Up Flood: ઉત્તર પ્રદેશમાં પહાડી વિસ્તારો અને મેદાની વિસ્તારોમાં થઈ રહેલા સતત વરસાદને કારણે અનેક નદીઓમાં જળસ્તર ઝડપથી વધી રહ્યું છે. ગંગા અને યમુના સહિતની નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાતા વારાણસી, પ્રયાગરાજ, મિર્ઝાપુર, ગોંડા, અયોધ્યા અને અન્ય વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે.
વારાણસીમાં ગંગાનું જળસ્તર માત્ર 10 કલાકમાં આશરે 42 સેન્ટિમીટર વધ્યું હતું. મંગળવારે સાંજે 6 વાગ્યે ગંગા 67.14 મીટરના સ્તરે પહોંચી હતી, જ્યારે અહીં ભયજનક સપાટી 70.212 મીટર છે. પાણી ઝડપથી ઘાટ તરફ આગળ વધતાં અનેક ઘાટ વચ્ચેનો સંપર્ક પણ તૂટી ગયો છે.
ગંગાના વધતા પાણીના કારણે શ્રી કાશી વિશ્વનાથ મંદિર તરફ ગંગા મારફતે જતો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. પાણીના તેજ પ્રવાહને ધ્યાનમાં રાખીને બોટ સેવા પણ અટકાવવામાં આવી છે. મણિકર્ણિકા ઘાટની આસપાસના વિસ્તારોમાં પાણી પહોંચતાં અંતિમ સંસ્કારની વ્યવસ્થામાં પણ ફેરફાર કરવો પડ્યો છે.
મણિકર્ણિકા સ્મશાન ઘાટના ઉપરના ભાગમાં અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે, જ્યારે હરિશ્ચંદ્ર ઘાટ પણ પાણીમાં ગરકાવ થયો છે. દશાશ્વમેઘ અને શીતળા ઘાટ પર યોજાતી ગંગા આરતીને પણ પાણીની સ્થિતિને કારણે છત પર ખસેડવામાં આવી છે. પોલીસ અને NDRFની ટીમો ઘાટ પર સતત દેખરેખ રાખી રહી છે અને લોકોને પાણીથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી રહી છે.
પ્રયાગરાજમાં પણ ગંગા અને યમુનાના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. 36 કલાક દરમિયાન ગંગાનું પાણી આશરે 50 સેન્ટિમીટર અને યમુનાનું પાણી 76 સેન્ટિમીટર વધ્યું છે. કોરાંવ વિસ્તારમાં બેલાન નદી ભયજનક સપાટી પાર કરી ગઈ છે. બેલાન સહિત ટુડિયારી, સેવતી અને ગોરમા નદીઓમાં પાણી વધતાં પાંચ નાના પુલ પાણીમાં ડૂબી ગયા છે. તેના કારણે આશરે 45 ગામોનો સંપર્ક કપાયો છે અને હજારો લોકોની અવરજવર પર અસર પડી છે.
મિર્ઝાપુરમાં અડવા ડેમના છ દરવાજા ખોલીને નદીમાં આશરે 21 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેના પગલે અનેક ગામો વચ્ચેનો સંપર્ક ખોરવાયો છે. બખર નદીનું પાણી ધુર્કર પુલ સુધી પહોંચતાં મિર્ઝાપુર-સોનભદ્ર માર્ગ પર વાહનવ્યવહાર પણ બંધ કરવાની ફરજ પડી છે.
ગોંડામાં ઘાઘરા નદી એલ્ગિન બ્રિજ પાસે ભયજનક સપાટીથી આશરે 54 સેન્ટિમીટર ઉપર વહી રહી છે. પૂરથી હજારો લોકો પ્રભાવિત થયા છે અને પાંચ ગ્રામ પંચાયતોના 25 ગામોનો મુખ્ય માર્ગો સાથેનો સંપર્ક તૂટી ગયો છે. પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટીતંત્ર દ્વારા 60 બોટ તૈનાત કરવામાં આવી છે.
અયોધ્યામાં સરયુ નદી ભયજનક સપાટીથી 27 સેન્ટિમીટર ઉપર છે. બેરેજમાંથી ઘાઘરા નદીમાં 3.26 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. બીજી તરફ, બહરાઇચમાં પાણી છોડાયા બાદ જળસ્તર ઘટવાનું શરૂ થતાં પૂરગ્રસ્ત ગામોમાં રાહતની આશા ઊભી થઈ છે.
ફરુખાબાદમાં ગંગા ચેતવણી સ્તરથી 25 સેન્ટિમીટર ઉપર સ્થિર છે, જોકે નદીના ધોવાણથી મુશ્કેલી વધી રહી છે. દૌલી કી મડૈયા અને કટ્રી તૌફિક વિસ્તારમાં અનેક મકાનો ગંગાના ધસમસતા પાણીમાં ધોવાઈ ગયા છે.
બિજનૌરમાં ગંગા અને પહાડી નદીઓના વધતા પાણીથી લગભગ એક ડઝન ગામોનો જિલ્લા મુખ્યાલય સાથેનો સંપર્ક તૂટ્યો છે. પીલીભીતમાં શારદા નદીનું પાણી ત્રણ ગામોમાં ઘૂસી ગયું છે, જ્યારે બદાયૂંમાં ગંગાનું પાણી કદમનાગલા સુધી પહોંચી ગયું છે.
નદીઓના સતત વધતા જળસ્તરને કારણે ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં પૂરનો ખતરો યથાવત્ છે. સ્થાનિક તંત્ર દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં નજર રાખવામાં આવી રહી છે અને લોકોને સલામત સ્થળે રહેવાની સૂચના આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો: દેશના 19 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, દિલ્હી-NCR સહિત અનેક વિસ્તારોમાં વાવાઝોડાની ચેતવણી
આ પણ વાંચો: દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, ઉત્તર-પૂર્વમાં પૂર-ભૂસ્ખલન
આ પણ વાંચો : નવસારીના ધોલાઈ બંદર નજીક મધદરિયે ફિશિંગ બોટ ફસાઈ: 9 માછીમારોના જીવ જોખમમાં, હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ ઓપરેશન
