલ્લેખ