US Voter List Verification: અમેરિકામાં મતદાર યાદીની ચોકસાઈ અને ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતાને લઈને ફરી એકવાર રાજકીય ચર્ચા તેજ બની છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે વર્ષ 2020ની મતદાર યાદીના રેકોર્ડને નાગરિકતા સંબંધિત રેકોર્ડ સાથે ક્રોસ-ચેક કરવામાં આવ્યા છે, જેમાં 24 હજારથી વધુ બિન-નાગરિક મતદારોની ઓળખ થઈ હોવાનું સામે આવ્યું છે.
ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર આ અંગે માહિતી શેર કરી હતી. તેમના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 128 મિલિયન મતદાર રેકોર્ડનું પ્રાથમિક વિશ્લેષણ કરવામાં આવ્યું છે. જ્યારે હજુ 32 મિલિયન રેકોર્ડની તપાસ બાકી છે અને આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ આંકડો વધી શકે છે.
ટ્રમ્પે પોતાના સંદેશમાં દાવો કર્યો કે, શરૂઆતના વિશ્લેષણમાં 24 હજારથી વધુ બિન-નાગરિકોએ ગેરકાયદેસર રીતે મતદાન કર્યું હોવાની માહિતી મળી છે. તેમણે આ મુદ્દાને ચૂંટણી સુધારા સાથે જોડતા ‘સેવ અમેરિકા એક્ટ’ (SAVE America Act) પસાર કરવાની માંગ પણ ફરી ઉઠાવી છે.
મેક્સિકોમાં જન્મેલા લોકોની સંખ્યા સૌથી વધુ હોવાનો દાવો
વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરાયેલા ડેટા મુજબ, બિન-નાગરિક મતદારો તરીકે ઓળખાયેલા રેકોર્ડમાં મેક્સિકોમાં જન્મેલા લોકોની સંખ્યા સૌથી વધુ 3,800 હોવાનું જણાવાયું છે. ત્યારબાદ કેનેડા 950, ફિલિપાઇન્સ 900, જમૈકા 900, જર્મની 700 અને બ્રિટન 650નો સમાવેશ થાય છે. આ ઉપરાંત ક્યુબાના 450, વિયેતનામના 400, હૈતીના 400 અને દક્ષિણ કોરિયાના 350 લોકોના રેકોર્ડનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
‘સેવ અમેરિકા એક્ટ’ની ફરી માંગ
ટ્રમ્પે બિન-નાગરિક મતદાનના મુદ્દાને ચૂંટણી સુધારા સાથે જોડીને ‘સેવ અમેરિકા એક્ટ’ પસાર કરવાની માગ કરી છે. પ્રસ્તાવિત કાયદા હેઠળ ફેડરલ ચૂંટણીમાં મતદાન માટે નાગરિકતાનો પુરાવો અને ફોટો ID ફરજિયાત બનાવવાની જોગવાઈનો સમાવેશ થાય છે. ઉપરાંત, રાજ્યોને મતદાર યાદીઓમાંથી બિન-નાગરિકોના નામ દૂર કરવા માટે પગલાં લેવાની જરૂર પડી શકે છે.
ભારતની ચૂંટણી વ્યવસ્થાની પણ પ્રશંસા
આ મુદ્દે ટ્રમ્પે ભારતની ચૂંટણી વ્યવસ્થાનો પણ ઉલ્લેખ કર્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સાથેની વાતચીતનો ઉલ્લેખ કરતાં તેમણે ભારતમાં 646 મિલિયન લોકોએ મતદાન કર્યું હોવાનો દાવો કર્યો અને કહ્યું કે લગભગ તમામ મતદારો પાસે માન્ય ફોટો ID હતું. ટ્રમ્પે ભારતની મતદાર ઓળખ પ્રણાલીને અમેરિકામાં ચૂંટણી પ્રક્રિયા વધુ પારદર્શક બનાવવા માટેના ઉદાહરણ તરીકે રજૂ કરી છે.
દાવાઓ સામે સવાલો પણ ઉઠ્યા
જોકે, ટ્રમ્પના આ દાવાને લઈને અમેરિકામાં રાજકીય વિવાદ પણ ઊભો થયો છે. ટીકાકારોનું કહેવું છે કે વ્યાપક સ્તરે બિન-નાગરિકોએ મતદાન કર્યું હોવાના દાવાને સમર્થન આપતા પૂરતા જાહેર પુરાવા ઉપલબ્ધ નથી. બીજી તરફ, ટ્રમ્પ વહીવટીતંત્ર આ પ્રકારની ચકાસણીને ચૂંટણી પ્રક્રિયામાં સુધારા અને પારદર્શિતા માટે જરૂરી ગણાવી રહ્યું છે.
આ સમગ્ર મામલે 2020ની અમેરિકી ચૂંટણી અંગેનો રાજકીય વિવાદ ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.
